નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા: સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુર ગામે પારિવારિક વિવાદ અને આડા સંબંધના વહેમને કારણે હૃદયદ્રાવક ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
મળતી માહિતી મુજબ, શ્રવણ ગમાર નામના યુવકે પોતાની પત્ની પર આડા સંબંધનો શંકા રાખીને વહેલી સવારે ઘરમાં જ કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને હાલ સારવાર હેઠળ છે.
આરોપીએ પોતાના દોઢ વર્ષના માસૂમ પુત્ર પર પણ કુહાડીના ઘા ઝીંકતા બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દરમિયાન બચાવવા વચ્ચે પડેલી પોતાની માતા પર પણ હુમલો કરતા તેમનું પણ મોત થયું હતું.
ઘટનાને જોઈને ગુસ્સે ભરાયેલા આરોપીના ભાઈ ઈશ્વર ગમાર અને કાકીએ મળીને શ્રવણ પર બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો, જેમાં શ્રવણનું પણ મોત નીપજ્યું હતું. આ રીતે આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે પત્ની હાલ જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે.
પ્રાથમિક તપાસ મુજબ, આરોપી છેલ્લા કેટલાક સમયથી પત્ની અંગેના વહેમને કારણે માનસિક તણાવમાં હતો. પોતાના પુત્ર અંગે પણ શંકા રાખતો હોવાને કારણે પરિવારિક કલહ વધતો ગયો હતો, જે અંતે આ હિંસક ઘટનામાં પરિવર્તિત થયો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એસપી અને ડીવાયએસપી સહિતનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે બે અલગ અલગ ગુનાઓ નોંધીને આરોપીના ભાઈ અને કાકીની અટકાયત કરી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
આ કરુણ બનાવે ફરી એકવાર દર્શાવ્યું છે કે અંધશંકા અને પારિવારિક વિવાદ કેટલા ભયાનક પરિણામ આપી શકે છે.








