કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘રૂબિન ડેવિડ : ધ જ્યૂ ઍન્ડ ધ ઝૂ’ નામનું અદ્વિતિય પુસ્તક હાલમાં નવજીવન દ્વારા પ્રકાશિત થયું છે. રૂબિન ડેવિડની ઓળખ ગુજરાતના એક અગ્રણી વન્યજીવના સંરક્ષક તરીકે થાય છે. તેમણે અમદાવાદમાં ‘કમલા નેહરુ ઝુલોજિકલ પાર્ક’, ‘ચાચા નેહરુ બાલવાટિકા’ અને ‘નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ’ નિર્માણ કર્યા હતા. તેમણે વન્યજીવોના સંરક્ષણ માટે અને તેમનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રયોગો કર્યા અને એ રીતે તેઓ અનેક વન્યજીવોનું સંરક્ષણ કરી શક્યા હતા. આજે તેમનું બનાવેલું ઝૂ એ સ્થિતિમાં નથી, જે સ્થિતિમાં તેઓ મૂકી ગયા હતા. પરંતુ 1974થી 1989ના વર્ષો દરમિયાન અમદાવાદનું ઝૂ એશિયાનાં સૌથી શ્રેષ્ઠ ઝૂમાં સ્થાન પામતું હતું. વન્યજીવ સંરક્ષણમાં તેમના આ અદ્વિતિય પ્રદાનના કારણે જ તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. યહૂદી પરિવારમાં જન્મેલા રૂબિન ડેવિડે પૂરા દેશમાં વન્યજીવ સંરક્ષણ બાબતે એક અલગ ઓળખ મેળવી હતી, અને તેમના વિશેનું હાલમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક તેમની દીકરી અને લેખિકા એસ્થર ડેવિડે લખ્યું છે. આ પુસ્તકમાં અલભ્ય કહેવાય તેવી રૂબિન ડેવિડની તસવીરો છે અને સાથે તેમની સ્મૃતિરૂપે કેટલુંક અગત્યનું દસ્તાવેજિકરણ થયું છે.
આપણા શહેર અને રાજ્યમાં જેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું હોય એવાં કેટલાય લોકો જાહેર સ્મૃતિમાંથી નિકળી જાય છે અને તેમના વિશે પછીથી ત્યારે ચર્ચા થઈ શકે જ્યારે તેમનું કામ આ રીતે મૂકાય. રૂબિન ડેવિડનું વ્યક્તિત્વ ‘રૂબિન ડેવિન : ધ જ્યૂ ઍન્ડ ધ ઝૂ’ પુસ્તક રૂપે મૂકાયું તે અગાઉ પણ તેમના જીવન પર આધારિત ‘પિંજરની આરપાર’ નામની નવલકથા 1990ના અરસામાં આવી હતી. આ નવલકથાના લેખક માધવ રામાનુજ છે. આ નવલકથા વિશે સુરેશ દલાલ પુસ્તકમાં લખ્યું છે કે, “આ નવલકથા છે પણ માત્ર નવલકથા નથી. આ જીવનકથા છે પણ માત્ર જીવનકથા નથી. અહીં નવલકથા અને જીવનકથા, જીવનકથા અને નવલકથાનો સમન્વય છે. કહો કે જુગલબંદી છે. અહીં તથ્ય છે અને સત્ય છે. અહીં હકીકત છે અને કલ્પના છે. કવિ માધવ રામાનુજની કલમની આંખ અને પાંખને કારણે દૃષ્ટિના આકાશનો ઉઘાડ થાય છે. અહીં પશુ-પ્રાણીની સૃષ્ટિ, ફૂલો અને વનસ્પતિ – આ બધું જ લયબદ્ધ રીતે સંકળાયેલું છે અને ક્ષણેક્ષણના કેલિડોસ્કોપ દ્વારા શાશ્વતીને આશ્લેષ અને આલિંગનમાં સમાવી લીધી છે. અહીં રૂબિન ડેવિડનું જીવન, કાર્ય અને પ્રયોજન આલેખાયેલું છે. એક સામાન્ય માણસ કેવળ પોતાના પુરુષાર્થના જોરે જો જીવનનું પ્રયોજન મળ્યું હોય અને એ પ્રાપ્ત થયેલ પ્રયોજનને નરી લાગણીથી વળગી રહે તો કઈ રીતે અસામાન્ય થઈ શકે એનો અહીં આબેહૂબ ચિતાર છે.”
રૂબિડ ડેવિડનું જીવન જાણવું હોય તો માધવ રામાનુજની આ નવલકથા મસ્ટ રીડ છે. આ સિવાય પણ રૂબિન ડેવિડના જીવન વિશે દીકરી એસ્થર ડેવિડે ‘માય ફાધર્સ ઝૂ’ પુસ્તક લખ્યું છે. આ પુસ્તક ગુજરાતીમાં ‘મારા ડૅડીનું ઝૂ’ એ નામે ચિરંતના ભટ્ટે અનુવાદ કર્યું છે. ‘માય ફાધર્સ ઝૂ’ રૂબિનના અવસાન પછી લખાયું હતું. પરંતુ હવે આ નવું પ્રકાશિત પુસ્તક કેમ જરૂરી હતું તે વિશે એસ્થર પુસ્તકમાં લખે છે : “1989માં તેમના અવસાન પછી મેં ‘માય ફાધર્સ ઝૂ’ પુસ્તક લખ્યું હતું. મારી પાસે તેમની ઘણી આર્કાઇવ્ઝ અને તસવીરી-સંગ્રહ હતા. આ દરમિયાન, બાબુ ઉરફે મોહમદભાઈ રસુલભાઈ મલિક વિશે વિસ્તૃત માહિતી મને મળી, તેઓ ઝૂના મુખ્ય પ્રાણી સંરક્ષક હતા. આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે લેખક ખુશવંત સિંહે ‘હિંદુસ્તાન ટાઇમ્સ’માં તે વિશે લખ્યું હતું કે ‘જ્યારે મગર પકડવા માટે ઓસ્ટ્રેલિયાના જાણીતા સ્ટીવ ઇરવિનનું અવસાન સ્ટીંગ-રે નામની માછલીના હૂમલાથી થયું ત્યારે ત્યારે મેં અંતે એમ લખ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાંથી મગર અને ઝેરી સાપોને હાથેથી પકડનારાં સાહસિક લોકો મળ્યાં છે. પરંતુ હું ખોટો હતો. ઘણાં ભારતીયો એવા છે જે આ રીતે પેઢીઓથી હાથેથી મગર અને ઝેરી સાપોને પકડે છે. આ બધામાં સૌથી જાણીતાં અમદાવાદના રૂબિન ડેવિડ હતા. તેઓ માત્ર મગર કે સાપોને જ નહોતાં પકડતાં; બલકે તેમનાં ઘર અને તેમનાં દ્વારા નિર્માણ પામેલા ઝૂમાં વાઘ, સિંહ, રીંછ અને અન્ય વિવિધ પક્ષીઓ સુદ્ધા હતા. તેઓનાં આ મિત્રો સ્વસ્થ રહે તે માટે તેમણે પોતાની રીતે વનસ્પતિથી કેટલીક દવાઓ પણ બનાવી હતી. તેમનું જીવન તેમની દીકરી એસ્થર ડેવિડે લખ્યું છે, અને તેમનાં દોરેલાં ચિત્રોથી ખ્યાલ આવે છે કે તેઓ પ્રાણી-પક્ષીઓના કેટલાં નજીક હતા. એક માદા મગર ઇંડા સેવી રહી હતી ત્યારે તેઓ તેમની પાસે બેઠાં છે. જે કોઈ વ્યક્તિ આ રીતે પ્રાણી-પક્ષીઓ પર પ્રેમ વરસાવે છે તેમને તે પ્રેમ પાછો મળે છે અને માનવ-પ્રાણીઓ વચ્ચેના સુમેળભર્યા સંબંધની એક આ સાચી જીવનકથા છે. આ પુસ્તક ખરેખર કિશોરવયના બાળકો માટે છે; તેમ તમે મોટેરાં હોય તો પણ તમારા માટે આ પુસ્તક એટલું જ આકર્ષક બની રહેશે.” પ્રસ્તાવનામાં લેખિકા એસ્થર ડેવિડે ખુશવંત સિંહનો આ અનુભવ ટાંક્યો છે.
રૂબિન ડેવિડની પ્રાણીઓ સાથેની અનેક આત્મિયતાભરી તસવીરો તો આ પુસ્તકમાં તુરંત જ આંખે ચડે એવી છે. પરંતુ તે સાથે તેની કેટલીક અજાણી સ્ટોરીઝ પણ વાંચવા મળશે. જેમ કે, પુસ્તકના 84-85માં પાનાં પર મગર સાથેની તસવીરોમાં લેખિકાએ લખ્યું છે કે, “રૂબિન પોતાને ટારઝન સાથે સરખાવતા હતા, જેઓ કોઈ ટ્રાન્સક્વાલિઝાઇર ગન કે અન્ય શસ્ત્ર વિના પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપ સાથે કામ પાર પાડી શકતા. બીજી રીતે જોઈએ તો તેમણે માણસને હાનિ પહોંચાડતા મગરને કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી, સાથે અમદાવાદ અને વડનગરમાંથી દીપડાને પણ પકડ્યો હતો. તેમના જીવનના છેલ્લા વર્ષોમાં જ્યારે તેઓ ગીરના જંગલોમાં હતા ત્યારે તેમની સામે એક સિંહણ આવી હતી. આ સિંહણ પાંચ મિનિટ સુધી રૂબિન ડેવિડને જોતી રહી અને તે પછી ત્યાંથી જતી રહી.” એ રીતે ગલ્કી નામની ચિંપાઝીના પાંજરામાં સાથે બેસીને રૂબિન ડેવિડ તેને ચિત્ર દોરવાનું શિખવતા. આ તસવીરમાં દેખાય છે કે ગલ્કી ખુબ તલ્લીનતાથી ચિત્ર દોરી રહી છે. સામાન્ય સંજોગોમાં જે ન થઈ શકે તેવું કામ રૂબિન તેમના મિત્રરૂપે પ્રાણી-પુશ પાસેથી કરાવી શક્યા હતા. પુસ્તકમાં રૂબિન ડેવિડે તૈયાર કરેલી કાંકરીયા ઝૂની બ્લ્યૂ પ્રિન્ટ છે. પહેલાં તેનું નામ હિલ ગાર્ડન ઝૂ એમ આપવામાં આવ્યું હતું, જે પછીથી કમલા નેહરુ ઝૂલોજિકલ ગાર્ડન તરીકે ઓળખાતું થયું.
રૂબિનના જીવનની આવી અનેક રસપ્રદ વાતો છે, જે આ પુસ્તકમાં તસવીર રૂપે જોઈ શકાય છે. જોકે ગુજરાતીમાં તેમનું જીવન વાંચવું હોય તો ‘પિંજરની આરપાર’ શ્રેષ્ઠ છે. આ પુસ્તકમાં રૂબિનના જીવન વિશે પૂર્વભૂમિકામાં લેખક માધવ રામાનુજ લખે છે કે, “નિશાળને બદલે નદીનાં કોતરોમાં વીતેલું બાળપણ, પિતાજીએ પાળેલાં પશુ-પક્ષીઓના સારવારમાં વીતેલી કિશોરાવસ્થા, શિકાર, શિકારનાં આયોજન, રજવાડી જલસાઓ, જામ છલકાવતી મહેફિલોના દૌર, બંદૂકોનું રિપેરીંગ કામ, કૂતરાંની પેટન્ટ દવાઓ, કેનેરી પક્ષીને તાલીમ આપતો કસુંબલ કંઠ અને પ્રણય તેમ જ વિહરમાં વીતેલી યુવાની… – આ છે રૂબિન ડેવિડના જીવનનો પૂર્વાર્ધ” પછી ઉતરાર્ધમાં જે આવે છે તેમાં માધવ રામાનુજ લખે છે : “શિકાર છોડીને સંરક્ષણ આરંભ્યું. થોડાં પક્ષીઓનાં પાંજરાં અને એક્વેરિયમથી આરંભ કરીને આગળ જતાં પ્રાણીબાગ સંદર્ભે ગુજરાતને વિશ્વના નકશા પર મૂકી આપ્યું. કેટકેટલા વિક્રમ! પશુપક્ષીઓનાં પ્રજનન-સંવર્ધન અને સંરક્ષણના વિવિધ પ્રયોગોનું પ્રકૃતિવિદોનું – ઝૂઓલોજિસ્ટોનું ધ્યાન ખેંચ્યું!”
તેમનું જીવન કેવું રહ્યું તે વિશે ‘પિંજરની આરપાર’ના ભાવ-પ્રતિભાવમાં જાણીતાં સાહિત્યકાર રઘુવીર ચૌધરી લખે છે : “રૂબિને માત્ર તેર વર્ષની ઉંમરે શાળા છોડી કૂતરાંની દેખરેખનું કામ શરૂ કર્યું હતું. આઠેક વર્ષમાં પશુચિકિત્સકની યોગ્યતા કેળવી માન્યતા મેળી. 1949માં લેખન શરૂ કર્યું. બે વર્ષ પછી કાંકરિયા હિલગાર્ડન પ્રકૃતિવિદ તરીકે માનદસેવાઓ આપવા લાગ્યા. અને પછી તો સજીવ સૃષ્ટિના સહઅસ્તિત્વના પ્રયોગો કરતા જ ગયા. સુરખાબ, મગર, દીપડા, સિંહ – જે પ્રાણીઓ ખુલ્લા આકાશ નીચે સહઅસ્તિત્વ સ્વીકારવા રાજી ન હોય એમને રૂબિન ડેવિડે સાહચર્ય બક્ષ્યું. સંકર બચ્ચાં પ્રાણીબાગમાં અવતર્યા. વાઘનાં બચ્ચાં કૂતરીને ધાવીને ઉછેરવાનો પ્રયોગ થયો ત્યારે તો ગુજરાતી વર્તમાનપત્રોએ એ ચમત્કારને ઘણી જગા ફાળવી હતી.”
વન્યજીવનો પ્રાણી સંરક્ષક તરીકે રૂબિન ડેવિનના જીવનની આવી અનેક જાણી-અજાણી વાતોને ફરી ફરી બાળકોને કહેવી જોઈએ. નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરીમાં સ્ટીવ ઇરવિનના કાર્યક્રમથી જ નહીં, બલકે આપણાં સ્થાનિક વન્યજીવ સંરક્ષણના નાયક ડેવિડ રૂબિના જીવનથી પણ પ્રેરણા લેવી હોય તો અનેક આવી સ્ટોરીઝ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796