કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સેનામાં અગ્નિવીર (Agniveer) તરીકે સેવા બજાવતાં 23 વર્ષીય અજયકુમાર 18 જાન્યુઆરીના રોજ જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) શહીદ (martyrs) થયા હતા. પોતાની ફરજ પર હતા ત્યારે માઇન એક્સ્પ્લોઝનથી તેમનો જીવ ગયો. સેનામાં ચાર વર્ષના ટૂંકા ગાળા માટે ભરતી કરવા માટે અગ્નિપથ યોજના લાવવામાં આવી હતી. આ યોજનાનો ખૂબ વિરોધ થયો, તેમ છતાં સરકાર આ યોજનાને લાગુ કરવામાં પીછેહઠ ન કરી. હવે આ યોજના હેઠળ ભરતી થયેલા અજયકુમાર 18 જાન્યુઆરીએ શહીદ થયા. સામાન્ય રીતે સેનામાં જ્યારે કોઈ શહીદ થાય ત્યારે શહીદ થયેલાં સૈનિકને સન્માન મળે; પણ સાથે આર્થિક વળતર પણ મળે. પરંતુ અજયકુમારના કિસ્સામાં એવું કેટલાંક મહિનાઓ સુધી ન થયું, એટલે આખરે કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ આ મુદ્દો સંસદમાં ઊઠાવ્યો. રક્ષામંત્રી રાજનાથ સિંહે રાહુલની આ વાત ખોટી ગણાવી અને વળતર અજયકુમારના પરિવારને મળી ચૂક્યું છે તેવો દાવો કર્યો. રાહુલ સાથેના એક વિડિયોમાં પણ અજયકુમારના પિતા વળતર ન મળ્યાની વાત કહેતાં જણાય છે અને સાથે સાથે તેઓ અગ્નિપથ યોજનાને બંધ કરવી જોઈએ તેવી વાત પણ કરી રહ્યા છે. એક અઠવાડિયા સુધી આ રીતે વળતર આપવા – ન આપવાને લઈને વિવાદ ચાલ્યો. આખરે, અજયકુમારના પિતાએ ‘ઇન્ડિયા ટુડે’ ટીવી પર એવું સ્વીકાર્યુ કે તેઓને 98 લાખ રૂપિયા મળી ચૂક્યા છે. અને હવે બાકીના 67 લાખ રૂપિયા પણ ઝડપથી મળશે તેવી ખાતરી આપવામાં આવી છે. સૈનિક કે તેના પરિવાર સાથે થયેલાં અન્યાય બાબતે અવાજ ઊઠાવવો જોઈએ, પરંતુ અવાજ અન્યાયની ખિલાફ હોવા છતાં તેમાં રાજકીય તિકડમબાજી ખૂબ થઈ. ખેર, આખરે અજયકુમારના પરિવારને વળતર મળ્યું છે.

સૈન્યને લગતો આ વિવાદ જેમ ચર્ચામાં રહ્યો તેમ કેપ્ટન અંશુમાન સિંઘની પત્ની સ્મૃતિ સિંઘે જ્યારે તેમના જીવનસાથી વતી રાષ્ટ્રપતિના હસ્તે મૃત્યોપરાંત કિર્તીચક્રનું સન્માન સ્વીકાર્યું ત્યારે મીડિયામાં સ્મૃતિ સિંઘની તસવીરો અવારનવાર દેખા દીધી. કેપ્ટન અંશુમાન સિંઘ પંજાબ રેજિમેન્ટની 26મી બટાલિયનના મેડિકલ કોર્પમાં ડૉક્ટર તરીકે સેવા બજાવતા હતા. અને તેઓ મેઘદૂધ ઓપરેશન હેઠળ સિયાચીનમાં ફરજ પર હતા. સિયાચીનમાં લાગેલી એક આગમાં લોકોને બચાવવા જતા અને અદ્વિતિય સાહસ દાખવવા માટે કેપ્ટન અંશુમાન સિંઘને આ સન્માન મળ્યું છે. આ સન્માન મળ્યા બાદ તેમની પત્ની સ્મૃતિસિંઘે તેમના વચ્ચેની કેટલીક ક્ષણોની વાત મીડિયા સમક્ષ કરી. તેઓ કહે છે કે : “અમે કોલેજમાં પહેલા દિવસે મળ્યાં, આ કંઈ નાટકીય વાત નથી પરંતુ અમારે પ્રથમ નજરે જ પ્રેમ થયો. એક મહિના પછી તે ‘આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ’માં પસંદગી પામ્યા. એક મહિના પછી થયેલી મુલાકાત બાદ અમારા વચ્ચેની પ્રેમમૈત્રી આઠ વર્ષ સુધી રહી. લાંબા સમય સાથે રહ્યા બાદ અમારાં લગ્ન થયાં. કમનસીબે લગ્નના બે મહિનામાં જ તેમનું પોસ્ટિંગ સિયાચીનમાં થયું. 18 જુલાઈના રોજ અમારી વચ્ચે ભવિષ્યના 50 વર્ષ કેવા રહેશે તે અંગે વાતચીત થઈ હતી. અમે ઘર બાંધવાના હતાં, બાળકો અંગે આયોજન હતું. 19 જુલાઈએ મને કોલ આવ્યો કે હવે તે આ દુનિયામાં નથી.”

જ્યારે કોઈ સૈનિક શહીદ થાય ત્યારે તેની પાછળ પરિવારમાં પારાવાર પીડા અને સંઘર્ષ મૂકી જાય છે. સૈનિકના ઘરમાં તેનો ખાલીપો ક્યારેય ભરાતો નથી. આ ખાલીપાની વાત કરતું એક પુસ્તક હાલમાં પ્રકાશિત થયું છે. પુસ્તકનું નામ છે : ‘સૈનિક પત્નીયોં કી ડાયરી’. પ્રભાત પ્રકાશનનું આ પુસ્તક 192 પાનાંનું છે અને તેનાં સંપાદક વંદના યાદવ છે. વંદના પોતે એક સૈન્ય અધિકારીની જીવનસાથી છે એટલે તેમને ખ્યાલ હતો કે સૈનિકોના પત્નીઓની ડાયરીમાંથી કંઈ વાતો પુસ્તકમાં અગત્યની બની શકે અથવા તો તેમની પાસેથી કંઈ વાતો લખાવવી જોઈએ. વંદના પુસ્તકના સંપાદનમાં આરંભે લખે છે : “લોકો એવું કહે છે કે કોઈ એક ક્ષેત્રમાં મહારથ હાંસલ કરી લો તો તમને જીવન સુગમ લાગવા માંડે છે. હું કહું છું કે સૈનિકની પત્ની હોવાના નાતે પ્રથમ શરત એ છે કે તમારાંમાં દરેક ફિલ્ડની થોડી કે વધુ જાણકારી-સમજ હોવી જોઈએ. આ જીવન જેટલું સરળ દેખાય છે, તેટલું સરળ હોતું નથી. અહીં સૌ કોઈ એક ક્ષણે જીવનનો ઉત્સવ મનાવતા હોય અને બીજી જ ક્ષણે તમને મોતનું તાંડવ જોવા મળે. અહીં મૃત્યુ માર્ગ પર સુરક્ષા કરતી વેળાએ કે અકસ્માતમાં નથી થતી. આ સમાજમાં મૃત્યુનો અર્થ જુદો છે. તેમાં પણ સૌને શહીદ ગણવામાં નથી આવતા. ….” સૈનિકોની પત્ની પોતાને પડકારરૂપ સમય માટે તૈયાર કેવી રીતે કરે છે તે વિશે વંદના યાદવ લખે છે : “કેન્ટોનમેનનો માહોલ જીવન અને મૃત્યુના તડકી-છાંયડીમાંથી પસાર થાય છે. એટલે ધીરે ધીરે અહીંનો માહોલ, સૈનિકોની પત્નીઓમાં પણ રાષ્ટ્ર સર્વોપરી છે – તેવી ભાવના જગાવે છે. દેશની રક્ષા કરતી વેળાએ મહદંશે રોજ કોઈને કોઈ સૈનિક શહીદ થાય છે. આ માહોલ જ સૈનિકોના પત્નીઓને કઠીન સમય માટે તૈયાર કરી દે છે.”

‘સૈનિક પત્નીયોં કી ડાયરી’માં અગિયાર બહેનોએ તેમનાં અનુભવ ડાયરીઝ રૂપે લખ્યાં છે. અહીં પ્રથમ અનુભવ અલ્કા પંતે લખ્યો છે. તેમનું લગ્ન કેપ્ટન અનસૂયા પ્રસાદ પંત સાથે થયું હતું. અવારનવાર બદલીઓ સૈન્યમાં આવે તે સામાન્ય વાત છે, પણ અચાનક જોખમ કેવું આવી શકે તેનો એક અનુભવ અલ્કા પંતે ટાંક્યો છે. તેઓ લખે છે : “1990માં જ્યારે અનસૂયાનું પોસ્ટિંગ શ્રીલંકાથી આસામ થયું ત્યારે તો ખૂબ રાહત થઈ. મનોમન ઈશ્વરનો પાડ માણ્યો કે કઠીન સમય વીતી ગયો. આ પોસ્ટીંગ માટે 27 જૂન, 1990ના રોજ દિલ્લીથી તિનસુખિયાના પ્રથમ શ્રેણીમાં આસામ જવા નીકળ્યા. ટ્રેન ગતિથી ચાલી રહી હતી. અલગ-અલગ રાજ્યોથી પસાર થઈને ટ્રેન ત્રીજા દિવસે આસામમાં પ્રવેશી. અમે સૌ કોઈ બ્રેકફાસ્ટ માટે નીચેની સીટ પર બેઠા હતા અને બહારનું દૃશ્ય નિહાળી રહ્યા હતા. ત્યાં લોકો ખેતરમાં કામ કરતી વેળાએ માથે વાંસથી બનેલી ટોપી પહેરતા હતા. ટ્રેનમાંથી સુંદર દૃશ્ય નજરે ચઢ્યું હતું અને ત્યારે થયું કે આપણો દેશ કેટલો સુંદર અને ભવ્ય છે. અમારે ઉતરવાનું હતું તે સ્ટેશન ચાર કલાકના અંતરે હતું. અમે જ્યારે કોંકડાઝાડ જિલ્લામાં પ્રવેશ્યા ત્યારે ટ્રેનની ગતિથી એકદમ ધીરી થઈ ગઈ. થોડી જ વારમાં ફટાકડા જેવી અવાજ આવવા લાગી. અમને કશું ખ્યાલ આવે ત્યાં સુધી તો ટ્રેનનો ડબ્બો ઉછળવા લાગ્યો. સામે મોત દેખાયું. બાળકો રડવા લાગ્યા. દીકરા રાહુલે કહ્યું ‘ઘરે પાછા જઈએ…’ અનસૂયાએ કહ્યું બાળકોને સંભાળ. અનસૂયા શ્રીલંકાથી હમણાં જ આવ્યો હતો. તે તુરંત સમજી ગયો કે આ ફટાકડાનો અવાજ નથી. બૉમ્બ ધડાકા છે. અમે ખૂબ ડરી ગયાં. અમારો ડબ્બો રેલવે ટ્રેક પર પલટી ખાઈ ચૂક્યો હતો. ખિડકી નીચે, દરવાજો ઉપર તરફ અને અમે નીચે પટકાયા હતા. એક ક્ષણે લાગ્યું કે અમે હવે નહીં બચીએ. પરંતુ છેવટે કેટલાંક લોકો અમારી મદદે આવ્યા અને અમે ટ્રેનમાંથી નીચે ઉતર્યા. તે પછી અમે બાળકોને લઈને ખુલ્લા પગે કિચડ અને દલદલમાં દોડવા લાગ્યા. ત્યાંથી બે કિલોમીટરના અંતરે એક નાનું સ્ટેશન હતું, જ્યારે એ સ્ટેશન આવ્યું ત્યારે અમને હાશ થઈ.” આમ સાવ અજાણ્યા જગ્યાએ જ્યારે તમે તમારા પરિવાર સાથે હોવ અને કોઈ અણધારી આફત આવે ત્યારે તેની સામે કેવી રીતે લડવું તે પણ પડકાર છે. અલ્કા પંત અને તેમનો પરિવાર એ રીતે સુરક્ષિત રહ્યો, પણ દરવખતે નસીબ સાથ આપતું નથી.
બીજા આવાં અનુભવમાં એક અંબરીન જૈદી છે. તેઓ પોતે લેખિકા છે એટલે તેમણે સૈનિકના જીવનસાથી તરીકે પોતાનો અનુભવ સારી રીતે વ્યક્ત કર્યો છે. તેઓ લખે છે : “જીવનનો સૌથી કઠીન સમય હોય છે, જ્યારે પોતાના જીવનસાથીને યુદ્ધ ક્ષેત્રમાં પોસ્ટિંગમાં જતા જોવા. છૂટા પડવા સાથે એક ખાલીપણાનો સામનો કરવાનો હોય છે. શહીદ સૈનિકો વિશે અખબારોમાં વાંચવું. દરેક સમાચારથી એક ડર પેસે છે અને વાત ન થાય તો ગભરાટ થાય. તેમ છતાં બાળકો સાથે નિડર અને સ્વસ્થ્ય રીતે વર્તવું.”
સૈનિકોની પત્નીઓના આવાં અનેક અનુભવોથી આ પુસ્તક સમૃદ્ધ છે. પરંતુ અહીંયા તેની એક ઝલક આપી છે. આ ઉપરાંત હાલનાં સૈન્યને લગતાં જે કિસ્સાઓ ટાંક્યા છે તેના પરથી ખ્યાલ આવી શકે કે સૈનિકોના પરિવાર કેવી રીતે પીડાય છે, કેવી રીતે તેમની સાથે અન્યાય થાય છે અને કેવી રીતે તેમનું જીવન સંઘર્ષમય રહે છે
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796