વર્ષાનું વર્ષ જાગતિક ખાંડના ભાવ ૪૭ ટકા વધ્યા: ભારતમાં ૭ વર્ષની ઊંચાઈએ
ભારતીય ટ્રેડરો કહે છે કે નિકાસ પ્રતિબંધ છતાં ભાવ ઘટવાની સંભાવના ઓછી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ભારતમાં પુરવઠા અછત ઊભી ન થાય તેમજ ચૂંટણી અને તહેવારોની મોસમમાં ખાંડના ભાવ આસમાને પહોંચી જતાં અટકાવવા સરકારે વર્તમાન વર્ષના ઑક્ટોબર પછી નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આને લીધે જાગતિક બજારમાં પુરવઠા અછત સર્જાશે તો ભાવ ફાટીને ધુમાડે જશે. વર્ષાનું વર્ષ ભાવ અત્યાર સુધીમાં ભાવ ૪૭ ટકા વધ્યા છે. ગુરુવારે ન્યુયોર્ક માર્ચ રો સુગર વાયદો ઓગસ્ટ ૨૦૧૧ પછીની નવી ઊંચાઈએ ૨૭.૬૬ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) અને ડિસેમ્બર વ્હાઇટ સુગર વધીને ૭૪૪.૫૦ ડોલર પ્રતિ ટન થઈ હતી.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)ના એક નોટિફિકેશનમાં કહેવાયું હતું કે ઓકટોબર પછી તમામ કોડ હેઠળ આવતી રો સુગર, વ્હાઇટ સુગર, રિફાઈન્ડ સુગર અને ઓર્ગેનિક સુગર નિકાસ નિયંત્રિત કરાઇ છે. ૨૦૨૧-૨૨માં ૧૧૧ લાખ ટન ખાંડ વિદેશી બજારમાં વેચવાની છૂટ આપ્યા પાછી, ૩૦ સપ્ટેમ્બરે પૂરા થયેલા ૨૦૨૨-૨૩ના વર્ષમાં સરકારે ૬૨ લાખ ટન નિકાસ છૂટ આપી હતી. ગ્લોબલ ટ્રેડિંગ હાઉસના મુંબઈ સ્થિત એક ડિલરે કહ્યું હતું કે સરકારે આ વર્ષે મર્યાદિત પ્રમાણમાં નિકાસ છૂટ આપવાને બદલે અચોક્કસ મુદત સુધી નિકાસ નિયંત્રિત કરી દીધી છે.
આમ છતાં ભારતમાં આગામી સપ્તાહોમાં આવનારી તહેવારીક માંગને ધ્યાનમાં લેતા, ભારતીય ટ્રેડરો કહે છે કે ભાવ ઘટવાની સંભાવના ઓછી છે. બોમ્બે સુગર મર્ચન્ટ એસોસિયેશનના સેક્રેટરી મુકેશ કૂવાડિયા કહે છે કે અત્યારે ભારતમાં પણ સુગરના ભાવ ૭ વર્ષની ઊંચાઈએ પ્રવર્તે છે. એકસ્ મિલ (ખાંડ મિલના દરવાજે) એસ ૩૦ (ઝીણો દાણો) પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૬૩૦-૩૭૧૫ અને એમ ૩૦ (મધ્યમ દાણો) રૂ. ૩૭૭૦-૩૮૨૦ બોલાય છે. છૂટક બજારમાં ભાવ કિલો દીઠ રૂ. ૪૨થી ૪૫ મુકાય છે.
ભારતમાં ઉત્પાદનમાં મોટી વધઘટ થતી હોવાથી હંમેશા જાગતિક બજારને આશ્ચર્યમાં મૂકી દે છે. ભારતમાં આ વર્ષે ઓગસ્ટમાં ચોમાસું વરસાદની ૫૯ ટકા ખાધ રહી હતી. શેરડી ઉગાડતા મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પાક નબળો આવ્યો હોવાથી ૨૦૨૩-૨૪નું સુગર ઉત્પાદન ૩.૩ ટકા ઘટી ૩૧૭ લાખ ટન અંદાજાય છે. અલબત્ત, સુગર મિલ્સ અને ટ્રેડરોનો અંદાજ ૩૦૦ લાખ ટનથી ઓછો મુકાય છે, ગતવર્ષે ૩૫૦ લાખ ટન આવ્યું હતું. ભારતનો ખાંડ વપરાશ ૨૮૦ લાખ ટન અને ૪૩ લાખ ટન ઇથેનોલ ઉત્પાદનમાં લઈ જવામાં આવે છે. ઇંડિયન સુગર મિલ્સએ ૧ ઓક્ટોબરે ખૂલતી પુરાંત ૫૭ લાખ ટન મૂકી હતી.
ભારતમાં ઓક્ટોબરથી માર્ચ સુધી શેરડી પીલાણની મોસમ હોય છે, જ્યારે બ્રાઝિલમાં આવકો વર્ષના અંતભાગમાં થતી હોય છે. ભારતનો નિકાસ પ્રતિબંધ આવતા જાગતિક બજારમાં પુરવઠા અછત સર્જાશે અને ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળશે. બ્રાઝિલની મિલોએ આઇસીઇ ન્યુયોર્ક સુગર વાયદાનો સપ્ટેમ્બર એન્ડમાં ઉપયોગ કરીને ૨૧.૮૦ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ)ના ભાવે ૨૦૨૩-૨૪ની મોસમમાં ૧૦૦ લાખ ટન ખાંડનું હેજિંગ વેચાણ કરી નાખ્યું છે. એડવાઇઝરી કન્સલ્ટન્સી આર્ચર કહે છે કે બ્રાઝિલે ગતવર્ષે પણ આજ પ્રકારનું હેજ વેચાણ કર્યું હતું,
કન્સલ્ટન્સી આર્ચર કહે છે કે બ્રાઝિલે ૨૦૨૪-૨૫ની આગામી મોસમ માટે પણ ૩૯ ટકા એટલે કે ૨૬૦ લાખ ટન ઉત્પાદનનું નિકાસ હેજિંગ કરી નાખ્યું છે. બ્રાઝિલિયન કૃષિ એજન્સી યુનિકા કહે છે કે સપ્ટેમ્બરના બીજા અર્ધ માસિકમાં વર્ષાનું વર્ષ ખાંડ ઉત્પાદન ૯૮ ટકા વધીને ૩૩.૬૪ લાખ ટન થયું હતું. પરિણામે ૨૦૨૩-૨૪ના સપ્ટેમ્બર સુધીનું ઉત્પાદન વર્ષાનું વર્ષ ૨૩.૮ ટકા વધીને ૩૨૬.૧૫ લાખ ટન થયું હતુ.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796