Friday, April 24, 2026
HomeBusinessમંદીવાળા ઈન્સાઈડર ટ્રમ્પ ટ્રેડરોએ ઈરાન યુદ્ધનો ભરપુર લાભ ક્રુડ ઓઈલ અને શેરબજારમાંથી...

મંદીવાળા ઈન્સાઈડર ટ્રમ્પ ટ્રેડરોએ ઈરાન યુદ્ધનો ભરપુર લાભ ક્રુડ ઓઈલ અને શેરબજારમાંથી લીધો

- Advertisement -
  • ઈરાન યુદ્ધની નીતિઓમાં ટ્રમ્પએ વારંવાર નિવેદનો બદલ્યા: માત્ર ૧ જ મીનીટમાં ટ્રેડરોએ અબજો ડોલર ઘરભેગા કર્યા
  • અમેરિકન કોમોડીટી ફ્યુચર્સ ટ્રેડીંગ કમીશન (સીએફટીસી)એ તપાસના આદેશો આપ્યા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ઈરાન-અમેરિકા યુદ્ધ અનિશ્ચિતકાળ સુધી અટકાવી (સીઝફાયર) દેવામાં આવ્યાની જાહેરાત, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કરવાના ૧૫ મિનીટ અગાઉ, ૨૧ એપ્રિલ મંગળવારે કેટલાંક અજાણ્યા ટ્રેડરોએ, બ્રેન્ટ ક્રુડ ઓઈલ વાયદામાં ૪૩ અબજ ડોલરના ૪૨૬૦ કોન્ટ્રેક્ટ, શંકાસ્પદ મંદીના સટ્ટાકીય સોદા પાડી દીધા હતા. સામાન્ય રીતે બ્રેન્ટ ક્રુડ ઓઈલ વાયદો કટ થવા અગાઉના સેટલમેન્ટ (લે-વેચના સોદા સરખા કરવા) સમયગાળામાં પરંપરાગત રીતે સોદાની સંખ્યા સાવ ઘટી જતી હોય છે. પણ ગત મંગળવારે ગ્રીનીચ મીન ટાઈમ (જીએમટી) ૨૦.૧૦ વાગ્યે ટ્રમ્પએ સીઝફાયર લંબાવવાની જાહેરાત કરી, તે અગાઉ ૧૯.૫૪ અને ૧૯.૫૬ જીએમટી ટાઈમ વચ્ચે માત્ર બે જ મીનીટમાં ઇન્સાયડર ટ્રેડરો (આંતરિક માહિત જાણકાર સટ્ટોડીયા)એ ઈરાદાપૂર્વક ધરખમ વેચાણના સોદા પાડી દીધા હતા. બ્રેન્ટ ક્રુડ ઓઈલ જુન વાયદામાં વેચાણના સોદા પ્રતિ બેરલ ૧૦૦.૯૧ ડોલરના ભાવથી થતા હતા, પણ ટ્રમ્પની જાહેરાત પછીની એક જ મીનીટમાં ભાવ ૯૬.૮૩ ડોલર મુકાયા હતા. આ સપ્તાહે હોર્મુઝ સામુદ્રધુનીમાં બે વેસલ પર હુમલા કરાયાના સમાચાર પછી, ગુરુવારે ભાવ ૧૦૧.૩૨ અને ૧૦૬.૦૮ ડોલર વચ્ચે ટ્રેડ થયા હતા.

આ સંદર્ભમાં અમેરિકન કોમોડીટી ફ્યુચર્સ ટ્રેડીંગ કમીશન (સીએફટીસી)એ તપાસના આદેશો આપી દીધા છે. મંદીની પોઝીશન સ્થાપિત કરવા અને સમાચારની સત્તાવાર જાહેરાત વચ્ચે માત્ર ૨૦ મિનીટનો સમય તફાવત હતો. ઈરાન યુદ્ધ સંદર્ભની નીતિઓમાં ટ્રમ્પએ વારંવાર નિવેદનો બદલાયા હતા. લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રુપનાં આંકડા કહે છે કે ૧૭ એપ્રિલે ૧૨.૨૪ અને ૧૨.૨૫ ગ્રીનીચ મીન ટાઈમ વચ્ચે માત્ર ૧ જ મીનીટમાં રોકાણકારોએ બ્રેન્ટ ક્રુડ ઓઈલ વાયદાના પ્રવર્તમાન ભાવે ૭૬ અબજ ડોલરના, ૭૯૯૦ કોન્ટ્રેક્ટનાં મંદીના સોદા છાપી માર્યા હતા. ગત મહીને જ વ્હાઈટ હાઉસના સ્ટાફને એક ચેતવણી મોકલવામાં આવી હતી કે, ફાયનાન્સીયલ માર્કેટમાંથી મોટો નફો છૂટે એ પ્રકારના ઇન્સાઈડર ટ્રેડીંગની માહિતી લીક કરવામાં નાં આવે.

- Advertisement -

મંગળવાર તા. ૨૧ એપ્રિલે મંદીવાળા સટ્ટોડીયાઓએ એક જ મીનીટમાં અબજો ડોલરનો નફો છાપી લીધો હતો, ત્યારે જ ઇન્સાઇડર ટ્રેડીંગનો ભરપુર ઉપયોગ થયાની શંકા દ્રઢ બની ગઈ હતી. ઈરાન યુદ્ધ દરમિયાન નિશ્ચિત પ્રકારની ટેકનીકલ સિક્યોરીટી ભયમાં મુકાવા સંદર્ભની પરંપરાગત, ગંભીર અને વિશ્વસનીય માહિતી, અમેરિકાની ઓવલ (ઈંડા આકારની) ઓફીસમાં ચર્ચાવા લાગી, ત્યારથીજ ઇન્સાઇડર ટ્રેડીંગનાં વેપારીઓ અત્યંત સંવેદનશીલ અને સક્રિય બની, અબજો ડોલરનો નફો તારવવા લાગ્યા હતા. આની નોંધ વ્હાઈટ હાઉસે પણ લીધી હતી. ઈરાનને વાતાઘાટોના ટેબલ પર લાવવા, હોર્મુઝ સામુદ્રધુની પુન: ખોલવાની આખરી તારીખ લંબાવવાનો ટ્રમ્પએ ૨૩ માર્ચે નિર્ણય લીધો, તે અગાઉ પણ ક્રુડ ઓઈલ અને શેરબજારમાં અબજો ડોલરના સોદાના ઇન્સાઇડર ટ્રેડીંગ સટ્ટાકીય હાથબદલા થયા હતા. ત્યારે જ કેટલાંક નિષ્ણાત વેપારીઓએ આવા અસામાન્ય સોદાની તપાસ આદરવા જબ્બર ઊહાપો મચાવ્યો હતો.

૨૩ માર્ચે ક્ષણમાત્રમાં ક્રુડ ઓઇલના ભાવ ૧૪ ટકા વેગથી તૂટ્યા હતા. પરિણામે જેમણે મંદીના સોદા વહેલા છાપી નાખ્યા હતા, તેમના ખીસામાં નફાનો મોટો પ્રવાહ વહી ગયો હતો. ગયા મહીને ૪૦ જેટલા ડેમોક્રેટ (વિરોધપક્ષ) સાંસદોએ ટ્રમ્પ ફાયનાન્સીયલ રેગ્યુલેટર સત્તાવાળાને પત્ર લખીને પૂછ્યું હતું કે ખુબજ સંવેદનશીલ માહિતી લીક થઇ રહી છે અને એ માહિતીને આધારે ભાવમાં મોટાપાયે ઉથલપાથલ થાય છે, તેની સ્પષ્ટતા કરો. ૧૭ એપ્રિલે ઈરાનના વિદેશ પ્રધાને કોમર્સિયલ જહાજો માટે હોર્માઝ સામુદ્રધુની પૂર્ણ રીતે ખોલવાની જાહેરાત કરી, ત્યાર પછી બીજાજ દિવસે ૧૮ એપ્રિલે આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો તે સઘળી માહિતી, બજારમાં વહેલી પહોચી ગઈ હતી. આ અગાઉ સેકન્ડોમાં જ ખુબ સાવધાનીપૂર્વક ૭૬ અબજ ડોલરના ક્રુડ ઓઈલ મંદીના સોદા ગોઠવાઈ ગયા અને ભાવમાં ૧૧ ટકાનું ગાબડું પડ્યું.

(અસ્વીકાર સુચના: commodity DNA અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular