પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-27): Akshardham Temple Attack Series : ક્રાઇમબ્રાંચની તપાસ એક સાથે અનેક મોરચે ચાલી રહી હતી. એમાં ખાસ વાત એ હતી કે, આખો કેસ ગુજરાત એ.ટી.એસ. (Gujarat ATS) પાસે હતો, પણ તપાસ ક્રાઇમબ્રાંચ (Crime Branch) કરી રહી હતી! ક્રાઇમબ્રાંચ મોટો ધડાકો કરશે; તેવી ગુજરાત પોલીસમાં કોઈને શંકા નહોતી. ક્રાઇમબ્રાંચ ખાનગી રીતે આખું ઓપરેશન પાર પાડી રહી હતી. આ ઓપરેશનમાં સામેલ તમામ નાના મોટા અધિકારી અને કોન્સટેબલને સૂચના હતી કે, કોઈને આ બાબતની જાણ થાય એ પરવડે તેમ નથી.
એ.સી.પી. ગિરીશ સિંઘલ (ACP Girish Singhal) એક એક બાબતની જાણકારી રોજેરોજ ડી.સી.પી. ડી. જી. વણઝારા (DCP D G Vanzara) અને જે.સી.પી. પી. પી. પાંડેયને આપી રહ્યા હતા. આદમ તો ક્રાઇમબ્રાંચ પાસે હતો, પણ હવે તેણે મૌલાના અબ્દુલા અને મુફતી કયુમનું નામ આપ્યું હતું. હવે તેમને રાઉન્ડઅપ કરી તેમની પૂછપરછ કરવાની બાકી હતી.
આ દરમિયાન સલીમ શેખની પૂછપરછ કરી રહેલા અધિકારીને એક મહત્ત્વની જાણકારી મળી એટલે એક ટીમ તેને લેવા શાહપુર રવાના થઈ હતી. હમણાં સુધી જે આરોપી ક્રાઇમબ્રાંચ પાસે હતા, એ અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી જ હતા. શાહપુરમાં અનેક વખત કોમી તોફાન થયાં હોવાને કારણે, આ વિસ્તારનો માહોલ આશંકાઓથી ઘેરાયેલો હતો. સલીમ શેખની પૂછપરછમાં ખુલેલું નવું નામ હતું, અલ્તાફ શેખ.
ક્રાઇમબ્રાંચની ટીમ શાહપુર પહોંચી ત્યારે એ પોતાનાં ઘરે જ હતો. તેને અંદાજ નહોતો કે, તેનાં ઘરના દરવાજે પોલીસ આવીને ઊભી રહેશે. અલ્તાફનો પણ પહેલો સવાલ હતો કે, “સાહેબ, મને શું કામ લઈ જાવ છો? તે તો કહો.”
આ વખતે પણ ક્રાઇમબ્રાંચના કોન્સટેબલનો રેકોર્ડ કરેલો જ જવાબ હતો, “સાહેબ બોલાવે છે. કેમ બોલાવે છે? એ અમને ખબર નથી.”
સલીમે કબુલ્યું હતું કે, અલ્તાફ પણ એની સાથે રિયાધમાં જ હતો અને દર શુક્રવારે જે મીટિંગ મળતી, તેમાં પણ અલ્તાફ હાજર રહેતો હતો. રિયાધમાં જે પૈસાપાત્ર મુસ્લિમો રહેતા હતા, તેમની પાસેથી ફાળો એકત્રિત કરી અલ્તાફ અમદાવાદ મોકલતો હતો. છ મહિના પહેલાં જ અલ્તાફ અને સલીમ ભારત પાછા આવ્યા હતા. તેઓ અમદાવાદમાં આવી પોતાના કામધંધે ચઢી ગયા હતા. તેમને જરા પણ ખ્યાલ નહોતો કે, તેમનો ખરાબ સમય શરૂ થઈ રહ્યો છે! જોકે સદ્નસીબે હમણાં સુધી રસીદ અજમેરીનો સારો સમય હતો. કારણ કે, એ હજી રિયાધમાં જ હતો, ભારત આવ્યો જ નહોતો. સલીમ અને રસીદના ભાઈ આદમની એક જ વાત હતી કે, રસીદ રિયાધમાં છે.
અલ્તાફ શેખને ક્રાઇમબ્રાંચમાં લાવી તરત ઉપરના માળે આવેલા ખાસ સેલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં આરોપીઓને ઉપલક રાખવામાં આવતા હતા. તેને પણ આદમની જેમ દિવાલ તરફ મોઢું રખાવી, એક હાથમાં હાથકડી બાંધી, જમીન પર બેસાડી દેવામાં આવ્યો. આદમ અજમેરીએ જે કબુલાત કરી હતી, તે ઘણી ગંભીર હતી. સલીમ શેખની પૂછપરછમાં સ્પષ્ટ થયું હતું કે, આખું પ્લાનિંગ રિયાધમાં થયું હતું, પ્લાનિંગનો માસ્ટર માઇન્ડ હમણા સુધી હૈદરાબાદનો અબુ ઉર્ફે ‘ખાલીદ’ હતો, પણ એ ક્યાં હશે; એ શોધવાનું હતું. કારણ કે, તેને ઘણી બધી ખબર હતી. માત્ર અબુ જ સર્વેસર્વા નહીં હોય, તેની ઉપર પણ તેના આકાઓ હશે. તેની પણ ક્રાઇમબ્રાંચને ખબર હતી, પણ આખા તારને જોડવા માટે એક–એક કડીઓ જોડવી જરૂરી હતી.
સલીમની પૂછપરછમાં આદમનું નામ આવ્યું અને આદમ ક્રાઇમબ્રાંચ પાસે હતો. તે મહત્ત્વનો આરોપી હતો. કારણ, તેણે અક્ષરધામ પર હુમલો (Akshardham Attack) કરનારા આતંકીઓને જોયા હતા. એટલું જ નહીં, તેમને લઈ તે અમદાવાદ અને અક્ષરધામ સુધી ગયો પણ હતો! પરંતુ હવે આદમે જે બે નામ આપ્યા હતા, મૌલાના અબ્દુલા અને મુફતી કયુમ, તે નામ મોટા હોવાની સાથે સાથે મુસ્લિમ સમાજ માટે આદરણીય પણ હતા.
હમણાં સુધી તપાસ બરાબર ચાલી રહી હતી. તેમાં કોઈ ચૂક નહોતી અને હમણાં સુધી જેમને ક્રાઇમબ્રાંચ લાવ્યા, તે બધા જ ઉપલક હોવા છતાં તેનો કોઈ હોબાળો પણ થયો નહોતો. પરંતુ હવે ક્રાઇમબ્રાંચ મુસ્લિમ સમુદાયના ધાર્મિક વડા સુધી જઈ રહી હતી. મામલો ખૂબ નાજુક હતો. ક્રાઇમબ્રાંચ પાસે આદમના સ્ટેટમેન્ટ સિવાય બીજો કોઈ નક્કર પુરાવો નહોતો. હવે મૌલાના અને મુફતી સાથે સોફ્ટલી હેન્ડલિંગ કરવાનું હતું. સામાન્ય સંજોગોમાં આરોપીઓ સાથે પોલીસ જે વ્યવહાર કરે છે, તેવો વ્યવાહર મુફતી અને મૌલાના સાથે થઈ શકે તેમ નહોતો. બીજી તકલીફ એવી પણ હતી કે, મૌલાના અને મુફતી શિક્ષિત હોવાથી તેઓ જલદી કોઈ વાત કબુલશે, તેવા સંજોગો બહુ ઓછા હતા, છતાં વાત કરવી જરૂરી હતી.
એ.સી.પી. ગિરીશ સિંઘલે કાબેલ પોલીસ અધિકારીઓને બોલાવ્યા અને સમજાવ્યું કે, આ કામ કોન્સટેબલ્સનું નથી; આ કામ માટે તમારે પોતે જ જવાનું છે; દરિયાપુર સંવેદનશીલ વિસ્તાર છે; અહીંયાં સ્થાનિક લોકો તરત પોલીસની સામે થઈ જાય છે.
ગુજરાત પોલીસનો મોટો વર્ગ એવો છે કે, તેમની ભરતી 2000ની સાલ પછી થઈ છે; એટલે તેમણે સળગતાં અમદાવાદને જોયું જ નથી. તેમને ખબર નથી કે, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કુખ્યાત લતીફના ઘરે જો પોલીસને જવું હોય, તો એસ.આર.પી.ની એક કંપની બોલાવવી પડે. તે છતાં ગમે ત્યારે પોલીસ પર હુમલો પણ થઈ જાય!
1998માં લતીફના એન્કાઉન્ટર પછી દરિયાપુરની સ્થિતિ બદલાઈ હતી, છતાં માહોલ એટલો સારો નહોતો. જેમ બીજા વિસ્તારમાંથી પોલીસ કોઈને ઉપાડી લાવે; એટલી સહજતાથી દરિયાપુરમાં જઈ કોઈને લઈ આવે! અને એ પણ મૌલવી અને મુફતીને લાવવાના હતા. ક્રાઇમબ્રાંચના અધિકારીઓ દરિયાપુરમાં ગયા અને તેમણે મૌલાના અબ્દુલા અને મુફતી કયુમને કહ્યું, “તમારે ક્રાઇમબ્રાંચ આવવું પડશે.”
મૌલાના અને મુફતી ધાર્મિક નેતા હોવાની સાથે સામાજિક આગેવાન પણ હતા. તેઓ સામાજિક કાર્યમાં સક્રિય પણ હતા. તેમણે તરત કહ્યું, “બોલોને, અમારી શું જરૂર પડી?”
અધિકારીઓએ કહ્યું, “કામની તો ખબર નથી. બસ, સાહેબ મળવા માગે છે.”
અધિકારીઓના આશ્ચર્ય વચ્ચે મૌલાના અને મુફતી તરત તૈયાર થઈ ગયા. હવે તેઓ ક્રાઇમબ્રાંચમાં હતા.
(ક્રમશ:)
Part 26 : આદમે કહ્યું, “હું તેમને લેવા રેલવેસ્ટેશન ગયો હતો અને અક્ષરધામ બતાવવા પણ લઈ ગયો હતો.”
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796