નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi)ના વરદ હસ્તે લીલી ઝંડી આપી પાંચ ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ રાજકોટ બસ પોર્ટ (Rajkot Busport)ખાતે કરવામાં આવ્યું હતું. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)દ્વારા આ પાંચ ઇલેક્ટ્રિક બસ (Electric Bus)ના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બસ પોર્ટમાં આવેલા ખાણીપીણીના સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમજ સુશોભિત કરાયેલ બસમાં પેસેન્જર્સ સાથે વાતચીત કરી હતી.
ઈલેક્ટ્રિક બસનું કેટલું રહેશે ભાડું ?

રાજકોટ વિભાગીય નિયામક જે. બી. કલોત્રાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના હેતુસર પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે ઇલેક્ટ્રિક બસો કાર્યરત કરવામાં આવે છે. આ પહેલના ભાગરૂપે રાજકોટથી જૂનાગઢ રૂટમાં પ્રથમ વાર પ્રદૂષણમુક્ત પાંચ ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરાયું છે. જેનું ભાડું ૧૫૦ રૂપિયા નિયત થયું છે.
કેવી સુવિધા મળશે ઈલેક્ટ્રિક બસમાં ?

આ તમામ ઇલેક્ટ્રિક બસોમાં ૩૩ મુસાફર સીટો ઉપલબ્ધ છે અને એર કંડીશનરથી સજ્જ છે. દરેક પેસેન્જર સીટની બાજુમાં ચાર્જિંગ પોઈન્ટ અને દરેક સીટની વિન્ડોના પીલર પર ઇમરજન્સી સ્વીચ આપેલ છે.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ અને ડૉ. દર્શીતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિતભાઈ અરોરા ઉપસ્થિત રહ્યા હતા.








