નવજીવન રાજકોટઃ ગુજરાતમાં મહામારીના કારણે શાળા કોલેજો બંધ રહેતા મોટા ભાગના બાળકો ઘરમાં જ સમય પસાર કરતાં હતા અને મનોરંજન માટે ટીવી અને મોબાઈલનો ઉપયોગ કરતા હતા પરંતુ ટીવી પર આવતા કાર્યક્રમ બાળકોના માનસિકતા પર કેટલો સારો કે ખરાબ પ્રભાવ પાડી શકે તે પણ જોવું રહ્યું. રાજકોટમાં 5માં ધોરણમાં અભ્યાસ કરતી બાળકી જેને હજી દુનિયાને ઓળખી પણ ન હતી તેણે આપઘાત કરીને દુનિયા છોડી દીધી છે. તેણે આત્મહત્યા કરી લેતા પરિવાર માટે દુઃખદ સમય આવ્યો છે. આ દરમિયાન તેની બહેને કહ્યું કે તેણી ટીવી પર આવતી ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા જોતી હતી અને તેમાંથી શીખી હશે. ઉલ્લેખનીય છે કે આવા ઘણા કિસ્સા છે જેમાં આ પ્રકારના ટીવી પર શૉ જોયા પછી ક્રાઈમ કરવા કે કોઈ અયોગ્ય પગલું ભરવા કોઈ પ્રેરાયું હોય.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેરના રામનાથપરા નજીક રહેતા પરિવારના સભ્યો નાનામવા ચોકડી પાસે સંબંધીને ત્યાં પ્રસંગમાં જમવા ગયા હતા. જેથી બંને પિતરાઇ બહેનો ઘરે એકલી હતી. મોટી બહેન નીચેના માળે હતી અને નાની બહેન ઉપરના માળે એકલી હતી. તે દરમિયાન નાની બહેને હુકમાં દુપટ્ટો ભરાવીને આત્મહત્યા કરી લીધી હતી. બાળકીએ પહેલા સોફા પર ઊભા રહીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ ન ફાવતા પલંગ ઉપર ખુરશી મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. આ બાળકી બે બહેનો અને એક ભાઈમાં સૌથી મોટી હતી.
બાળકીના પિતા કડિયાકામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે પરિવારના સભ્ય પ્રસંગમાંથી પાછા આવ્યા ત્યારે અનેક વખત દરવાજો ખખડાવ્યો હતો પરંતુ બાળકી દરવાજો ખોલી રહી ન હતી. જેથી બારીમાંથી જોતાં બાળકી દુપટ્ટા સાથે લટકેલી હાલતમાં જોવા મળી હતી. પરિવારે દરવાજો તોડીને બાળકીને ઉતારી હતી અને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી.
અગમ્ય કારણોસર બાળકી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. જો કે આ બાબતે પિતરાઇ બહેનનું કહેવું છે કે બહેન ટીવી પર ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા નામની સિરિયલ જોતી હતી, આથી એમાંથી આપઘાત કરવાનું શીખી હશે.








