Saturday, September 26, 2026
HomeGujarat'તેરા ભી એન્કાઉન્ટર કરના થા, વો તો જાડેજા સરને મના કીયા' ગુજરાત...

‘તેરા ભી એન્કાઉન્ટર કરના થા, વો તો જાડેજા સરને મના કીયા’ ગુજરાત ATSમાં ખુરશીઓ હલવા લાગી | શતરંજ-40

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-40, નવજીવન ન્યૂઝ): જેને સજા ના થઈ હોય તેને કોર્ટ અને જેલની ભાષામાં ‘કાચા કામનો કેદી’ કહેવાય. દેશની તમામ જેલો કોર્ટની હકૂમત હેઠળ આવતી હોય છે. જ્યાં સુધી કેસ ચાલે નહીં અને કોર્ટ કસૂરવાર ઠેરવી સજા ના કરે ત્યાં સુધી જેલમાં રહેલા કેદીને દર ૧૪ દિવસે કોર્ટ સમક્ષ હાજર કરવો જરૂરી હોય છે. રામ રાજસ્થાનની જેલમાં હતો, તે દિવસે બીજા કેદીઓની સાથે તેને પણ કોર્ટના નિયમ પ્રમાણે જેલમાંથી બહાર લાવી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. નિઝામના મૃત્યુને પાંચ મહિના થઈ ગયા હતા. તેને ખબર પડતી નહોતી, કે શું કરવું જોઈએ. એક તબક્કે તો તેણે નિઝામ ઉપર ગોળી ચલાવનાર પોલીસ-અધિકારીઓની હત્યા કરવાનો મનસૂબો બનાવી લીધો હતો, પણ તેણે ગુસ્સામાં કરેલી વાત રાજસ્થાન પોલીસ સુધી પહોંચી જતાં, રામને ધમકી આપવા માટે રાજસ્થાન ટાસ્ક ફૉર્સના ઇન્સ્પેક્ટર કિરણ રાજપૂત જેલમાં આવી ગયા હતા. ત્યાર બાદ રામને લાગતું હતું કે જેલમાં રહી તેમની હત્યા કરે અથવા કરાવી શકે તે કામ મુશ્કેલ છે. એક તરફ તેણે નિઝામ સાથે કરેલી દગાખોરીનું ભારોભાર દુ:ખ હતું અને તેથી જ તે નિઝામની હત્યા માટે પોતાને જવાબદાર માની રહ્યો હતો.

તે નિઝામ સાથે શું બન્યું? કેવી રીતે બન્યું? તેમાં કોણ કોણ સંડોવાયેલા છે? તેનો ભાંડો ફોડી નાખવા માગતો હતો. તે કોર્ટમાં જવા માટે પોલીસવાનમાં બેઠો ત્યારે તેનું મન તે જ વિચારોમાં હતું. કોર્ટમાં જ્યારે તેમને રજૂ કરવામાં આવે ત્યારે કોર્ટ પણ બધા જ કેદીને પૂછતી હોય, તેમ એક ફૉર્માલિટી કરવા માટે જેલમાં કોઈ તકલીફ તો નથી ને? તેવો પ્રશ્ન પૂછતી હોય છે અને કેદીઓ પણ ના જ પાડતા હોવાને કારણે કોર્ટ તે મામલે ગંભીર હોતી નથી. રામ અને તેની સાથેના કેદીઓને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટે પૂછેલા સવાલનો બધા કેદીઓએ નકારમાં જ જવાબ આપ્યો હતો. રામ કંઈક બોલવા જતો હતો, પણ ત્યાં તેની પાછળ ઊભા રહેલા પોલીસ-કર્મચારીઓ તરફ નજર ગઈ અને તે કંઈ બોલ્યો નહીં.

- Advertisement -

જ્યારે કેદીઓનાં નામ નોંધી રહેલા કોર્ટ-ક્લાર્ક પાસે રામનો નંબર આવ્યો, ત્યારે તેણે કંઈક કહ્યું, ત્યારે જ એક પોલીસ-કર્મચારીનું ધ્યાન તેની તરફ જતાં, તે આગળ આવ્યો અને તેણે રામને હડસેલો મારી આગળ કરતાં કહ્યું, “ચલ જલદી. ટાઇમ ખરાબ કરતા હૈ.” પોલીસવાળાને ગંભીરતા સમજાઈ ન હતી, પણ ક્લાર્ક હોશિયાર હતો. તેણે પોલીસવાળાને પાછો બોલાવી તેનું ધ્યાન દોરતા કહ્યું, “વો મુઝે મૅજિસ્ટ્રેટ કો અકેલે મેં મિલવા દેને કી ગુજારિશ કરતા થા.” હવે પોલીસને કંઈક ગરબડ હોવાની શંકા ગઈ. તે તરત કોર્ટરૂમની બહાર આવ્યો. હજી કેદીઓ કોર્ટની બહાર પોલીસવાનમાં બેસવાની તૈયારી કરતા હતા. તે પોલીસવાળો રામ પાસે આવ્યો. તેને હાથ પકડી થોડો દૂર લઈ ગયો અને મોટી આંખો કાઢી ધમકાવવાના સૂરમાં પૂછ્યું, “ક્યા કહેના હૈ કોર્ટ કો? પોલીસ કી કમ્પ્લેન્ટ કરના ચાહતા હૈ?” હજી પોલીસવાળો મૂળ મુદ્દાથી અજાણ જ હતો, રામ પાસે કયો મુદ્દો છે તેની તેને ખબર જ ન હતી. રામ માફી માગતો હોય તે રીતે કહ્યું : “નહીં સા’બ, કોઈ કમ્પ્લેન્ટ નહીં કરની. અપની મા સે મિલના ચાહતા હૂં.” જવાબ સાંભળી પોલીસવાળો વીફર્યો. તેણે ગાળ ભાંડતાં કહ્યું, “મા કો મિલના હે તો જેલ સૂબેદાર કો બોલના. કોર્ટ ક્યા કર લેગી, તેરે જૈસે કોર્ટ મે રોજ હજારો આતે, કોર્ટ ક્યા સબ કી સુનવાઈ કરેંગી?” રામ કંઈ બોલ્યો નહીં, તેને લાગ્યું કે હમણાં તેનું જુઠ્ઠાણું ચાલી ગયું છે. પોલીસવાન આવી જતાં, તેને વાનમાં બેસાડી પાછો જેલમાં લઈ જવામાં આવ્યો હતો. રામને ડરવાનું બીજું કારણ પણ હતું : નિઝામની હત્યા થઈ તે વાત તેને અને રૂપા સિવાય કોઈને ખબર નહોતી. રૂપા ક્યાં છે તેની રામને પણ ખબર નહોતી. આ સંજોગોમાં રામની સાથે પણ કંઈ થઈ શકે તેમ હતું. ઇન્સ્પેક્ટર કિરણ રાજપૂત જે રીતે ધમકી આપી ગયો હતો, તેને સરળતાથી લઈ શકાય તેમ ન હતી. એટલે જ રામ જેલમાં પણ એકલો રહેવાનું પસંદ કરતો ન હતો, તે પોતાના સાથી કેદીઓ વચ્ચે જ રહેતો હતો. જેલની બહાર પણ તે નીકળે ત્યારે કેદીઓ સાથે કોર્ટમાં જતો હતો. ક્યાંક તેને મનમાં હતું કે તેનું પણ ઍન્કાઉન્ટર થઈ જશે, વર્ષોથી પોલીસ સાથે સાતતાળી રમનાર રામને પોલીસની કાર્ય પદ્ધતિઓની ખબર હતી.

કોર્ટમાંથી જેલમાં આવ્યા બાદ તેને જેલ સુધી મૂકવા આવેલી પોલીસે જેલ- સૂબેદારનું ધ્યાન દોર્યું હતું કે રામ કોર્ટને રૂબરૂમાં મળવા માગે છે. સૂબેદાર પણ તેવું જ માનવા લાગ્યો હતો કે, જેલ સત્તાવાળા સામેની કોઈ ફરિયાદ કરવી હશે. પણ જ્યારે આ વાત જેલ-સુપરિન્ટેન્ડેન્ટ સુધી પહોંચી ત્યારે તેને રામની હરકતની ગંભીરતા સમજાઈ હતી. બીજા પોલીસ-કર્મચારીઓ માટે રામ સામાન્ય કેદી હતો, પણ ઉચ્ચ અધિકારીઓ તેની પાછળનાં રહસ્યો જાણતા હતા. રાજસ્થાન પોલીસના એસપી રાયસિંગ રાઠોરને જ્યારે રામની કોર્ટમાં થયેલી ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે તરત ગુજરાત એટીએસના ઇન્દ્રસિંહ જાડેજાને ફોન કરી જાણ કરી હતી, ત્યારે તેમણે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું, “જાડેજા સા’બ, હમ તો તભી આપકો બોલ રહે થે. સાલે કો નિઝામ કે સાથ ટપકા દો. આપ નહીં માને. અબ દેખો યે સાંપ હમેં ડસને કી તૈયારી કર રહા હૈ.” જાડેજાએ ઠંડા કલેજે જવાબ આપ્યો : “રાઠોરજી, ચિંતા મત કરો. ઉસકી ઔકાત મૈં જાનતા હૂં, ભોંકને વાલે કુત્તે કાટતે નહીં, ઔર કાટને આયેગા તો મારા જાયેગા. ઉસકી ચિંતા મેરે પે છોડીયે. હમ સમજા દેંગે ઉસકો.” ઇન્દ્રસિંહ ભલે રાઠોરને આશ્વાસન આપતા હોય પણ તેમને અંદાજ આવી ગયો હતો કે મુશ્કેલી થઈ શકે તેમ છે. તેથી જ તેમણે બીજા દિવસે ઇન્સ્પેક્ટર કેતન રાજપૂતને રાજસ્થાન મોકલી રામને સમજાવવા કહ્યું હતું.

કેતન જેલ ઉપર રામને મળવા ગયો ત્યારે પહેલાં તો રામ શાંત હતો, પણ જ્યારે કેતને તેને જાડેજા સાહેબનો સંદેશો કહ્યો ત્યારે તેણે આજુબાજુ કોઈ સાંભળે નહીં તે રીતે ગુસ્સો કરતાં કહ્યું, “સા’બકો બોલના બહુત ગલત કિયા ઉન્હોંને નિઝામ કે સાથે મુઝે અંધેરે મેં રખકર, મેરા ગલત ઇસ્તેમાલ કિયા.” તેની આંખોમાંથી નિઝામને યાદ કરતાં દડદડ આંસુ પડવા લાગ્યાં. કેતને તેને શાંત કરતાં કહ્યું, “દેખ, સા’બને તેરે કો ક્યા બોલા થા વહ મુઝે માલૂમ નહીં. સા’બ ને બતાયા હૈ કિ વો અબ તેરા ખ્યાલ કરેંગે. જો હુઆ તૂ ઉસે ભૂલ જા. ઉસ મેં હી તેરી ઔર હમારી ભલાઈ હે.” પછી ધીરેથી રામના કાન પાસે પોતાનું મોઢું લાવતાં કહ્યું. “એક બાત બતા દૂં, કહીં બોલના મત, ઔર મેરા નામ તો દેના હી નહીં. રાજસ્થાનવાલે તો તેરા એકાઉન્ટર કરને કા બોલતે થે. જાડેજા સરને મના કિયા. અબ તૂ કોઈ ગરબડ કરેગા તો સા’બ ભી કુછ નહીં કર સકતે.” આ એક પ્રકારની ધમકી પણ હતી. અગાઉ આ જ વાત કિરણ રાજપૂત પણ કહી ગયો હતો. રામ કંઈ બોલ્યો નહીં. કેતને જતાં કહ્યું. “ચલતા હૂં, કોઈ કામ હો તો સીધા સા’બ કો હી ફોન લગાના. તેરે પાસ નંબર તો હૈ, સા’બ તો તેરી જમાનત કી ભી બાત કરતે થે.” જતાં કેતને તેના હાથમાં દસ હજાર રૂપિયા મૂકતાં કહ્યું, “ઔર જરૂર હો તો બોલ દેના.” કેતન રાજપૂત ત્યાંથી નીકળ્યો. રામને સમજાયું કે વાત કઈ દિશામાં જઈ રહી છે. કેતને જતી વખતે તેને જામીન કરાવી આપવાની વાત કરી હતી. કદાચ હવે તેને માટે જેલ જ સલામત હતી. જોકે છૂટ્યા પછી તેની ઉપર ક્યારેય પણ હુમલો થઈ શકે તેમ હતો. તે રાતે તે બૅરેકમાં પત્ર લખવા બેઠો. તેણે પત્ર કોર્ટને ઉદ્દેશી લખ્યો હતો, જેમાં કોઈના પણ નામના ઉલ્લેખ વગર તેણે શંકા વ્યક્ત કરી હતી કે, ગુજરાત અને રાજસ્થાન પોલીસ દ્વારા તેનું ઍન્કાઉન્ટર કરવામાં આવશે. બીજા દિવસે તેની ઉપર જેલ-સત્તાવાળાઓનો સિક્કો વાગી પત્ર કોર્ટ તરફ રવાના થઈ ગયો હતો.

- Advertisement -

આ તરફ કમરૂદ્દીનના સાત દિવસના પોલીસ-રિમાન્ડ પૂરા થતાં ક્રાઇમ-બ્રાન્ચ દ્વારા તેને ફરી કોર્ટમાં રજૂ કરી બીજા સાત દિવસના પોલીસ-રિમાન્ડની માગણી કરી હતી. જેના સમર્થનમાં સરકારી વકીલ મૂકેશ ગોડસેની દલીલ હતી કે, હજી ક્રાઇમ-બ્રાન્ચને કિરણ ત્રિવેદીની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું હથિયાર શોધવાનું બાકી છે. પોલીસ હજી સુધી જલાલ અને ઉસ્માનને શોધી રહી છે. આ સંજોગોમાં કમરૂદ્દીન પોલીસ-રિમાન્ડ ઉપર હોય તે જરૂરી છે. પોલીસ-રિમાન્ડનો વિરોધ કરતા કમરૂદ્દીનના વકીલ અબ્દુલ કુરેશીએ પોલીસ તપાસમાં રહેલી ખામીઓ બતાવી કોર્ટનું ધ્યાન દોર્યું હતું : “સાત દિવસ પહેલાં જ્યારે પોલીસે રિમાન્ડની માગણી કરતાં જે કારણો આપ્યાં હતાં તે જ કારણો પોલીસ બીજી વખત આપી રહી છે. સાત સાત દિવસ સુધી ક્રાઇમ-બ્રાન્ચ કોઈ જ તપાસ કરી શકી નથી. પોલીસ પણ જાણે છે કે ગુનામાં વપરાયેલું હથિયાર ઉસ્માન પાસે છે. ઉસ્માન કોણ છે, ક્યાં રહે છે, તે અંગે મારો અસીલ કંઈ જાણતો નથી, જ્યારે જલાલ ભાગી ગયો છે.

“પોલીસ ઉસ્માન અને જલાલને શોધી રહી છે. તેમાં મારા અસીલની પોલીસ- કસ્ટડીમાં હાજરી હોવાની કોઈ જરૂરિયાત નથી. આ સંજોગોમાં પોલીસ-રિમાન્ડની કોઈ જરૂર નથી. “કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ પોલીસ-રિમાન્ડની અરજી ફગાવી દઈ, કમરૂદ્દીનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ તરત પોલીસ કમરૂદ્દીનને લઈને પૂરતા પોલીસ જાપ્તા સાથે સાબરમતી જેલ જવા રવાના થઈ. કિરણની પત્ની કેતકી પોતાના ઘરે ટીવી ઉપર કમરૂદ્દીનને જેલમાં મોકલી આપ્યો તે સમાચારો જોઈ રહી હતી. અચાનક તેના મનમાં ઝબકારો થયો અને તેણે જેલમાં જઈ કમરૂદ્દીનને મળવાનો નિર્ણય કર્યો હતો. બસ તે યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી. તેને લાગતું હતું કે કમરૂદ્દીને તેના પતિ કિરણની હત્યા કરી નથી.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular