Shooter from gangster Goldy Brar gang nabbed in Ahmedabad : અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને અમદાવાદ ગ્રામ્ય SOG ટીમની મદદથી દિલ્હી પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર કમ આતંકવાદી ગોલ્ડી બ્રારના એક સાગરિતને અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસને હાથ લાગેલો આરિફ ઉર્ફે પિસ્તોલ હત્યાના પ્રયાસ, ફાયરિંગ, ખંડણી સહિતના 11 જેટલાં ગુનામાં વોન્ટેડ હતો. આરિફ અને તેના કેટલાંક સાથીઓએ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં આશરો લીધો હોવાની માહિતીના આધારે ગુજરાત પોલીસ (Gujarat Police) ની મદદથી દિલ્હી પોલીસે (Delhi Police) આ ઓપરેશન શરૂ કર્યું છે. સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર (Satinderjeet Singh alias Goldy Brar) ની ગેંગના ચારેક સાગરિતને શોધવા પોલીસ ટીમ હજુ પણ પ્રયત્નશીલ છે.
કોણ છે આતંકી ગોલ્ડી બ્રાર ?
ગોલ્ડી બ્રાર પંજાબના ફરીદકોટ જિલ્લાનો વતની છે. તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી છે. જેની ગેંગે વર્ષ 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા અને વર્ષ 2024માં કોંગ્રેસના મોટા ગજાના નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી હતી. બિશ્નોઈ અને બ્રાર મૂળ ખંડણી રેકેટ ચલાવે છે. ભારતીય કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા ગોલ્ડી બ્રાર પરના ફોજદારી ડોઝિયરમાં તે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (Babbar Khalsa International) સાથે સંકળાયેલો હોવાનું જણાવાયું છે અને તેને આતંકવાદી (Terrorist Goldy Brar) પણ જાહેર કરાયો છે. ભારત, અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં ધનવાન લોકોને નિશાન બનાવી ખંડણી ઉઘરાવવાનું કામ આ ગેંગ ચલાવી રહી છે. ગોલ્ડી બ્રાર સામે દેશ-વિદેશમાં સંખ્યાબંધ હત્યા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગત જુલાઈ મહિનામાં એફબીઆઈએ સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને વોન્ટેડ (FBI Wanted) જાહેર કરી 50 હજાર ડોલરનું ઈનામ જાહેર કર્યું છે.
ગોલ્ડી ગેંગનો શાર્પશૂટર અમદાવાદમાંથી ઝડપાયો
ગોલ્ડી બ્રાર ગેંગનો શૂટર આરિફ ઉર્ફે પિસ્તોલને ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસના એક સયુંક્ત ઓપરેશનમાં ઝડપી લેવાયો છે. આરિફ ઉર્ફે પિસ્તોલ સામે હત્યાનો પ્રયાસ, ફાયરિંગ, ખંડણી સહિતના 11થી વધુ ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. આરિફ આ તમામ ગુનાઓમાં વોન્ટેડ હતો. દેશભરની પોલીસને થાપ આપવામાં સફળ રહેતા આરિફ ઉર્ફે પિસ્તોલને અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી ઝડપી લેવાયો છે. આરિફ પાસેથી મુદ્દામાલમાં શું કબજે લેવાયું છે ? તેની હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર આરિફ ઉર્ફે પિસ્તોલ (Arif alias Pistol) ગોલ્ડી બ્રાર ગેંગ દ્વારા ચલાવાતા ખંડણી નેટવર્કમાં મહત્વની ભૂમિકા ધરાવે છે. આરિફ ઉપરાંતના અન્ય ચાર ગુનેગારોને શોધવા ગુજરાત પોલીસની એજન્સીઓ હાલ દિલ્હી પોલીસની સાથે મથામણ કરી રહી છે.








