Many dead in Nagaland illicit liquor tragedy : નાગાલેન્ડમાં ઝેરી દારૂ પીવાથી છેલ્લાં બે દિવસમાં 19 લોકોના મોત થયા છે. મોકોકચુંગમાં 8 અને તુએસાંગમાં 11 લોકોના મોતથી શોક વ્યાપી ગયો છે. રાજ્યમાં 1990થી દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂની તપાસ માટે SIT રચાઈ છે. પોલીસે 19 આરોપીઓની ધરપકડ કરી 3 હજાર બોટલો જપ્ત કરી છે. બીજી તરફ મૃત્યુઆંક વધતો અટકાવવા માટે દારૂ પીધો હોય તેમને હોસ્પિટલમાં દાખલ થવા તંત્રએ અપીલ કરી છે.
ગુજરાત (Gujarat) ની જેમ દેશના અન્ય રાજ્યો પૈકી બિહાર (Bihar) અને નાગાલેન્ડમાં દારૂબંધી છે. નાગાલેન્ડમાં વર્ષ 1990થી દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં દારૂની ઘૂસણખોરી થતી આવી છે. શંકાસ્પદ દારૂના સેવનથી 19 પ્યાસીઓ મોતને ભેટી ચૂક્યા છે. આ ઘટના સામે આવતાની સાથે સ્થાનિક પોલીસે દારૂ સપ્લાયર અને તેની સાથે સંકળાયેલા શખસોની શોધખોળ આરંભી દઈ અનેક આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ગેરકાયદેસર દારૂ ક્યાંથી આવ્યો અને તેની સપ્લાય ચેઈન કઈ છે તેની તપાસ કરવા માટે પોલીસે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે.
વરિષ્ઠ પોલીસ અધિક્ષક વેસુપ્રા કેઝોએ જણાવ્યું હતું કે, SIT ની ટીમ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે દારૂના સેમ્પલ ગુવાહાટી ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે. અત્યાર સુધીમાં 19 લોકોની ધરપકડ કરી લઈ અંદાજે 3 હજાર જેટલી દારૂની બોટલો જપ્ત કરાઈ છે. પ્રશાસન દ્વારા લોકોને અજાણ્યા, વગર લેબલવાળા અથવા શંકાસ્પદ ગેરકાયદેસર દારૂનું સેવન ન કરવાની કડક સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ દારૂ પીધા બાદ ચક્કર આવવા, આંખે અંધારા આવવા, શ્વાસ લેવામાં તકલીફ કે બેભાન થવા જેવા લક્ષણો અનુભવે, તો તાત્કાલિક ધોરણે તબીબી સહાય લેવા અપીલ કરવામાં આવી છે.








