નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં બે દિવસ પહેલા જ નકલી નોટ (Rajkot Fake Note Scam) ઘુસાડવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું હતું. આ મામલે એક્સિસ બેંકના (Axis Bank) અધિકારીની ફરિયાદના આધારે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Rajkot Police) ગુનો નોંધી ક્રાઈમ બ્રાન્ચની મદદથી 5 આરોપી ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે ગતરોજ શનીવારે એ ડિવિઝન પોલીસે મહારાષ્ટ્રના પુનાથી વધુ એક આરોપીની ધરપકડ કરી હોવાના અહેવાલ છે.
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સ્થિત એક્સિસ બેંકમાં નકલી નોટો ધાબડવા આવેલા શખ્સની પોલ ખુલી જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારે પોલીસના ધ્યાને આવ્યું હતું કે અગાઉ પણ આ રીતે રાજકોટના આંગડિયામાં કોઈ શખ્સ નકલી નોટો ધાબડી ગયાની માહિતી મળી હતી. બાદમાં એ ડિવિઝન પોલીસ અને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ હાથ ધરતા નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં કુલ 5 આરોપીઓની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. પોલીસ સમક્ષ આરોપીઓની કબૂલાત બાદ આ કૌભાંડના તાર મહારાષ્ટ્રના પુના સુધી પહોંચતા પોલીસે પુનાના શખ્સ કમલેશ ઉર્ફે કનૈયાલાલ શીવનદાસ જેઠવાણીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં નકલી નોટના કૌભાંડમાં 5ની ધરપકડ, આંતરરાજ્ય કારસ્તાન ખુલે તેવી સંભાવના
પુનાના શખ્સને તાત્કાલીક ઝડપી પાડવા એ ડિવિઝનની ટીમ મહારાષ્ટ્ર જવા રવાના થઈ હતી. જે ટીમે મહારાષ્ટ્રના પુનાના પિંપરી ખાતેથી આરોપી કમલેશ ઉર્ફે કનૈયાલાલ શીવનદાસ જેઠવાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસને કમલેશ પાસેથી રૂપિયા 12 લાખ કરતા વધારેની 2415 નકલી ચલણી નોટ મળી આવી હતી. પોલીસે આરોપી કમલેશના કબ્જામાં રહેલી નકલી નોટ કબ્જે કરી ધરપકડ કરી હતી.
રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરીચા, તેજસ ઉર્ફે ગોપાલ રાજુભઈ જસાણી, વિમલ બીપીનભાઈ થડેશ્વર, ગુરપ્રિતસિંગ ઘનશ્યામદાસ કારવાણી અને મયુર બીપીનભાઈ થડેશ્વરની ધરપકડ કરી હતી. ત્યારે હવે મહારાષ્ટ્રના કમલેશ ઉર્ફે કનૈયાલાલ શીવનદાસ જેઠવાણીની પણ ઘરપકડ કરવામાં આવતા હાલ સુધી કુલ 6 આરોપીઓ આ ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. પોલીસ હાલ નકલ નોટના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે જેથી આરોપીની સંખ્યામાં વધારો થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








