નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો ચુકાદો આપ્યો છે. આ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોની અકાળે મુક્તિની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તમામને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યપાલે કોઈ પગલાં નહીં લેતા અમે પગલા લઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે દોષિત પેરારીવલનની મુક્તિનો આદેશ બાકીના દોષિતોને પણ લાગુ પડશે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય દોષિત નલિની અને આરપી રવિચંદ્રનની સમય પહેલા મુક્તિની માંગ પર આપ્યો છે.
સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને રાજીવ ગાંધીની હત્યાના દોષિતોની સમય પહેલા મુક્તિનું સમર્થન કર્યું હતું. નલિની શ્રીહર અને આરપી રવિચંદ્રને મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે 17 જૂને દોષિતોની અરજીઓ ફગાવી દીધી હતી. બંને દોષિતોએ તેમની અરજીમાં એજી પેરારીવલનની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને તેમની મુક્તિની માંગ કરી હતી.
જેમની મુક્તિનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં નલિની, રવિચંદ્રન, મુરુગન, સંથન, જયકુમાર અને રોબર્ટ પોયસનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિર્ણયમાં જેલની આચરણને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. હકીકત એ છે કે તેઓએ જેલમાં 30 વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. રાજ્ય કેબિનેટનો નિર્ણય રાજ્યપાલને બંધનકર્તા છે, પરંતુ રાજ્યપાલે ચાર વર્ષ સુધી પગલાં લીધાં નથી. જેથી સુપ્રીમ કોર્ટે તમામને મુક્ત કર્યા હતા.








