Rahul Gandhi criminal defamation case: કોંગ્રેસ (Congress)ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે ચાલી રહેલા ફોજદારી માનહાનિ (Criminal Defamation) કેસની સુનાવણી દરમિયાન પુણે (Pune)ની વિશેષ અદાલતમાં ગુરુવારે સાવરકરના પૌત્ર સત્યકી સાવરકર (Satyaki Savarkar)એ સ્વીકાર્યું કે તેમના દાદા અને હિન્દુત્વ વિચારક વિનાયક દામોદર સાવરકર (Vinayak Damodar Savarkar)એ ‘સાવરકરાંચે વિજ્ઞાનનિષ્ઠ નિબંધ’ (Savarkaranche Vidnyannishtha Nibandh) નામનું પુસ્તક લખ્યું હતું.
આ કેસ રાહુલ ગાંધીના લંડનમાં કરાયેલા એક ભાષણ બાદ દાખલ કરવામાં આવ્યો હતો. સત્યકી સાવરકરે આરોપ લગાવ્યો છે કે તે ભાષણમાં સાવરકરની બદનામી કરવામાં આવી હતી.
વિશેષ ન્યાયાધીશ અમોલ શિંદે (Amol Shinde) સમક્ષ સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલ મિલિંદ પવાર (Milind Pawar)એ કોર્ટમાં પુસ્તકની એક નકલ રજૂ કરી હતી. તેમણે સત્યકી સાવરકરને પૂછ્યું કે શું તેઓ આ પુસ્તકથી પરિચિત છે. ત્યારબાદ વકીલે પુસ્તકના કેટલાક અંશો વાંચી સંભળાવ્યા, જેમાં ભગવાનના અસ્તિત્વ, ધાર્મિક માન્યતાઓ અને વિવિધ ધાર્મિક પ્રથાઓ અંગે સાવરકરે વ્યક્ત કરેલા વિચારોનો ઉલ્લેખ હતો.
સુનાવણી દરમિયાન વકીલે પુસ્તકના એવા અંશોનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં હિંદુ દેવી-દેવતાઓના અસ્તિત્વ, ઐતિહાસિક ઘટનાઓના સંદર્ભમાં ધાર્મિક માન્યતાઓ, મનુસ્મૃતિ (Manusmriti)ના કેટલાક ઉલ્લેખો તેમજ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવાની જરૂરિયાત અંગે સાવરકરના લખાણનો સમાવેશ થતો હોવાનું રજૂ કરવામાં આવ્યું.
રાહુલ ગાંધીના વકીલ દ્વારા પુસ્તકનો ઉલ્લેખ કરવામાં આવતા સત્યકી સાવરકરના વકીલે વાંધો ઉઠાવ્યો હતો. જોકે અદાલતે નોંધ્યું કે મુખ્ય જુબાની દરમિયાન સત્યકી સાવરકરે પોતે જ આ પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો, તેથી બચાવ પક્ષને તે અંગે જિરહ (Cross-examination) કરવાનો અધિકાર છે.
જિરહ દરમિયાન સત્યકી સાવરકરે કોર્ટને જણાવ્યું કે વકીલ દ્વારા વાંચવામાં આવેલા મુદ્દાઓ ‘સાવરકરાંચે વિજ્ઞાનનિષ્ઠ નિબંધ’ પુસ્તકમાં વિનાયક દામોદર સાવરકરે જ લખ્યા છે.
આ કેસમાં સત્યકી સાવરકરની જિરહ હવે 4 ઓગસ્ટે આગળ વધશે.








