Surendra Nagar Tarnetar Ladu Race competition: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી અનોખી ‘લાડુ સ્પર્ધા’ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી આ સ્પર્ધા જોવા માટે મેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 25થી 75 વર્ષની વયજૂથના કુલ 28 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્પર્ધાના નિયમ મુજબ સ્પર્ધકોએ 30 મિનિટના નિર્ધારિત સમયમાં દાળ સાથે બેસનના ખાંડવાળા લાડુ ખાવાના હતા. સ્પર્ધા શરૂ થતાં જ સ્પર્ધકોએ ઝડપથી લાડુ ખાવાનું શરૂ કર્યું હતું. શરૂઆતની 15 મિનિટમાં જ મોટાભાગના સ્પર્ધકો સરેરાશ 15 જેટલા લાડુ ખાઈ ચૂક્યા હતા અને ત્યારબાદ તેઓ વારાફરતી સ્પર્ધામાંથી બહાર થવા લાગ્યા હતા.
જોકે, અંતિમ તબક્કામાં પ્રથમ સ્થાન મેળવવા માટે પાંચ સ્પર્ધકો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. સ્પર્ધકો 22, 24 અને 26 લાડુના આંકડા સુધી પહોંચતા જ ઉપસ્થિત દર્શકોએ તાળીઓ અને ચિચિયારીઓ સાથે તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

સ્પર્ધાની છેલ્લી મિનિટોમાં વાતાવરણ વધુ રોમાંચક બની ગયું હતું. આખરે વિંછીયા તાલુકાના ઓરી ગામના વતની બળવંતભાઈ રાઘવાણીએ નિર્ધારિત 30 મિનિટ પૂરી થતાં સુધીમાં 28 લાડુ ખાઈને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નોંધનીય છે કે ગત વર્ષે પણ બળવંતભાઈ આ સ્પર્ધાના વિજેતા બન્યા હતા.
સ્પર્ધાના નિયમ મુજબ માત્ર એક જ વિજેતા પસંદ કરવાનો હોવાથી બળવંતભાઈ રાઘવાણીને પ્રથમ વિજેતા જાહેર કરીને રૂ. 2,000નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીએ જણાવ્યું હતું કે લોકોના મોટા ઉત્સાહ અને પ્રતિસાદના કારણે સ્પર્ધકોને ભાગ લેવાનો આનંદ મળ્યો છે. તરણેતરનો મેળો સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાની સાથે લોકોમાં આનંદ, ઉત્સાહ અને ભાઈચારાની ભાવના પણ પ્રદાન કરે છે.
કાર્યક્રમમાં મદદનીશ પોલીસ અધિક્ષક વૈદિકા બિહાની, પ્રાંત અધિકારી કે. એન. કાચા, જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ વિજેતા બળવંતભાઈ રાઘવાણીને પ્રોત્સાહિત કરી પુરસ્કાર એનાયત કર્યો હતો.








