નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ આમ આદમી પાર્ટી (AAP)એ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા સાંસદ રાઘવ ચડ્ઢાને સહ પ્રભારી બનાવાયા છે. પંજાબની વધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જીતના ઈનામ સ્વરૂપ આજે સાંસદ રાઘવ ચડ્ઢાને આગામી વિધાનસભા ચૂંટણી ગુજરાત માટે AAPને તૈયાર કરવાની ફરજ સોંપવામાં આવી છે. પંજાબમાં AAPએ 117માંથી 92 સીટ જીતીને 79 ટકા બહુમત હાંસલ કર્યો હતો.
અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી અગાઉ પણ ગુજરાતમાં તેના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરવા માટે એક મોટા યુવા નેતાને મેદાનમાં ઉતારવાની ચર્ચા કરી રહી હતી. આ માટે રાઘવ ચઢ્ઢા મુખ્યત્વે પાર્ટીનો સંભવિત ચહેરો હતો.
રાઘવ ચઢ્ઢા દિલ્હી અને પંજાબ બંનેમાં મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. પાર્ટી તેમને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય ચહેરા તરીકે પણ જુએ છે. આમ આદમી પાર્ટી યુવાનો માટે સારા શિક્ષણ, નોકરી અને વ્યવસાયની તકો સાથે વધુ સારા ભવિષ્યનું વચન આપી રહી છે.
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે. દિલ્હી અને પંજાબમાં સત્તા મેળવવામાં સફળ થયેલી આમ આદમી પાર્ટીનું આગામી મોટું લક્ષ્ય ગુજરાત છે. અરવિંદ કેજરીવાલે છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યના અનેક પ્રવાસો કર્યા છે. તેમણે બધા માટે નોકરી, મફત વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં સુધારાનું વચન આપ્યું છે. AAP એ ગામના વડાઓ માટે ફિક્સ પગારની પણ જાહેરાત કરી છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ફરી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે CBI, EDને અમારા નેતાઓ પાછળ લગાવવામાં આવ્યા છે કારણ કે ભાજપ આમ આદમી પાર્ટીને કચડી નાખવા માંગે છે.
કેજરીવાલે કહ્યું કે AAP નેતાઓ પર ભ્રષ્ટાચારના ખોટા આરોપો એટલા માટે લગાવવામાં આવ્યા કારણ કે ગુજરાતમાં અમારી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાને બીજેપી પચાવી શકતી નથી. તેમણે કહ્યું કે ભાજપ AAPની પ્રામાણિક રાજનીતિ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરેલા કામને પચાવી શકતી નથી.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે મફત સુવિધાઓ આપવાનું શરૂ કર્યું, ભાજપ તેનો વિરોધ કરી રહી છે કારણ કે તેને સમજાતું નથી કે લોકોને મફત સુવિધાઓ કેવી રીતે આપવી? એક અપ્રમાણિક, ભ્રષ્ટ અને દેશદ્રોહી વ્યક્તિ જ કહેશે કે લોકોને મફતમાં સુવિધાઓ આપવાથી દેશ બરબાદ થઈ જશે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ ગુસ્સે છે, વડા પ્રધાનના સલાહકાર હિરેન જોશીએ ગુજરાતની ઘણી ન્યૂઝ ચેનલના માલિકો, સંપાદકોને AAPને કવરેજ આપવા સામે ચેતવણી આપી છે. મીડિયાને ધમકીઓ આપવાનું બંધ કરો, AAP આગામી વિધાનસભા ચૂંટણી જીતીને ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે.








