નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટ ગ્રામ્યના જણસદણમાં માત્ર બે મીનીટમાં ATM મશીન ખોલીને રૂપિયા ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે. બેંક ઓફ બરોડાના ATM મશિન ખુલ્લુ જોવા મળતા બેંક મેનેજર દ્વારા CCTVની તલાસી લેતા સમગ્ર ચોરીનો પર્દાફાશ થયો હતો. ચીફ બેંક મેનેજરે ATM મશિનમાંથી રૂપિયા ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસ દ્વારા શંકાસ્પદોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના જસદણમાં ગીતાનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખાના ATMમાં ચોરીનો બનાવ બન્યો છે. ભેજાબાજ દ્વારા 17.33 લાખની રકમ ચોરી કરવામાં આવી છે. માસ્ક, ટોપી અને હાથના મોજા પહેરીને આવેલા યુવકે માત્ર બે જ મિનિટમાં એટીએમનું મશીન ખોલી નાંખ્યું હતુ અને લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
ચીફ બેંક મેનેજર પિન્ટુકુમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગીતાનગરની બેંક ઓફ બરોડમાં ફરજ બજાવે છે. તેમની બેંકની બહાર બેંક ઓફ બરોડનું ATM છે. જેમાં રૂપિયા નાખવાનું કામ અમારી કોર્પોરેટ ઓફિસ મુંબઈથી સેન્ટ્રલાઈઝ કોન્ટ્રાકટ આપવામાં આવે છે. આ ATMમાં રૂપિયા નાખવાનો કોન્ટ્રેકટ સીકયોર વેલ્યુ એજન્સી પાસે છે.
ગત 15 તારીખે તેઓ બેંકમાં હાજર હતા તે દરમિયાન રાજકોટ ખાતેથી રવિન્દ્ર ગૌસ્વામી તથા જયપુરી ગૌસ્વામી બન્ને ફરિયાદ કરી હતી કે ATMમાં હોવા જોઈએ તેટલા રૂપિયા નથી અને મશિન ખુલ્લું છે. જેથી CCTV ચેક કરવાનું જણાવ્યું હતું. CCTVમાં જોવા મળ્યું કે એક વ્યક્તિએ ચાવી વડે ATM મશિન ખોલીને 12 આંકડાનો પાસવર્ડ નાખીને ગણતરીની ક્ષણમાં રૂપિયા લઈને ફરાર થઈ જાય છે. CCTVના આધારે બેંક મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ATMમાં ગત 9 તારીખે 27,500ની રકમ હતી અને તેમાં 25 લાખ રૂપિયા નાખવામાં આવ્યા હતા. જેથી કુલ 25.27 લાખની રકમ ATMમાં હતી. ગ્રાહકો દ્વારા ATMમાંથી કુલ 7,94,000 રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. જેથી ATMમાં 17,33,500 રૂપિયા હોવા જોઈએ પરંતું તેમાં માત્ર 500 રૂપિયા જ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે ATMમાંથી ગણતરીના ક્ષણમાં ચોરી કરવામાં આવી છે તે જોતા કોઈ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. CCTVમાં પોતાની ઓળખ ન થાય તે માટે આરોપી દ્વારા ટોપી અને માસ્ક પણ પહેરવામાં આવ્યું છે. ઉપરાંત ફિંગરપ્રિન્ટના નિશાન ન રહી જાય તે માટે હાથમાં મોજા પણ આરોપીએ પહેરેલા CCTVમાં જોવામાં મળી રહ્યું છે.








