નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરાની મહારાણી રાધિકારાજે ગાયકવાડ ફરી એકવાર પોતાની શાહી સાડી લુકને કારણે ચર્ચામાં આવી છે. આ વખતે તેઓ ખાસ ચિકનકારી સાડીમાં નજરે પડી હતી, જેનો ઇતિહાસ મુગલ સમ્રાટ જહાંગીરની પત્ની નૂરજહાં સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેમના આ શાહી અંદાજે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

ફોર્બ્સની યાદીમાં દેશની સુંદર રાણીઓમાં સ્થાન મેળવનાર રાધિકારાજે ગાયકવાડ પોતાના પરંપરાગત અને હેરિટેજ લુક માટે જાણીતી છે. આ વખતે પહેરેલી ચિકનકારી સાડી પ્રખ્યાત ડિઝાઇનર તરુણ તહિલિયાની દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં ભારતીય હસ્તકલા અને શાહી વારસાની ઝલક સ્પષ્ટ દેખાઈ આવે છે. આમ તો વડોદરાની રાણી પોતાના લૂક્સને કારણે હંમેશા લોકોના દિલ જીતી લે છે, પણ આ તેમની સાડીએ વર્ષો જુની એક સુંદરતાને વધુ ઘાટો રંગ આપ્યો છે. (ઈસ્ટાગ્રામ- @taruntahiliani & radhikaraje)

આ હેન્ડ એમ્બ્રોઇડેડ સાડીમાં આઇવરી રંગ સાથે પિંક, યેલો અને બ્લૂ જેવા સોફ્ટ પેસ્ટલ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાડીને મુકૈશ કઢાઈ, જરી વર્ક અને ક્રિસ્ટલ ડિટેલિંગથી શણગારવામાં આવી છે, જે તેને ક્લાસિક અને રોયલ લુક આપે છે.
સાડીના ડિઝાઇનમાં બ્લૂ અને પિંક બોક્સ પેટર્ન સાથે ચિકનકારી કઢાઈ દ્વારા ફ્લોરલ મોટિફ્સ બનાવવામાં આવ્યા છે. પહોળી બોર્ડર અને ભારે વર્કવાળું પલ્લુ તેની ખાસિયત છે. સાથે મેચિંગ શોલ પણ કેરી કરવામાં આવી હતી, જેના ટાસલ્સ અને કલર કોમ્બિનેશન લુકને વધુ આકર્ષક બનાવે છે.

ચિકનકારી કઢાઈ લક્નૌની પરંપરાગત હસ્તકલા છે, જેનો ઇતિહાસ લગભગ 400-500 વર્ષ જૂનો માનવામાં આવે છે. આ કળાને ભારતમાં લોકપ્રિય બનાવવાનો શ્રેય મુગલ રાણી નૂરજહાંને આપવામાં આવે છે. કહેવાય છે કે નૂરજહાંને આ બારીક કઢાઈ ખૂબ પસંદ હતી અને તેમની પસંદગી બાદ આ કળા શાહી દરબારથી લઈને સામાન્ય લોકો સુધી પહોંચી.
સાડીમાં મુકૈશ કઢાઈ પણ ખાસ આકર્ષણ છે, જેમાં સોનાની કે ચાંદીની પાતળી તારથી હાથથી નાની નાની ડિઝાઇન બનાવવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા હસ્તકલા પર આધારિત હોવાથી ખૂબ જ મહેનતભરી ગણાય છે.

રાધિકારાજે ગાયકવાડે પોતાના લુકને હીરાના દાગીનાઓ સાથે પૂર્ણ કર્યો હતો. નેકલેસ, ડ્રોપ ઈયરિંગ્સ, બ્રેસલેટ અને રિંગ્સ સાથે તેમનો શાહી અંદાજ વધુ નીખરી આવ્યો હતો. સોફ્ટ કર્લ્સવાળા ખુલ્લા વાળ, લાલ લિપસ્ટિક અને બિંદી સાથે તેમણે લુકને ફાઇનલ ટચ આપ્યો હતો.
આ લુક ફરી એકવાર દર્શાવે છે કે રાધિકારાજે ગાયકવાડનો અંદાજ ક્લાસ, એલિગન્સ અને પરંપરાનો પરફેક્ટ સંયોજન છે.








