૨૦૨૨-૨૩ના વર્ષમાં જાગતિક બજારમાં ૬૨ લાખ ટન કરતાં વધુ પુરાંત બોજો રહેશે
ટૂંકાગાળા માટે સપ્લાય અછતે માર્ચ વ્હાઇટ સુગરમાં મે કરતાં ૧૯ ડોલરનું પ્રીમિયમ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): બ્રાઝિલમાં ૨૦૨૩-૨૪ની સુગર મોસમમાં શેરડીનું ઉત્પાદન જબ્બર વધશે, પણ ખાંડ મિલો વધુમાં વધુ શરેડી સુગર ઉત્પાદનમાં લઈ જવાના હોવાથી ૨૦૨૩ના અંતિમ તબક્કામાં જાગતિક બજારમાં ખાંડના ઢગલા જોવા મળશે. ભારત અને બ્રાઝિલમાં ખાંડ ઉત્પાદન વૃધ્ધિ, બજાર માટે મંદીના ઘોટક બની રહેશે. બુધવારે બ્રાઝિલિયન સુગર એજન્સી યુનિકાએ કહ્યું હતું કે ૨૦૨૨-૨૩માં ડિસેમ્બર સુધીમાં વર્ષાનું વર્ષ ખાંડ ઉત્પાદન ૪.૪ ટકા વધીને ૩૩૪.૬૨ લાખ ટન થવાનું અનુમાન છે. એ અગાઉ ખેડુતો અને સરકારની એજન્સી કોનાબ પણ બ્રાઝિલનો ઉત્પાદન અંદાજ ૩૩૯ લાખ ટન મૂક્યો હતો.
આ તરફ ઇંડિયન સુગર મિલ્સ એસોશીએશન (ઇસમા)એ કહ્યું હતું કે ભારતીય ખેડૂતોએ શેરડીનું વાવેતર ૫.૪ ટકા વધારીને ૫૬ લાખ હેકટરમાં કર્યું હતું, તેથી ૨૦૨૨-૨૩ની મોસમમાં ઓકટોબરથી ડિસેમ્બર સુધીના પ્રથમ ત્રણ મહિનામાં સુગર ઉત્પાદન ગતવર્ષના સમાનગાળાની તુલનાએ ૩.૭ ટકા વધીને ૧૨૧ લાખ ટન થયું હતું. તેજી માટેનો એક મુદ્દો રજૂ કરતાં સ્ટોનેકસ ફાયનાન્સિયલ સર્વિસે કહ્યું કે થાઈલેન્ડમાં શેરડીની લણણી મોડી પડી હોવાથી પ્રથમ ત્રિમાસિકમાં નિકાસ અનુમાન ૧૦થી ૨૦ લાખ ટન જ નિકાસ કરી શકશે, અલબત્ત, આ ઘટનાને કોરાણે મૂકી ના શકાય.
૨૦૨૨-૨૩ના સુગર માર્કેટિંગ વર્ષ માટે ઇસ્માએ ભારતનો ઉત્પાદન અંદાજ ગતવર્ષના ૩૫૨ લાખ ટનથી બે ટકા વધારીને ૩૬૫ લાખ ટન મૂક્યો છે. ઇસ્મા વધુમાં કહે છે કે સુગર મિલો ૪૫થી ૫૦ લાખ ટન જેટલી ખાંડને ઇથેનોલ ઉત્પાદનમાં વાળી દેશે. ભારતના સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ૨૦૨૨-૨૩નું ઉત્પાદન, ગતવર્ષ કરતાં ૬થી ૭ ટકા ઘટીને ૧૨૪ લાખ ટન આવવાની સંભાવના જોતાં હવે પછી નિકાસના સંયોગ નબળા પાડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના સુગર ઇતિહાસમાં પહેલી વખત ૨૦૨૧-૨૨માં ૧૩૮ લાખ ટન વિક્રમ ઉત્પાદન થયું હતું.
યુકે સ્થિત મારેક્સ ગ્રુપ કહે છે કે ઓકટોબર ૨૨થી સપ્ટેમ્બર ૨૩ સુધીની વર્તમાન ખાંડ મોસમના નિર્ધારિત ૬૦ લાખ ટન ભારતીય ખાંડ નિકાસ ક્વોટામાંથી ૩૧ ડિસેમ્બર સુધીમાં ૫૫ લાખ ટન નિકાસના કરારો થઈ ગયા છે. મીરાએ કોમોડિટી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાહિલ શેખ કહે છે કે હવે બહુ થોડી ખાંડ નિકાસ શિપમેન્ટ કરવાની બાકી રહી ગઈ છે, ૫૩થી ૫૫ લાખ ટન નિકાસના સોદા પાર પડી ગયા છે.
વધુમાં ૨૦૨૧-૨૨માં ભારતથી ખાંડની નિકાસ ૫૭ ટકા વધીને ૧૧૦ લાખ થઈ ગઈ હોવાથી જાગતિક બજાર માટે આ કારણ ભાવને દબાણમાં લઈ જવાનું રહ્યું. અલબત્ત, સુગર ડિલરો કહે છે કે ટૂંકાગાળા માટે બજારમાં સપ્લાય અછત સર્જાઇ હોવાથી, માર્ચ વ્હાઇટ સુગરમાં મે કરતાં ૧૯ ડોલરનું પ્રીમિયમ બોલાય છે. માર્ચ વ્હાઇટ સુગર ટન દીઠ ૫૫૨.૯૦ ડોલર મુકાઇ હતી. ક્રૂડ ઓઇલના ભાવ ૧ સપ્તાહની ઊંચી સપાટીએ ૧ ટકો વધી બોલાતા, સુગર માટે તેજીનો આંતરપ્રવાહ બનાવે છે.
ખાંડ બજાર માટે વધુ એક નકારાત્મ સમાચાર એ છે કે ઇન્ટરનેશન સુગર એસોસિયેશને ૨૦૨૨-૨૩નો વૈશ્વિક ઉત્પાદન અંદાજ વર્ષાનું વર્ષ ૫.૫ ટકા વધીને ૧૮૨૧ લાખ ટન થશે. આઈએસઓ વધુમાં કહે છે કે ૨૦૨૨-૨૩ના વર્ષમાં જાગતિક બજારમાં ૬૨ લાખ ટન કરતાં વધુ પુરાંત બોજો રહેશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








