નવજીવન. લખનઉઃ ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તે દરમિયાનમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ ચૂંટણીના માટે પાર્ટીના 125 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. કુલ 125 ઉમેદવારોમાં આ વખતે 40 ટકા મહિલાઓ છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ઉન્નાવ રેપ પીડિતાની માતાને ઉમેદવાર બનાવ્યા છે. અહીં આપને જણાવી દઈએ કે ઉન્નાવ રેપ કેસને લઈને કોંગ્રેસ સતત ભાજપને ઘેરતી નજરે પડી રહી છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં એક નવી રાજનીતિનું નિર્માણ કરી રહી છે. એવી રણનીતિ જે મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને સામાન્ય લોકોના મુદ્દાઓ પર કેન્દ્રીત છે. અમે એક નકારાત્મક અભિયામમાં શામેલ નહીં થઈએ. અમે અભિયાન વિકાસ અને દલિતો અને ગરીબોની પ્રગતિના અંગેનું રહેશે. હું રાજ્યમાં પાર્ટીને મજબૂત કરીશ.
મહિલાઓને મોટી સંખ્યામાં ટિકિટ આપવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે જ્યારે અમે મહિલાઓની વાત શરૂ કરી ત્યારે તમામ પક્ષોએ જાહેરાતો કરવાનું શરૂ કર્યું. ભાજપ, સપા, આરએલડી, બસપા તમામે જાહેરાત કરી હતી. અમારી સફળતા એ છે કે મહિલાઓને હવે અવગણી શકાય નહીં.
જણાવી દઈએ કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. યુપીમાં કુલ 403 સીટો છે. અહીં સાત તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ તબક્કાઓ હેઠળ 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થશે. મતગણતરી 10 માર્ચે થશે. નોંધનીય છે કે, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી ચૂંટણી રેલીઓ, રોડ શો, પદયાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાર્ટીઓ માત્ર ડિજિટલ ઝુંબેશ કરી શકે છે. યુપીમાં રાજકીય પક્ષોએ ડિજિટલ અભિયાનની તૈયારી શરૂ કરી દીધી છે.
![]() |
![]() |
![]() |











