Amit shah on SIR Rahul Gandhi Gyanesh Kumar: હૈદરાબાદમાં ભાજપની ‘સેવ ડેમોક્રસી, રિમૂવ એનાર્ખી’ પદયાત્રાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈન્ડિયા ગઠબંધનના ‘વોટ ચોરી’ના આરોપો પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે EVM, SIR અને ઘૂસણખોરોના મુદ્દે ચર્ચા કરવા માટે સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવવા તૈયાર છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદમાં આવીને ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો. અહીં સુધી કે રાહુલ ગાંધીને ટોંણો મારતા કહ્યું હતું કે તેઓ મોક સંસદમાં જ પ્રધાનમંત્રી બની જાય બાકી ખરેખરની સંસદમાં તે ક્યારેય નહીં બની શકે.
અમિત શાહે ઈન્ડિયા ગઠબંધનની દિલ્હીમાં યોજાયેલી રેલીને ‘સેવ ઇન્ફિલ્ટ્રેટર’ રેલી ગણાવી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો EVM ખરાબ હોય તો કોંગ્રેસે તેલંગાણા સહિતના રાજ્યોમાં સરકાર કેવી રીતે બનાવી? શાહે ટિપ્પણી કરતાં કહ્યું કે રાહુલ ગાંધી માત્ર મૉક સંસદમાં જ વડાપ્રધાન બની શકે છે.
પદયાત્રા દરમિયાન અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી હાથમાં બંધારણ રાખે છે, પરંતુ બંધારણનું સન્માન કરતા નથી. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી સંસદને ચાલવા દેતા નથી. શાહે કહ્યું કે EVM હોય, SIR હોય કે ઘૂસણખોરોનો મુદ્દો હોય, સરકાર આ તમામ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે મતદાર યાદીમાંથી દરેક ઘૂસણખોરને દૂર કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો કે જો આ મુદ્દે સંસદનું સત્ર બોલાવવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસને આકરા શબ્દોમાં જવાબ આપશે.
અમિત શાહે કોંગ્રેસ પર અરાજકતા ફેલાવીને ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. SIR અને મતદાર યાદીના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય ટકરાવ વધુ તેજ બનવાની શક્યતા છે.








