Tuesday, November 3, 2026
HomeNationalકોઈ એક જૂથ અનિશ્ચિત સમય સુધી વિરોધ સ્થળ પર કબજો ન જમાવી...

કોઈ એક જૂથ અનિશ્ચિત સમય સુધી વિરોધ સ્થળ પર કબજો ન જમાવી શકે, દરેકને વિરોધ કરવાનો અધિકાર: સુપ્રીમ કોર્ટ

- Advertisement -

Supreme Court on Protest site: સુપ્રીમ કોર્ટે મંગળવારે વિરોધ પ્રદર્શનના અધિકારને લઈને મહત્વપૂર્ણ મૌખિક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે વિરોધ કરવાનો બંધારણીય અધિકાર કોઈ એક જૂથને નિર્ધારિત વિરોધ સ્થળ પર અનિશ્ચિત સમય સુધી કબજો જમાવી રાખવાની મંજૂરી આપતો નથી. આવું કરવાથી અન્ય જૂથોના સમાન અધિકારોને અસર થઈ શકે છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બેન્ચ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં થયેલા તાજેતરના વિરોધ પ્રદર્શનો સંબંધિત અરજીઓની સુનાવણી કરી રહી હતી.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કોઈ એક જૂથ કોઈ સ્થળ પર હંમેશાં માટે કબજો જમાવી શકે નહીં. તેમણે સવાલ કર્યો હતો કે જો એક જૂથ સતત વિરોધ કરશે તો ખેડૂતો, પત્રકારો અને અન્ય લોકો ક્યાં જશે? દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ નિર્ધારિત વિરોધ સ્થળ માત્ર નિર્ધારિત સમયગાળા માટે જ ફાળવવું જોઈએ.

- Advertisement -

કોર્ટે જણાવ્યું હતું કે વિરોધ સ્થળોની ફાળવણી ચોક્કસ સમયગાળા માટે થવી જોઈએ, જેથી ખેડૂતો, મજૂરો, ટ્રેડ યુનિયનો, બેઘર લોકો અને અન્ય જૂથોને પણ પોતાના અધિકારોનો ઉપયોગ કરવાની તક મળી શકે.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે જુલાઈમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન માટે માત્ર એક દિવસની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં જંતર-મંતર પર મંજૂરી કરતાં વધુ સમય સુધી કબજો જાળવી રાખવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે વિરોધ પ્રદર્શનના અધિકાર અને વેપાર તથા આજીવિકાના અધિકાર વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ખાસ કરીને દૈનિક વેતન પર કામ કરતા મજૂરોની આજીવિકા પર વિરોધ પ્રદર્શનોની અસર થતી હોવાની બાબતને ધ્યાનમાં લેવા જણાવ્યું હતું.

- Advertisement -

વેપારીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દાવો કર્યો હતો કે વિરોધ પ્રદર્શનોને કારણે વેપારને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આગામી બે મહિના સુધી વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. વેપારીઓના વકીલે જણાવ્યું હતું કે વિરોધ સ્થળની આસપાસના વિસ્તારોમાં આશરે 50 લાખ લોકો રહે છે અને કનોટ પ્લેસ જેવા વ્યાવસાયિક વિસ્તારોમાં દુકાનો બંધ રહેતાં વેપાર લગભગ ઠપ થઈ ગયો હતો.

સુપ્રીમ કોર્ટે તહેવારો દરમિયાન વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી કિરાણા કમિટી દિલ્હી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ જારી કરી હતી. જોકે, કોર્ટે વેપારી સંગઠનોને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનના આયોજકોને પણ આ કેસમાં પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આયોજકોને પક્ષકાર બનાવ્યા વિના વેપારીઓની ફરિયાદો પર સંપૂર્ણ વિચારણા કરવી શક્ય નથી.

આ ઉપરાંત અન્ય અરજદારો દ્વારા ઓક્ટોબરમાં થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન કથિત ગેરકાયદે અટકાયત, પોલીસ કસ્ટડીમાં મારપીટ, બેરિકેડિંગ અને પોલીસની અતિશય કાર્યવાહી અંગે પણ ફરિયાદો કરવામાં આવી હતી.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે ચહેરાની ઓળખ કરતી સર્વેલન્સ વ્યવસ્થાના કાયદાકીય આધાર તેમજ એકત્રિત કરવામાં આવતા ડેટાના ઉપયોગ અને સુરક્ષા અંગે સવાલ ઉઠાવતી અરજી પર પણ નોટિસ જારી કરી હતી. મહિલા પત્રકારોને કથિત રીતે પરેશાન કરવામાં આવ્યા હોવાના અને આ મામલે અલગ સમિતિ રચવાની માંગ કરતી અરજી પર દિવાળી બાદ અલગથી સુનાવણી કરવા કોર્ટે સંમતિ આપી હતી.

વકીલ સંગઠનોએ વકીલોની અટકાયત, ઇન્ટરનેટ સેવાઓમાં વિક્ષેપ અને અદાલતો તથા વકીલોના ચેમ્બર્સ સુધી પહોંચવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો અંગે પણ મુદ્દા ઉઠાવ્યા હતા. પત્રકારો સાથે કથિત મારપીટ, અટકાયત, ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવા અને પોલીસ કાર્યવાહીને લગતી અરજીઓ પણ સુનાવણીમાં સામેલ હતી.

સુપ્રીમ કોર્ટે સંબંધિત તમામ અરજીઓને અલગ-અલગ સુનાવણી માટે નવ શ્રેણીઓમાં વહેંચવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટે વકીલોને દરેક શ્રેણીમાં દલીલો રજૂ કરવાનો પ્રસ્તાવિત ક્રમ અને તેના માટે જરૂરી અંદાજિત સમય જણાવવા કહ્યું હતું. બેન્ચે સંકેત આપ્યો હતો કે સામાન્ય રીતે નવી રિટ અરજીઓ પર ત્યાં સુધી વિચારણા કરવામાં નહીં આવે, જ્યાં સુધી એડવોકેટ-ઓન-રેકોર્ડ પ્રમાણિત ન કરે કે તેમાં સંપૂર્ણપણે નવો અને અલગ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular