પ્રશાંત દયાળ (શતરંજ-79, નવજીવન ન્યૂઝ): મહેશ રાવ, વિનય તોમર અને દિનેશ નાયરનો પોલીસ-રિમાન્ડ ઉપર ચોથો દિવસ હતો. બપોરના ૧૨ વાગ્યા હશે. પોલીસ-અધિકારીઓને પોલીસ-કસ્ટડીના ચાર દિવસ થઈ ગયા હતા. જેના કારણે પહેલા દિવસે જેટલા તણાવમાં હતા તેમાં ખાસ્સો ઘટાડો થઈ ગયો હતો. હવે ત્રણે અંદર અંદર એકબીજાની સાથે મજાક-મસ્તી કરવા લાગ્યા હતા. ઘરેથી જમવાનું આવતું તે જમી પણ લેતા હતા. તેમણે મન મનાવી લીધું હતું કે, હવે થોડાક મહિના જેલમાં રહેવું પડશે. બીજી તરફ તેમને ખબર હતી કે બહાર રહેલા તેમના અધિકારી વછરાજાની અને જાડેજા પણ તેમના બહાર આવવાની કોઈ ને કોઈ વ્યવસ્થામાં લાગેલા હશે. જાડેજા સાહેબ તો એક વખત સીઆઇડી ક્રાઇમની ઑફિસમાં મળવા પણ આવી ગયા હતા. તેમને મળ્યા પછી જ ત્રણે અધિકારીઓમાં આત્મવિશ્વાસ વધ્યો હતો. તેમને બે વાતની ખાતરી થઈ હતી કે એક તો કોઈ ને કોઈ રસ્તો નીકળશે અને બીજું તેઓ એકલા નથી… તેમની ચિંતા કરનાર તેમનું ડિપાર્ટમેન્ટ છે.
ત્રણે પોલીસ-અધિકારીઓ ઇન્સ્પેક્ટર પરમારની ચેમ્બરમાં જ બેસતા હતા. તેમની ચેમ્બર લગભગ વીસ બાય વીસ હતી. પરમાર તેમનું કામ કરી રહ્યા હતા. નાયર અંગ્રેજી અખબાર વાંચી રહ્યા હતા તેમજ મહેશ અને વિનય રેડિયો જોકી નેહાની વાત કરી રહ્યા હતા. ત્યારે જ પરમારના ફોનની રિંગ વાગી. હજી સુધી કોઈનું ધ્યાન પરમાર તરફ ન હતું, પણ ફોનમાં વાત કરી રહેલા પરમારે જ્યારે ઉત્સાહમાં આવી મોટા અવાજે કહ્યું, “શું વાત કરે છે? મજા પડી જશે તો તો!” આ વાક્ય સાંભળતાં જ ત્યાં બેઠેલી તમામ વ્યક્તિઓનું ધ્યાન પરમાર તરફ ગયું. પરમારના ચહેરા ઉપરની ખુશી તરત તેમણે નિયંત્રણમાં કરવાનો પ્રયત્ન કર્યો. તેમને લાગ્યું કે તેમનાથી ભૂલ થઈ ગઈ. તેમણે પોતાની વાત ટૂંકાવતાં કહ્યું, “ઓકે… ઓકે… હું સમાચાર જોઈ લઉં છું.” તેમણે ફોન મૂક્યો અને ટીવીનું રિમોટ પોતાના હાથમાં લીધું. ફોન આદેશનો હતો.
ટીવી ચાલુ કરી હિંદી સમાચાર ચાલુ કર્યા જેમાં બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહ્યા હતા. “સુપ્રીમ કોર્ટ મેં ગુજરાત પોલીસ કા બડા ખુલાસા. નિઝામ કે બાદ ઉસકી પત્ની રૂપા કી ભી હત્યા કર દી થી. “મહેશ અને વિનયે સ્ક્રોલ વાંચી નાયર સામે જોયું. નાયરને ખબર હતી કે તે બંને તેમની સામે જુએ છે. તેમ છતાં તેમણે પોતાની નજર ટીવી ઉપર ટકાવી રાખી, ત્યાં બીજો સ્ક્રોલ આવ્યો : “સુપ્રીમ કોર્ટને ઇસ ઇન્વેસ્ટિગેશન મેં હટાયે ગયે ડીઆઇજી પંત કો લેકે ગુજરાત સરકાર કો ફટકાર લગાઈ, ઔર દો બારા પંત કો ઇન્વેસ્ટિગેશન મેં સામિલ કરને કા આદેશ દિયા.” મહેશ અને નાયરના હૃદયના ધબકારા વધી ગયા. ડીઆઇજી વિવેક પંતને ફરી વખત તપાસમાં સામેલ કરવાનો કોર્ટે ઑર્ડર કર્યો હતો. પરમાર અંદરથી ખૂબ જ ખુશ હતા. કારણ હવે તપાસમાં મજા આવવાની હતી, પણ પરમારને ખબર હતી કે, તેમના માટે જે આનંદના સમાચાર હતા, તે તેમના જ વિભાગના સામે બેઠેલા પોલીસ-અધિકારીઓ માટે માઠા સમાચાર હતા. માટે તેમની ખુશી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી હતું. સુપ્રીમ કોર્ટમાં ગુજરાત પોલીસે પોતાનો સ્ટેટ રિપોર્ટ રજૂ કર્યો ત્યારે નિઝામના ભાઈ નૂરુએ કોર્ટના ધ્યાન ઉપર મૂક્યું કે તપાસને ખોરંભે ચઢાવવા માટે ગુજરાત સરકારે આ કેસનું સુપરવિઝન કરી રહેલા ડીઆઇજી વિવેક પંતને ખસેડી નાખ્યા છે. જેના કારણે કોર્ટે ગુજરાત સરકારની ટીકા કરી પંતને ફરી વખત તપાસમાં સામેલ કરવા હુકમ કર્યો હતો.
આ સમાચાર ભૂકંપ કરતાં વધુ ઝટકો આપનારા હતા. મંત્રી અમર ઠાકોરથી લઈ વછરાજાની અને જાડેજાના પગ નીચેની ધરતી ખસી ગઈ હતી. બધાના ફોનની રિંગ વાગી રહી હતી અને ફોન ઊંચકતાં એક જ વાત હતી… ખબર પડી? પંત ફરી તપાસમાં જોડાયા. મંત્રી અમરના શરીરમાંથી જાણે પ્રાણ જ નીકળી ગયો હોય તેવું લાગતું હતું, કારણ કે હમણાં સુધી બધું જ તેમણે નક્કી કર્યા પ્રમાણે થઈ રહ્યું હતું, પણ પરિસ્થિતિ બદલાઈ હતી. કોર્ટના ઑર્ડરને કારણે એવા ત્રિભેટે આવીને ઊભા હતા કે કઈ દિશામાં જવું તેની સૂઝ પડતી ન હતી. હવે એક નવી લડાઈ લડવાની હતી. અમરને લાગ્યું કે હવે વછરાજાની અને જાડેજાને સાથે રાખવા પડશે. વછરાજાની અને જાડેજાને મંત્રીની ઑફિસમાંથી ફોન આવી ચૂક્યો હતો કે, મંત્રી મળવા માગે છે. વછરાજાનીને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો કારણ કે છેલ્લી મુલાકાતમાં જે રીતે મંત્રીએ તેમની અને જાડેજા સાથે વ્યવહાર કર્યો હતો તે જરા પણ પસંદ પડ્યો ન હતો. જોકે અત્યારે મંત્રીને કંઈ કહેવાનો અર્થ ન હતો, કારણ કે અત્યારે બધા માટે ખુલ્લી આંખે દેખાતા ભૂત જેવો પ્રશ્ન હતો વિવેક પંત.
મંત્રીના આદેશ પ્રમાણે વછરાજાની અને જાડેજા મંત્રીને ત્યાં પહોંચતાં મંત્રીએ તેમને ઍન્ટિ ચેમ્બરમાં બેસવાની સૂચના આપી અને બીજી જ મિનિટે તે બધાં જ કામ છોડી ઍન્ટિ ચેમ્બરમાં આવી ગયા. જ્યાં લગભગ એક કલાક તેમની વચ્ચે મિટિંગ થઈ. જોકે શું વાત થઈ તે માત્ર તેઓ ત્રણ જ જાણતા હતા. બંને પોલીસ-અધિકારીઓ ત્યાંથી નીકળતાં મંત્રી સીધા મુખ્યમંત્રીને મળવા માટે તેમની ઑફિસમાં ગયા હતા. સચિવાલયમાં મિટિંગોનો દોર શરૂ થયો હતો. કાયદા વિભાગ અને ગૃહવિભાગના અધિકારીઓની મિટિંગો શરૂ થઈ હતી. સુપ્રીમ કોર્ટના ઑર્ડર પછી કઈ રીતે પંતને રોકી શકાય? અને જો પંતને ના રોકી શકાય તો હવે કઈ રીતે ડેમેજ કંટ્રોલ થઈ શકે? જોકે કાયદો અને ગૃહ વિભાગના અધિકારીઓનો મત હતો કે સુપ્રીમ કોર્ટનો ઑર્ડર હોવાને કારણે કોઈ પણ કાળે વિવેક પંતને તપાસમાં સામેલ કરવા જ પડે. ઘણા લાંબા સમય પછી સરકારમાં બેઠેલા પ્રામાણિક અધિકારીઓને એવું લાગી રહ્યું હતું કે એક પ્રામાણિક અધિકારીથી ભ્રષ્ટ તંત્ર કેવું ડરે છે! પંતના નામથી બધાને ટાઢિયો તાવ ચઢી ગયો હતો.
કોર્ટનો ઑર્ડર થયો અને બે દિવસ નીકળી ગયા. કાયદા અને ગૃહવિભાગના અધિકારીઓએ પોતાના હાથ ઉપર કરી દીધા હતા. આ કેસમાં કંઈ જ થઈ શકે નહીં તેવું સર્વાનુમતે માનવું હતું. આખરે પંતની બદલી ફરી વખત ટ્રેનિંગ સેન્ટરમાંથી સીઆઇડી ક્રાઇમમાં કરવાનો આદેશ થઈ ગયો. જોકે અક્ષય જૈનને ટ્રેનિંગ સેન્ટરમાં મૂકવામાં આવ્યા હતા. જૈન ખૂબ જ નારાજ હતા. સરકારે તેમની બદલી કરવી હતી તો કોઈ સારી જગ્યાએ કરવી હતી. ટ્રેનિંગ સેન્ટર તો કંઈ નોકરીની જગ્યા છે? જૈનને લાગતું હતું કે, તેમની વફાદારીની કોઈ કદર થઈ નહીં. રિમાન્ડના સાત દિવસ પૂરા થતા હોવાને કારણે પરમાર ત્રણે પોલીસ-અધિકારીઓને લઈ કોર્ટમાં ગયા. આ વખતે પણ કોર્ટમાં મોટી સંખ્યામાં પત્રકારો અને પોલીસ-અધિકારીઓના સમર્થનમાં આવેલા લોકોનું ટોળું ભેગું થયું હતું. જોકે એક અઠવાડિયા પહેલાં જે સમર્થનકારીઓ હતા, તેમાં ખાસ્સો ઘટાડો થયો હતો. કોર્ટ સામે પોલીસ-અધિકારીઓને રજૂ કરતાં કોર્ટ દ્વારા નિયમ પ્રમાણે પૂછ્યું : “પોલીસ સામે કોઈ ફરિયાદ?” ત્રણે પોલીસ-અધિકારીઓએ માથું હલાવી ના પાડી. પરમાર શું કરશે તેની સામે બધાની નજર હતી. કોર્ટમાં હાજર વકીલો પણ પરમાર શું રજૂઆત કરશે તેની રાહ જોઈ રહ્યા હતા. પરમારે સરકારી વકીલ મૂકેશ ગોડસેના હાથમાં કેટલાક કાગળો મૂક્યા. બંનેએ થોડીક ચર્ચા કરી અને પછી ગોડસેએ બેંચ ક્લાર્ક મારફતે પોતાના કાગળો કોર્ટ સામે મૂક્યા. મૅજિસ્ટ્રેટે ધ્યાનથી કાગળો વાંચ્યા અને પોતાની આંખોમાં આશ્ચર્યના ભાવ સાથે પરમાર સામે જોતાં મૅજિસ્ટ્રેટે પૂછ્યું : “પરમાર, તમારે ફર્ધર રિમાન્ડની જરૂર નથી.”
બધાને એવું હતું કે પરમાર કંઈક નવું લઈ આવશે. તે મુદ્દા ઉપર ફરી વધુ રિમાન્ડ માગશે. પણ તેવું ના થયું માટે કોર્ટ સહિત બધાને આશ્ચર્ય થયું હતું. પરમારે સાવધાન થતાં કહ્યું, “ના સર, સાત દિવસમાં મારે જે કંઈ ઇન્વેસ્ટિગેશન કરવું હતું, તે મેં કર્યું છે. હમણાં મને રિમાન્ડની જરૂર લાગતી નથી.” મહેશ અને વિનય એકબીજાની સામે જોઈ વિચાર કરવા લાગ્યા કે, સાત દિવસમાં પરમારે શું કર્યું તેની તેમને ખબર જ ના પડી. પરમાર વધુ રિમાન્ડ નહોતા માગી રહ્યા તેનું કારણ હતું, પણ તે કારણ હમણાં કોઈને સમજાય તેવું ન હતું. કોર્ટે કાગળ ઉપર કઈ નોંધવાની શરૂઆત કરી, ત્યાં કોર્ટને યાદ આવતાં તેમણે પોલીસ-અધિકારીઓના વકીલ તરીકે હાજર રહેતા ઍડ્વોકેટ કેતન મજુમદારને પૂછ્યું : “મજુમદાર, તમારે કંઈ કહેવું છે?” મજુમદાર આખી રાત જાગી તેમના અસીલને વધુ રિમાન્ડ આપી શકાય નહીં તેની દલીલ તૈયાર કરી આવ્યા હતા. પણ પરમારે રિમાન્ડ જ નહીં માગતાં હવે શું કહેવું તે એક પ્રશ્ન હતો. મજુમદારે નાયર સામે જોયું. નાયરે માથું હલાવી ના પાડતાં, મજુમદારે કોર્ટને કહ્યું, “નો સર, અમારી કોઈ રજૂઆત નથી.”
કોર્ટે પહેલાં આરોપીઓ અને પછી પરમાર સામે જોતાં કહ્યું, “જો પોલીસને રિમાન્ડની જરૂર નથી તો કોર્ટ તમામ આરોપીઓને ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરે છે.” કોર્ટે તરત પરમારને પૂછ્યું, “તમે તેમને સેન્ટ્રલ જેલ મૂકી આવશો ને?” પરમારે તરત હા પાડતાં બેંચ ક્લાર્કે તેમની તરફ કોર્ટનો હુકમ મૂકતાં પરમારે તે સ્વીકારી લીધો હતો. મહેશ, વિનય અને નાયરની સફર હવે સાબરમતી સેન્ટ્રલ જેલ તરફની હતી. પરમાર બધાને લઈ સેન્ટ્રલ જેલ પહોંચ્યા ત્યારે પોલીસવાનમાં ઊતરતાં અચાનક મહેશની નજર જેલના દરવાજા ઉપર પડી. ત્યાં કેતા હતી. મહેશને જેલમાં મોકલી આપવાનો હુકમ થયો છે તેવી ખબર પડતાં, તે પોતાની જાતને રોકી શકી નહીં. મહેશે તેને કોર્ટમાં મળવા આવવાની ના પાડી હતી. માટે તે સીધી સેન્ટ્રલ જેલ પહોંચી હતી. કેતાને હતું કે તે એક વખત મળીને રડી લે તો સારું. મેઘાની પાર્ટીમાં મહેશની ધરપકડ થઈ ત્યારથી તે મહેશને મળી ન હતી. આમ તો મહેશ તપાસમાં જાય તો પંદર દિવસે આવતો, પણ તે સમય ક્યારેય આકરો લાગ્યો નહોતો. પણ આ સાત દિવસમાં એવું લાગ્યું કે, તે સાત જન્મોથી મહેશની રાહ જોઈ રહી હતી. કેતા દૂર જ ઊભી રહી, તેની હિંમત નહોતી થતી કે તે પોલીસવાન પાસે આવે. જો મહેશની નજર ના પડી હોત તો તે મહેશને દૂરથી જ જોઈને જતી રહેવાની હતી. મનમાં એક બીક પણ હતી કે ના પાડવા છતાં તે મળવા આવી તેના કારણે મહેશ નારાજ થઈ જશે તો? અને બીજો ડર હતો કે પોતાને જોઈ ક્યાંય મહેશ ભાંગી ના પડે! તેને ખબર હતી કે તેનો પતિ પોલીસ હોવા છતાં અંદરથી કેટલો પોચો છે.
મહેશ કેતાને જોતાં અંદરથી હચમચી ગયો. તેણે પરમાર સામે જોયું. પરમાર જોઈ રહ્યા હતા કે મહેશની નજર કોની તરફ છે. મહેશે જે નજરે જોયું… પરમારે આંખના ઇશારે હા પાડી. મહેશ બધાથી અલગ પડી દરવાજા તરફ ગયો. વિનય અને નાયર મહેશ કઈ તરફ જઈ રહ્યો છે તે જોવા લાગ્યા. ત્યાં તેમની નજર પણ કેતા તરફ પડી. મહેશ જેવો કેતા તરફ ગયો… તેની સાથે બે ડગલાં આગળ વધી કેતા મહેશને વળગી નાના બાળકની જેમ રડવા લાગી. તેના મોઢામાં કોઈ શબ્દો નહોતા. મહેશ તેને શાંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેણે કહ્યું, “અરે રડે છે કેમ? હમણાં બહાર આવી જઈશ; રડ નહીં.” આટલું બોલતાં મહેશની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં હતાં. આ દૃશ્ય જોઈ વિનય અને નાયરે પોતાની નજર ફેરવી લીધી. જેલની બહાર રહેલો જેલસ્ટાફ અને ત્યાં હાજર અન્ય લોકોને પણ જાણે ખરાબ લાગી રહ્યું હતું. મહેશે પોતાની જાતને રોકતાં કહ્યું, “ચાલ કેતા, પછી મળવા આવજે. હું જાઉં છું.” એમ કહી કેતાને પોતાનાથી અળગી કરી, તે જેલના મુખ્ય દરવાજા તરફ ચાલવા લાગ્યો.
આ જેલ ઉપર મહેશ અને વિનય અનેક વખત આવી ચૂક્યા હતા. જોકે આ પહેલાં તે આરોપીને મૂકવા આવતા હતા, પણ આજે તે પોતે આરોપી થઈને આવ્યા હતા. જેલનો ઘણોબધો સ્ટાફ તેમને ઓળખતો હતો. દિનેશ નાયર માટે જેલ ઉપર આવવાનો આ પહેલો પ્રસંગ હતો. જેલનો લોખંડી દરવાજો ખોલી બધાને અંદર દાખલ કર્યા બાદ પરમારે જેલરની ચેમ્બરમાં જઈ કોર્ટનો ઑર્ડર આપ્યો. ત્રણે પોલીસ-અધિકારીઓનાં નામ સહિતની નોંધણી કરવામાં આવી. આ ઉપરાંત તેમના શરીર ઉપરના ચોક્કસ નિશાનની નોંધ થઈ. આ બધું બહુ ખરાબ લાગતું હતું. જેલસ્ટાફ માટે આ રોજનું કામ હતું. એક સિપાઈએ ત્રણેને એક એક કાર્ડ આપ્યાં, જેમાં દિનેશ નાયરનું નામ અને કાચા કામના કેદીનો નંબર ૧૨૦૮ હતો, તેવી જ રીતે ક્રમશ મહેશ અને વિનયનો નંબર પણ પડી ગયો હતો. હવે તેઓ કેદી નંબરના આધારે ઓળખાવાના હતા.
(ક્રમશ:)








