નવજીવન ન્યૂઝ. લખનૌ: Umesh pal Murder case prayagraj : પ્રયાગરાજમાં શુક્રવારની સાંજે ઉમેશ પાલની જાહેરમાં રોડ પર હત્યા કરવામાં આવી. હત્યારાઓએ અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બ મારો ચલાવી હત્યાકાંડને અંજામ આપતા પ્રયાગરાજમાં હડકંમ મચી ગયો હતો. આ હત્યાકાંડનો આરોપ અમદાવાદની જેલમાં કેદ ઉત્તરપ્રદેશના પૂર્વ સાંસદ બાહૂબલી અતિક અહેમદ (Atiq Ahmad)પર લાગ્યો છે. ચકચારી હત્યાકાંડ બાદ ઉત્તર પ્રદેશ પોલીસે (UP Police) અતિક અહેમદના બે દિકરાની અટકાયત કરી લીધી છે. હત્યાકાંડમાં મોતને ભેટનાર ઉમેશ પાલ કોણ છે? તેની હત્યા કેમ કરવામાં આવી અને અતિક અહેમદનું કનેક્શન શા માટે માનવમાં આવે છે? અને આ હત્યાકાંડના તાર કેવી રીતે રાજૂ પાલ હત્યા કેસ સાથે જોડાયેલા છે? આ તમામ માહિતીની વિસ્તૃત વિગતો વાંચો.
ઉત્તર પ્રદેશમાં થયેલા ચકચારી હત્યાકાંડના મૂળને સમજવા માટે 19 વર્ષ પાછળ જવું પડે તેમ છે. વર્ષ 2004માં શરૂ થયેલી એક અદાવતને ઉમેશ પાલની હત્યા સાથે જોડવામાં આવી રહી છે. 2004માં રાજૂ પાલે પૂર્વ સાંસદ અતિક અહેમદની સત્તાને પડકાર આપ્યો અને અતિક અહેમદના સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેની વિધાનસભાની ખાલી પડેલી ભેટક પર અતિકના ભાઈ અઝીમ ઉર્ફે અશરફને હરાવી ચૂંટણીમાં જીત મેળવી હતી. આ જીત બાદ રાજૂ પાલ સાથે અતિકની દુશ્મની શરૂ થઈ જેની કિંમત 25 જાન્યુઆરી 2005માં રાજૂ પાલને ચૂકવવી પડી. આ દિવસે રાજૂ પાલને ધુમનગંજ વિસ્તારમાં ચારે તરફથી ઘેરી લઈ ગોળીઓથી વિંધી નાખી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ હુમલામાં સંદિપ યાદવ તેમજ દેવીલાલ પણ મોતને ભેટ્યા હતા. આ મામલો ચકચારી બનતા તપાસ સી.આઈ.ડી.ને અને બાદમાં સી.બી.આઈ.ને સોંપવામાં આવી. બાદમાં સી.બી.આઈ.એ કેસની તપાસ કરી પૂર્વ સાસંદ અતિક અને તેના ભાઈ અશરફ સહિત દસ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશિટ દાખલ કરી હતી. આ કેસમાં અતિક અહેમદ અમદાવાદ જેલમાં જ્યારે અશરફ બરેલી જેલમાં કેદ કરવામાં આવ્યો છે.
પૂર્વ ધારાસભ્ય રાજૂ પાલની હત્યા કેસમાં તેનો મિત્ર ઉમેશ પાલ એકમાત્ર સાક્ષી હતો જે અતિક વિરૂધ્ધ ન્યાયની લડાઈ લડી રહ્યો હતો. આ કેસની સૂનવણી દરમિયાન મૃતક રાજૂ પાલની પત્ની પૂજા પાલે પણ પીછે હટ કરી પણ ઉમેશ પાલ નિર્ભય બની ઉભો રહ્યો હતો. વર્ષ 2005થી લઈ વર્ષ 2023 સુધી ઉમેશ પાલ એકલપંડે અતિક અહેમદનો સામનો કરી રહ્યો હતો. ઉમેશ પાલને તેની કિંમત 24 ફેબ્રુઆરી 2023ના રોજ ચૂકવવી પડી અને અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યારાઓએ જાહેરમાં તેની હત્યા કરી નાખી હતી. માનવામાં આવે છે કે આ હત્યાકાંડ પાછળ પણ અતિક અહેમદ અને તેની ગેંગનો જ હાથ છે કારણ કે છ સપ્તાહમાં જ આ કેસનો ચૂકાદો આવે તેમ હતો.
પૂર્વ ધારાસભ્ય રાજૂ પાલ હત્યા કેસની સૂનવણી ચાલતી હતી દરમિયાન 11 જુલાઈ 2016ના રોજ રાજરૂપપુરમાં જીતેન્દ્ર પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવી. આ હત્યા કેસમાં જીતેન્દ્ર પટેલની માતા સૂરજકલીએ ઉમેશ પાલ અને તેના ભાઈ વિરૂધ્ધ હત્યા અને ઠગાઈનો ગુનો નોંધાવ્યો હતો. આ સમયે અતિક અહેમદ અને તેની ગેંગ ઉમેશની ધરપકડ કરાવવા માટે જોર લગાવી રહી હતી. દરમિયાન રાજૂ પાલ હત્યાકાંડ મામલે હાઈકોર્ટનો ચૂકાદો આવ્યો અને સી.બી.આઈ.ની તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. બાદમાં આ હત્યા કેસમાં પૂર્વ સાંસદ અતિક અહમદ અને તેના પૂર્વ ધારાસભ્ય ભાઈ અશરફ, ઝુલ્ફિકાર ઉર્ફે તોતા, અકરમ, આસિફ ઉર્ફે દુર્રાનીને પોલીસે આરોપી બનાવ્યા અને ચાર્જશીટ દાખલ કર્યું. આ કહાની આટલે જ નથી અટકતી. વર્ષ 2022માં ઉમેશની ફરિયાદ પરથી મૃતક જિતેન્દ્ર પટેલની મા સૂરજકલી પર ખોટી માહિતી આપવાના આરોપ સાથે પોલીસે આરોપ પત્ર રજૂ કર્યું. આ પહેલા ઉમેશ પાલને અતિક અહેમદને જેલમાંથી ફોન કરી ધમકી આપી હતી. આ ધમકી મામલે અતિક અને તેના સાગ્રીતો વિરૂધ્ધ ધુમનગંજ પોલીસ સ્ટેશનમાં ખંડણી અને હત્યાકેસની લડાઈના કારણે ધમકી આપવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
25 જાન્યુઆરી 2005માં રાજૂ પાલને ધુમનગંજમાં ગોળીઓથી વિંધી નાખવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. જેની જુબાની આપવા બદલ તેમને ધમકી મળી હતી. કથિત રીતે અતિકે ઉમેશ પાલને જુબાની આપતા રોકવા માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. જાહેરમાં ધમકી, મારપીટ અને અપહરણને કારણે એક સમયે ઉમેશ પણ કેસમાં પાછીપાની કરવા લાગ્યો હતો. પરંતુ સત્તા પરિવર્તન થયું અને બસપાની સત્તા આવતા ફરી ઉમેશ પાલે હિંમ્મત બતાવી અપહરણની ફરિયાદ કરી. આ કેસમાં અતિક અને તેની નજીકના લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી. આ કેસનો ચૂકાદો જ નજીકના સમયમાં આવવાનો હતો.
ઉલ્લેખનીય છે કે, અતિકના પરિવારના પાંચ લોકો જેલમાં કેદ છે. જેમાં અતિક અહેમદ અમદાવાદ જેલમાં, તેનો ભાઈ અશરફ બરેલી જેલમાં, મોટો દિકરો ઉમર દેવરિયા જેલ કાંડમાં લખનૌ જેલમાં અને બીજો દિકરો અલી નૈની જેલમાં કેદ છે. બાકીના ત્રણ પુત્રો તેની માતા શાઈસ્તા પરવીન સાથે ચકિયા ગામમાં રહે છે. હાલમાં થયેલા ઉમેશ પાલ હત્યાકાંડ કેસમાં પોલીસે ચકિયામાં પણ દરોડા કર્યા હતા. અને અતિકના પુત્ર અહઝમ અને આબાન સહિત તેના કેટલાક મિત્રોની પણ અટકાયત કરી લીધી હતી. હાલ તેના ત્રીજા પુત્રની શોધખોળ ચાલી રહી છે.
હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, અતિક અહેમદનું ઉમેશ પાલ હત્યાકાંડ સાથે શું કનેક્શન છે? કેવી રીતે તે આરોપીઓ સાથે સંપર્ક કરતો હતો? મહત્વની વાત છે કે, ઉમેશ પાલના ઘર પાસે આવેલી ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં એક યુવક રિમોટ ખરીદી રહ્યો હતો. દરમિયાન ઉમેશ પાલ ત્યાં પહોંચ્યા અને દુકાને રહેલા યુવકે પિસ્ટલ કાઢી ફાયરિંગ કરવા લાગ્યો હતો. દરમિયાન અન્ય યુવકો પણ ઘસી આવ્યા અને ધડાધડ ફાયરિંગ અને સ્મોક બોમ્બ ફેંકવા લાગ્યા હતા. ધૂમાડો અને ફાયરિંગની ઘણઘણાટીને પગલે ભયનું વાતાવરણ સર્જાતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








