Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadમેક્સિકોની દિવાલ પરથી મોતને ભેટેલા દિકરાના બાપે મૃતદેહ પણ નથી જોઈતો કહી...

મેક્સિકોની દિવાલ પરથી મોતને ભેટેલા દિકરાના બાપે મૃતદેહ પણ નથી જોઈતો કહી દીધું પણ, નિર્લિપ્ત રાયે કેસ ઉકેલી નાખ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Kalol man death on US-Mexico border : એક વૃધ્ધ પિતા માની રહ્યા હતા કે તેમનો પુત્ર, પુત્રવધુ અને પૌત્ર વિદેશ ફરવા ગયા છે અને અઠવાડીયામાં પાછા ફરશે. પણ વૃધ્ધ પિતાને માલૂમ ન હતું કે તેનો પુત્ર હવે ક્યારેય પાછો નહીં ફરે. પિતાએ વિચાર પણ ન કર્યો હોય તેવી કરૂણાંતિકા સર્જાઈ અને તેમનો દિકરો મોતને ભેટ્યો. પણ આ ઘટના પાછળ સત્ય કંઈક અલગ હતું. કારણ કે તેમનો દિકરો બ્રીજકુમાર પરિવાર સાથે ફરવા માટે નહીં પણ તુર્કી થઈ મેક્સિકો અને ત્યાંથી સરહદની દિવાલ કુદી અમેરીકામાં (US-Mexico Border) પ્રવેશ કરવા નિકળ્યો હતો. પણ દિવાલ કુદવા સમયે તે પરિવાર સાથે દિવાલ પરથી પટકાયો અને મોટને ભેટ્યો. આ મામલે ગુજરાત SMCના વડા નિર્લિપ્ત રાય (SP Nirlipt Rai) અને ડી.વાય.એસ.પી. કે.ટી. કામરીયાને (DySP K T Kamariya)તપાસ શરૂ કરવાના આદેશ થયા અને ખુબ મુશ્કેલીઓ છતાં પણ કોયડો ઉકેલી આજરોજ આરોપીને ઝડપી લીધા છે.

આ ઘટનાની શરૂઆત 24 ડિસેમ્બર 2022 થી સમાચાર પત્રમાં છપાયેલા સમાચારથી થાય છે. સમાચાર પત્રમાં છપાયું હતું કે મેક્સિકોની બોર્ડર પર દિવાલ પરથી પડવાના કારણે ગુજરાતી યુવાનનું મોત થયું છે. આ પ્રકારના સમાચાર આમ તો સામાન્ય લાગે તેવા હતા પણ ગુજરાત પોલીસના તત્કાલીન વડા આશીષ ભાટીયાએ તેને ગંભીરતાથી લીધા હતા. તેમણે ગુજરાત SMCના વડા નિર્લિપ્ત રાયને આ મામલે તપાસના આદેશ આપ્યા અને તપાસનો ધમધમાટ શરૂ થયો. પણ તપાસ માટે નિકળેલી SMCની ટીમ પાસે રહેલી ખુબ ઓછી માહિતી પાછળ વેલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ હતો. SMCની ટીમ મૃતક બ્રીજકુમારના પિતા દક્ષીણીપ્રસાદ યાદવને મળવા છત્રાલ જાય છે અને પુછપરછ કરે છે. પિતા દક્ષીણી પ્રસાદે તેમનો પુત્ર સપ્તાહ માટે વિદેશ ફરવા ગયો હોવાનું માનતા હતા તેઓ અજાણ હતા કે તેમનો દિકરો દુનિયા છોડી ચૂક્યો છે તે ક્યારેય પરત નહીં ફરે.

- Advertisement -

પિતાની તપાસ દરમિયાન SMCના મનમાં અનેક સવાલો હતા પણ મુખ્ય સવાલ હતો કે કેવી રીતે કોઈ 15 હજારનો પગારદાર માણસ વિદેશ પ્રવાસે જઈ શકે? પરંતુ આ સમય સવાલ-જવાબ કરતા બાપને તેમના દિકરાનો મૃતદેહ પરત મળે તે હતો. SMCએ પિતાને રાજ્ય સરકારના ખર્ચે મેક્સિકોથી બ્રીજરાજનો મૃતદેહ લાવી આપવાની બાંહેધરી આપી અને મેક્સિકોના અધિકારીઓ સાથે સંપર્કો શરૂ કર્યા. બાપ દક્ષીણીપ્રસાદ દિકરા બ્રીજકુમારના મૃતદેહને પરત મેળવા પહેલા તો તૈયાર થયા પણ કાગળ તૈયાર કરવા સમયે તેમણે અસ્વિકાર કરતા કહ્યું, ‘મારા પુત્રનો મૃતદેહ તેની પત્ની પૂજાને જ સોંપી દેવામાં આવે.’ SMCના અધિકારીઓને કબુતર બાજીનો કિસ્સો હોવાની શંકા ઘેરાવા લાગી હતી અને માટે તપાસને આગળ વધારવાનો નિર્ધાર કરવામાં આવ્યો.

આ પણ વાંચો: કલોલના પરિવારને ગેરકાયદે અમેરિકા ઘૂસાડવાના કેસમાં સ્ટેટ મોનિટરીંગ સેલની કાર્યવાહી

મહિનાઓથી ચાલતી આ તપાસમાં પોલીસે મેક્સિકો ગયેલા પરિવારની ઝીણવટભરી માહિતીઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું પણ કોઈ કડી મળતી ન હતી. દરમિયાન તેમણે પરિવારે વિદેશ જવા માટે કેવી રીતે વિઝા મેળવ્યા અને ક્યાંથી ટિકીટ બુક કરાવી તેની વિગતો એકઠી કરી. જેમા ખુલ્યું કે 7 વ્યક્તિઓ અમદાવાદના ઘાટલોડીયાની અક્ષત ટ્રાવેલ્સ એજન્સીમાં ટિકીટ બુક કરવા ગયા હતા. તેમણે ત્યાંથી 18 નવેમ્બર 2022ના દિવસની કુલ 4 ટિકીટ અમદાવાદથી મુંબઈની ટ્રેન માટે બુક કરાવી હતી જ્યારે 3 ટિકીટ મુંબઈથી તુર્કી માટે રિટર્ન ટિકીટ બુક કરાવી પ્રવાસ કર્યો હતો. સાથે જ પોલીસને જાણવા મળ્યું કે તેમણે વિઝા માટે રાજકોટ જેતપુર રોડ પર શિવ એન્ટરપ્રાઈનું પેઢીનામું મુક્યું હતું અને ગાંધીનગર યુનિયન બેંકની 10 લાખની ફિક્સ્ડ ડિપોઝીટ પણ બતાવી હતી. પરંતુ તપાસ કરતા શિવ એન્ટપ્રાઈઝ અસ્તિત્વમાં જ નથી અને બેંકની એફ.ડી. પણ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. SMCને કડીઓ જોડવા લાગ્યું અને એજન્ટોની માહિતી સામે આવવા લાગી હતી. 7 એજન્ટોની માહિતી SMCને મળી કે જે આ કબુતરબાજીના કારસ્તાન પાછળ હતા પણ તમામના મોબાઈલ ફોન બંધ થઈ ગયા હતા.

આરોપીને પકડી લેવા ખુબ ધીરજથી કામ પાર પાડવું પડશે તે SMC જાણી ગઈ હતી અને તેમણે આ માટે યુક્તિ અજમાવી. તેમણે આ કેસને જાણે બંધ કરી દિધો હોય તેમ તપાસને આટોપી લીધી અને તેમનો આ કિમીયો કામ કરી ગયો. 7 બંધ થયેલા મોબાઈલ નંબરો પૈકીના 2 મોબાઈલ નંબર શરૂ થયા. આરોપીઓને લાગ્યું કે પોલીસ હવે મામલાને ભૂલી ગઈ છે હવે તેઓ આઝાદ છે. બસ આ જ તકની રાહ SMC જોઈ રહી હતી અને તેવું જ થયું. આરોપી સાહિલ વ્યાસ અને સૌરભ પટેલે ફોન ચાલુ કરતા જ તેઓ SMCની રડારમાં આવી ગયા અને તેમની ધરપકડ કરી લેવામાં આવી.

- Advertisement -

આરોપી મળી ગયા હતા માટે હવે ગુનો દાખલ કરવાનો વખત આવી ગયો હતો. જેથી SMCએ ગુજરાતના ડી.જી.પી. વિકાસ સહાયને જાણ કરી અને ગુનો દાખલ કરવાની મંજૂરી માગી હતી. વિકાસ સહાયે પણ ક્ષણનો વિલંબ કર્યા વિના મંજૂરી આપી અને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ SMC આરોપીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કબુતરબાજીના આ કામમાં કેટલા લોકો સંડોવાયેલા છે અને કેટલા લોકોને આ પ્રકારે તેમણે વિદેશમાં ઘુસરખોરી કરાવી છે. માટે આગામી સમયમાં આ પ્રકરણ પણ ડિગુંચાના પરિવારના પ્રકરણની માફક નવા નવા ઘટસ્ફોટો સાથે સામે આવે તેવી શક્યતાઓ જણાય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular