Thursday, April 16, 2026
HomeGujarat'મારે નરેન્દ્ર મોદી-અમિત શાહ અને સી આર પાટીલ સાથે કોઈ જમીન વિવાદ...

‘મારે નરેન્દ્ર મોદી-અમિત શાહ અને સી આર પાટીલ સાથે કોઈ જમીન વિવાદ નથી’

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): થોડા વર્ષો પહેલાની વાત છે, હું અમદાવાદના એક અખબારમાં ફરજ બજાવતો હતો, બપોરનો સમય હતો મને એક સિનિયર પત્રકારનો ફોન આવ્યો કે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક ક્રાઈમની ઘટના ઘટી છે, ત્યાં ક્રાઈમ રિપોર્ટર્સ પોતાની ફરજના ભાગ રૂપે પહોંચ્યા ત્યારે એક સિનિયર આઈપીએસ અધિકારી એક પત્રકાર સાથે અશોભનીય ભાષામાં વાત કરી, વાત સાંભળતા જ મને ગુસ્સો આવ્યો હું તરત મારું બાઈક લઈ પહોંચી ગયો, ઘટના મોટી હોવાને કારણે એકસો કરતા નાના મોટા પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતા. મેં બાઈક ઊભુ રાખતાની સાથે પત્રકાર સાથે દુરવ્યવહાર કરનાર આઈપીએસ અધિકારી સાથે તેમની જ ભાષામાં વાત કરવાની શરૂઆત કરી, મામલો તંગ બન્યો હું પણ ગુસ્સામાં અને પોતાના જ સ્ટાફ સામે મેં પેલા આઈપીએસ અધિકારીનો તેમને સમજાય તેવી ભાષામાં ઉઘડો લઈ નાખ્યો હોવાને કારણે તેઓ પણ ગુસ્સામાં હતા. જો કે કેટલાક સમજદાર પોલીસ અધિકારીઓ અને પત્રકારોએ મામલો શાંત પાડ્યો. આ ઘટના પછી થોડીવાર પછી જે પત્રકાર સાથે દુરવ્યવહાર થયો હતો તે મારી પાસે આવ્યા તેમણે મને પુછ્યું કેમ ગુસ્સે થઈ ગયા? મેં કહ્યું તારી સાથે જે થયું તે બરાબર ન્હોતું, તેણે મને કહ્યું મને તેનું કાંઈ ખરાબ લાગ્યુ નથી.

આ ઘટના મને એટલા માટે યાદ આવી કે હું અમદાવાદના નવજીવન ટ્રસ્ટમાં પત્રકારત્વ ભણાવવાનું કામ કરું છું, નવી બેચમાં અભ્યાસ કરવા આવેલા સુરત પાસેના કોસંબાના બીલાલ અને અમદાવાદના પ્રજ્ઞેશ રાવલે મને સવાલ કર્યો કે તમે પહેલા જેટલા આક્રમક હતા એટલા હવે કેમ નથી? આવો સવાલ મને પહેલી વખત પુછવામાં આવ્યો નથી, મેં મારા મનને શાંત કરતા કહ્યું જે પ્રજા જ લડવા માગતી નથી, તે પ્રજા માટે મારે લડવું નથી. અમદાવાદમાં હમણાં નરેન્દ્ર મોદી આવ્યા હતા, અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર એક સરસ બ્રીજ બનાવવામાં આવ્યો છે જેનું નામ અટલ બ્રીજ છે. જે જોવા માટે મીનિટના 1 રૂપિયા લેખે ત્રીસ મીનિટના ત્રીસ રુપિયા સહિત અલગ-અલગ ઉંમરના ધોરણ મુજબ ફિ પણ ચુકવવી પડે તેવો બ્રીજ છે. હજારોની સંખ્યામાં હવે લોકો આવે છે, બીબીસી ગુજરાતીમાં કામ કરતા યુવાન પત્રકાર સાગર પટેલે એક સરસ સ્ટોરી કરી, બ્રીજ જોઈ રહેલા લોકોના સાગરે ઈન્ટરવ્યુ કર્યા, એક ઉચ્ચ મધ્યમ વર્ગની વ્યકિતને સાગર સવાલ પુછે છે કેવી લાગણી થાય છે પેલી વ્યકિત જવાબ આપે છે કે નરેન્દ્ર મોદી છે તો જ આ શકય બન્યું છે. સાગર તરત બીજો સવાલ પુછે છે કે કોંગ્રેસ કહે છે કોંગ્રેસના શાસનમાં આઈઆઈટી, આઈઆઈએમ, એનઆઈડી અને ઈસરો જેવી સંસ્થા નિર્માણ પામી. પેલી વ્યકિત જવાબ આપે તે બધુ તો કચરો છે.

- Advertisement -

વાત એક વ્યકિતની નથી, દેશનો મોટો સમુદાય આવું જ માને છે. આ સમુદાયની બે તકલીફ છે. એક તરફ તેમને શાસક પક્ષ સાથે રહેવું છે. બીજી તરફ તેઓ પત્રકાર પાસે અપેક્ષા રાખે છે કે તમારે તો શાસનની ટીકા જ કરવાની છે. આપણને રોજગારી-મોંધવારી અને સ્કૂલના પ્રશ્ન કરતા હિન્દુ મુસ્લિમનો પ્રશ્ન મોટો લાગે છે. જે મિત્રો ભાજપના સમર્થક છે તેઓ મને પસંદ કરતા નથી, કારણ હું પત્રકારત્વની સ્કૂલમાં ભણ્યો છું અને ભણાવતો રહીશ કે પત્રકારે શાસનની ટીકા કરવાની છે. મને પસંદ નહીં કરનાર વર્ગ મને સવાલ પુછે કે તમે કોંગ્રેસની કેમ ટીકા કરતા નથી? આવો સવાલ કરનાર સામાન્ય બુધ્ધીનો ઉપયોગ કરે તો સમજાય કે જેઓ શાસનમાં હોય તેમને જ સવાલ પુછવાનો હોય છે. હું 1988માં પત્રકાર થયો 1995 સુધી કોંગ્રેસનું શાસન હતું ત્યારે હું ભાજપની ટીકા કરતો ન્હોતો કારણ મારૂં કામ શાસનમાં રહેલી કોંગ્રેસની ટીકા કરવાનું જ હતું. કોંગ્રેસ સામે મારું આક્રમક વલણ નરેન્દ્ર મોદી-અમિત શાહ અને સી આર પાટીલ સહિત ભાજપના નેતાઓને પસંદ પડતુ અને તેઓ મારી પીઠ થાબડતા હતા.

પરંતુ મારી પીઠ થાબડનાર સત્તામાં આવ્યા. સત્તામાં હોય તેમને સવાલ પુછનાર પત્રકાર પસંદ પડતા નથી. હું મારા વિદ્યાર્થીઓને તાલીમ આપતા કહું છું કે આપણે સ્ટેનોગ્રાફર નથી. આપણે પત્રકાર છીએ. એટલે સવાલ તો થવો જોઈએ અને સવાલ પુછવો જોઈએ. મને હમણાં એક અધિકારીએ મેસેજમાં કહ્યું તમે આવું શું કામ લખો છો કે જે મોટા સમુદાયને તે પસંદ પડતુ નથી? તમે શું કામ નારાજગી વહોરો છો? હું અને મારા જેવા પત્રકારો કોઈને ખુશ કરવા કે કોઈને દુખી કરવા લખતા નથી. મારે નરેન્દ્ર મોદી કે અમિત શાહ અને સી આર પાટીલ સાથે કોઈ ઝઘડો નથી. અમારા નામ સાતબારના ઉતારામાં સાથે નથી. તમામ નેતાઓ મને વ્યકિતગત ઓળખે છે. ગાંધીને વાંચ્યા અને સમજ્યા પછી મારામાં રહેલી કડવાશ પણ હવે રહી નથી. હું જેમની ટીકા કરું છું તેમના માટે પણ મનમાં અજાણતા કોઈ દ્વેષભાવ આવે નહીં તેની તકેદારી રાખુ છું બીજો સવાલ અહિયા આક્રમકતાનો છે, કે હવે તમે પહેલા જેવા આક્રમક નથી.

ઉંમર અને સમયની સાથે તમારે રમત અને યુધ્ધની ચાલ બદલવી પડે. જ્યાં સુધી આક્રમતાનો સવાલ છે ત્યાં સુધી આક્રમતા વ્યકિતગત કારણસર ન્હોતી અને નહીં હોય. લોકોને જ્યારે પરેશાની પડે ત્યાં કોઈ પણ પત્રકારને પીડા થવી જોઈએ. તેમાંથી આક્રમતાનો જન્મ થાય છે, પણ હવે લાગી રહ્યું કે પ્રજાને પીડા જ થતી નથી. જો માણસ એવું માને છે કે તેની કોઈ સમસ્યા જ નથી. તો તેમની સમસ્યા દુર કરવામાં તમે કેવી રીતે તેને મદદ કરી શકો. પહેલા પીડા થાય તો પીડાનો ઉકેલ મળશે. જેમને લડવું છે તેના માટે તમે લડશો, પણ જેમને પીડા જ થતી નથી અને લડવું જ નથી તો તેમના માટે હજારો પત્રકારો લડશે અને મરશે પણ તેનું કોઈ પરિણામ આવશે નહીં. અત્યારે સ્થિતિ દીવાલ સાથે માથુ પછાડવા જેવી છે. વાત માત્ર ગુજરાતની નથી, જ્યાં કોંગ્રેસ કે પછી બીજી પાર્ટી શાસનમાં છે ત્યાં પણ આવી જ સ્થિતિ છે. પત્રકારોને ટીકા કરવાની મોકળાશ આપવી કોઈ પણ પાર્ટીને પાલવે તેમ નથી. મનમાં સતત એક કોલાહલ રહે છે ત્યાં મને જાણિતા નવલકથાકાર અને મારા ગુરૂ અશ્વીની ભટ્ટના શબ્દો યાદ આવે છે કે, ક્રાંતિ કયારે ગરીબો કરતા નથી, ક્રાંતિ તો શ્રીમંતો જ કરે છે.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular