નવજીવન ન્યૂઝ. દાહોદઃ દાહોદમાં વર્ષ 2018ના અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. લીસમખેડા કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. ઉપરાંત જીલ્લા કાનુની સેવા સત્તા મંડળને દીકરીના માતા-પિતાને રૂ. 5 લાખની સહાય ચુકવવા હુકમ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદમાં વર્ષ 2018માં રણઘીકપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. જોકે આવું કૃત્ય કરનારું બીજી કોઈ નહીં પરંતું પરિવારનો જ સભ્ય હતો. અઢી વર્ષની ભત્રીજીને ખુદ તેના કાકા અપહરણ કરીને લઈ ગયા હતા બાદમાં અવાવરુ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ કરીને બાળકીની હત્યા કરી નાખી હતી.
16 સપ્ટેમ્બરના 2018ના રોજ બાળકી તેના દાદા સાથે રમી રહી હતી. આ દરમિયાન તેના કાકા વેફર આપવાના બહાને ભત્રીજીને લઈ ગયા હતા. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી હતી અને બાળકીની લાશને ફેંકી દીધી હતી. બાળકી ઘરે પરત ન આવતા પરિવારે રણઘીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદ પોલીસે નરાધમ કાકાને ઝડપી પાડી તેની પર દુષ્કર્મ, હત્યા અને પોક્સો સહિતની કલમ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ કોર્ટે આરોપીને કલમ 376 મુજબ 10 વર્ષની સજા અને કલમ 302, પોક્સો એક્ટ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.








