નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: પંજાબના ગેંગસ્ટરોની ફિલિપાઈન્સમાં ગેંગ વોરમાં મોત નિપજ્યું છે. મુસેવાલા હત્યા કેસના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડની વિરોધી ગેંગના મોટા ગેંગસ્ટરની આ ગેંગ વોરમાં હત્યાના સમાચાર છે. જે ગેંગસ્ટરની હત્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેનું નામ મનદીપ છે. મનદીપ બોમ્બાયા ગેંગનો સભ્ય હતો, જે ગોલ્ડી બરાડ ગેંગનો વિરોધી હતો. મનદીપ પંજાબનો રહેવાસી હતો અને ઘણા વર્ષોથી ફિલિપાઈન્સમાં રહેતો હતો અને ત્યાંથી ઓપરેટ કરતો હતો. ગેંગસ્ટર ગોલ્ડી બરાડે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હત્યાની જવાબદારી સ્વીકારી છે. આ સોશિયલ મીડિયા પોસ્ટ પંજાબ પોલીસના હાથમાં છે અને તેનું સત્ય જાણવા તપાસ ચાલી રહી છે.
બંને જૂથો વચ્ચે ઘણા સમયથી દુશ્મની ચાલી રહી હતી. આ પ્રકરણમાં ગેંગના ઘણા સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પંજાબનો રહેવાસી મનદીપ પણ આનો શિકાર બન્યો હતો. ફિલિપાઈન્સમાં દવિન્દર બોમ્બાયા ગેંગના ગેંગસ્ટર મનદીપની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે ફિલિપાઈન્સમાં બોમ્બાયા ગેંગ ચલાવતો હતો. મનદીપની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ-ગોલ્ડી બરાડ ગેંગે લીધી છે. તેનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યા લોરેન્સ ગેંગના ગેંગસ્ટર ગોલ્ડી બરાડના કહેવા પર કરવામાં આવી છે. ઓડિયોમાં એવી ધમકીઓ આપવામાં આવી રહી છે કે બોમ્બાયા ગેંગના સભ્યોને સિદ્ધુ મુસેવાલાની જેમ જ ભોગવવું પડશે.
મનદીપની હત્યા પછી લોરેન્સ-ગોલ્ડી ગેંગ શૂટર્સ મનપ્રીત મન્નુ અને જગરૂપ રૂપાની હત્યાનો બદલો લેવાની ધમકી આપે છે. સિદ્ધુ મુસેવાલાની હત્યા કરનારાઓમાં મન્નુ અને રૂપા પણ સામેલ હતા. જેઓ અમૃતસરમાં પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આ રેકોર્ડિંગ દીપક મુંડીના નામે વાયરલ થઈ રહ્યું છે. દીપક મુંડી મુસેવાલા હત્યા કેસમાં છઠ્ઠો શૂટર છે, જેને પોલીસ હજુ સુધી પકડી શકી નથી.
તમને જણાવી દઈએ કે પંજાબી સંગીત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતથી હચમચી ગઈ હતી જ્યારે 29 મે રવિવારના રોજ પ્રખ્યાત ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાના મૃત્યુના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. રવિવારના રોજ કેટલાક બદમાશો દ્વારા તેમની હત્યા કરી દેવામાં આવી હતી. આ ગેંગ વોરમાં સિદ્ધુ મુસેવાલાને ઘણી ગોળીઓ લાગી હતી. પંજાબી ગાયકને હોસ્પિટલમાં લઈ જતી વખતે તેનું મોત થયું હતું. હુમલાખોરોએ સિદ્ધુ મુસેવાલાના વાહન પર લગભગ 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગેંગ લીડર લોરેન્સ બિશ્નોઈએ આ હત્યાકાંડની જવાબદારી લીધી છે. ગેંગના નજીકના સહયોગી ગેંગસ્ટર ગોલ્ડી બરાડે ફેસબુક પોસ્ટ દ્વારા હત્યાની જવાબદારી લીધી છે.








