નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : બેવડા નાગરિકત્વના કેસમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi Dual Citizenship Case) ની મુશ્કેલીઓ વધી છે. રાહુલ ગાંધી પાસે બે દેશોની નાગરિકતા હોવાનો આરોપ લગાવતી અરજી મામલે અલાહાબાદ હાઇકોર્ટ (Allahabad High Court) માં સુનાવણી હાથ ધરાઈ હતી. જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ રાહુલ ગાંધી સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. રાહુલ ગાંધી ભારત સહિત અન્ય દેશનું નાગરિકત્વ ધરાવે છે અને તેની તપાસ થવી જોઈએ તેવી અરજીમાં માગ હતી. ભારતીય ન્યાય સંહિતા (BNS), ઑફિશિયલ સીક્રેટ્સ એક્ટ, ફૉરેનર્સ એક્ટ (Foreigners Act) અને પાસપૉર્ટ એક્ટ (Passport Act) હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે. આ મામલે હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને જાતે તપાસ કરવા અથવા કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના કાર્યકર્તા એસ.વિગ્નેશ શિશિરે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવા માટે લખનૌની સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટ (Lucknow Special MP-MLA Court) માં અરજી કરી હતી. અદાલતે ગત 28 જાન્યુઆરીએ અરજી ફગાવતા અરજદારે નીચલી અદાલતના આદેશને અલાહાબાદ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. અરજી ફગાવનાર નીચલી કોર્ટનું માનવું હતું કે, તેઓ નાગરિકતાને લગતા કેસમાં નિર્ણય લેવા માટે સક્ષમ નથી.








