નવજીવન ન્યૂઝ. અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી દેશમાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે ઘણા મહિનાઓ પછી ગુજરાતમાં ફરી પેટ્રોલનો ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. છેલ્લા 8 દિવસમાં 7મી વાર પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારવામાં આવ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લિટર 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદમા પેટ્રોલનો ભાવ 100.68 રૂપિયા થઈ ગયો છે અને ડિઝલનો ભાવ 94.88 રૂપિયા થઈ ગયો છે.
લોકોમાં થઈ રહેલી ચર્ચા મુજબ છેલ્લા પાંચ મહિનાથી દેશમાં અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી હોવાને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં કોઈ પણ પ્રકારનો વધારો જોવા મળ્યો ન હતો, તે સમયે વૈશ્વિક કક્ષાએ સતત ઈંધણના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. પરતું હવે જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે સતત 8 દિવસથી 7 વાર થોડો થોડો કરીને પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. 8 દિવસમાં પેટ્રોલમાં 5.57 રૂપિયા અને ડીઝલમાં 5.77 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ઈન્ડિયન ઓઈલના આંકડા મુજબ માર્ચમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર હતી. તેના અનુસાર કેન્દ્રની એક્સાઇઝ ડ્યૂટીનો હિસ્સો 27.90 રૂપિયા હતો અને દિલ્હી સરકાર દ્વારા વસૂલવામાં આવેલા વેટનો હિસ્સો 15.50 રૂપિયા હતો એટલે કે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલ પર ટેક્સ અને ડ્યુટીનો કુલ હિસ્સો 43.40 રૂપિયા એટલે કે 45.48 ટકા હતો. એટલે કે 100 રૂપિયાના પેટ્રોલ પર નાગરિકો 45 રૂપિયા ટેક્સ ભરતા હતા.
દેશના અન્ય શહેરોમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ
દિલ્હી – પેટ્રોલ 101.01 અને ડીઝલ 92.27
કલકત્તા – પેટ્રોલ 110.52 અને ડીઝલ 95.42
મુંબઈ – પેટ્રોલ 115.88 અને ડીઝલ 100.10
ચેન્નઈ – પેટ્રોલ 106.69 અને ડીઝલ 96.76
![]() |
![]() |
![]() |











