પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-7): Nadaan Series :પી.એસ.આઈ. ચૌધરીએ ગોપાલની આંખોમાં જોયું. ગોપાલે કહ્યું, “તેનું નામ સલીમ લાકડાવાલા. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહે છે. મારો જૂનો મિત્ર અને ભલો માણસ.”
ચૌધરીના ભવાં તણાયા. ગોપાલે તેને ભલો માણસ કહ્યું તે ચૌધરીને પસંદ પડ્યું નહીં. ગોપાલે પોતાની સમજ પ્રમાણે સ્પષ્ટતા કરતા કહ્યું, “સાહેબ, તે મુસ્લિમ છે, પણ તે માત્ર મારી સાથે જ નહીં; બધા સાથે સારો વ્યવહાર કરે છે. મેં પાલનપુર આવવાનો નિર્ણય કર્યો ત્યારે સલીમ નારાજ હતો. તેણે મને કહ્યું હતું કે, “અરે, અમદાવાદ છોડીને ક્યાં નાના શહેરમાં જાય છે?” તેણે મને બહુ સમજાવ્યો હતો કે, મારે અમદાવાદ છોડવું જોઈએ નહીં. પણ નિશીનો આગ્રહ હતો એટલે મારે પાલનપુર આવવાનું નક્કી હતું. સલીમ ગુસ્સે પણ થયો હતો, તેણે મને બૈરીનો ગુલામ પણ કહ્યો હતો.”
ચૌધરીએ ગોપાલને વચ્ચે અટકાવતા કહ્યું, “અરે ભાઈ, તારી જય-વીરૂની સ્ટોરી સાંભળવી નથી. સલીમ અત્યારે શું કરે છે તે બોલ.”
ગોપાલ શાંત થઈ ગયો. ફરી વખત તેને લાગ્યું કે, સલીમનું નામ બોલીને તેણે ક્યાંક ભૂલ તો કરી નથીને! ચૌધરી તેની સામે જોઈ રહ્યા હતા. તેમણે હવે સત્તાવાહી અવાજમાં પૂછ્યું, “સલીમ શું કરે છે?”
ગોપાલે સંકોચ સાથે કહ્યું, “સાહેબ, એ દારૂનો ધંધો કરે છે.”
ચૌધરીની આંખો ઝીણી થઈ. “દારૂનો ધંધો! દારૂનો ધંધો કરનાર ભલો માણસ છે?”
ગોપાલે કહ્યું, “ધંધો ભલે બે નંબરનો કરે છે, પણ માણસ તરીકે સો ટચનું સોનુ છે.”
ચૌધરી કંઈક વિચાર કરવા લાગ્યા. તેમણે પૂછ્યું, “સલીમ દારૂનો ધંધો કરે છે તો તારી બનાવટી કરન્સીના ધંધામાં કેવી રીતે આવ્યો?”
આ વાક્ય સાંભળતા જ ગોપાલે કહ્યું, “ના સાહેબ, સલીમ આ ધંધામાં નથી. તે તો દારૂનો જ ધંધો કરે છે.”
ચૌધરી કન્ફ્યૂઝ થઈ ગયા. તેમને સમજાતું જ નહોતું કે, સલીમ દારૂનો ધંધો કરે છે કે ફેક કરન્સીનો? ચૌધરીનો પનારો દિવસમાં આવા દસ ગોપાલ સાથે પડતો હતો. જેના કારણે મગજ ગરમ જ રહેતું હતું. તે એકદમ ઊભા થયા અને ચેમ્બરના ખૂણામાં પડેલી લાઠી ઉપાડી, અપશબ્દ બોલતા ગોપાલને મારવા ધસી ગયા. ગોપાલ ચૌધરી સાહેબનું આ સ્વરૂપ જોઈ ડરી ગયો. તેણે “ના સાહે…બ” કહી ચીસ પાડી.
પોતાની તરફ આવી રહેલી લાઠી પકડી લીધી. ગોપાલની બૂમ સાંભળી પેલા પોલીસ દાદા એકદમ અંદર દોડી આવ્યા. દાદાને જોતા ચૌધરીએ કહ્યું, “દાદા, તમે તો કહેતા હતા કે, આ છોકરો સારો છે; પણ આ તો મને મૂરખ સમજે છે.”
દાદાએ ગોપાલ સામે જોયું. ગોપાલની આંખમાંથી ડરને કારણે આંસુ વહી રહ્યા હતા. દાદા બધું જ સમજી ગયા. તેમણે ચૌધરી સાહેબના હાથમાં રહેલી લાઠી લઈ લીધી અને કહ્યું, “સાહેબ તમારું બી.પી. શું કામ વધારો છો? હું વાત કરી લઉં છું. તમે બેસો.”
ચૌધરી પોતાની ખુરશી ઉપર જઈને બેઠા. દાદાએ એક વખત સાહેબ સામે, બીજી વખત ગોપાલ સામે જોયું. ચૌધરીએ થોડી નારાજગી સાથે કહ્યું, “દાદા, તેની સાથે એક સલીમ પણ આ ધંધામાં છે. હું તેને સલીમ માટે પૂછી રહ્યો છું. તે મને ગોળ ગોળ ફેરવે છે.”
ગોપાલે ડરતાં ડરતાં માથું હલાવી દાદાને કહેવાનો પ્રયત્ન કર્યો કે, ના દાદા હું ગોળ ગોળ નથી ફેરવતો. દાદા હજી ઊભા હતા. તેમની નોકરી ચૌધરી સાહેબ કરતા વધારે હતી, પણ ચૌધરી સાહેબ પી.એસ.આઈ. હતા અને દાદા જમાદાર; એટલે સાહેબનો ન થાય આદેશ થાય ત્યાં સુધી ખુરશીમાં બેસી શકાય નહીં. પણ ચૌધરી પોતાના જૂના પોલીસવાળાનાં કૌવતને જાણતા હતા. એટલું જ નહીં, તેની કદર પણ કરતા હતા.
તેમણે દાદાને ખુરશી તરફ ઇશારો કરી બેસવાનું કહ્યું. દાદાએ પી.એસ.આઈ.નાં ટેબલ સામે રહેલી ખુરશી ગોપાલનો ચહેરો જોઈ શકાય તેવી રીતે ગોઠવી. ખુરશી પર બેસતાં કહ્યું, “બેટા બોલ, સલીમનો શું રોલ છે?”
ગોપાલને પોલીસ સ્ટેશનમાં લાવ્યાને હજી બે દિવસ જ થયા હતા; પણ ગોપાલને લાગી રહ્યું હતું કે, તે મહિનાઓથી અહીંયા છે. પરંતુ જ્યારે દાદાએ તેને બેટા કહ્યું; ત્યારે ગોપાલને લાગ્યું કે, તેના પપ્પા જ તેની સાથે વાત કરી રહ્યા છે. ગોપાલ થોડો ભાવુક થઈ ગયો. સાથે દાદાનો પ્રશ્ન પણ ગોપાલ સારી રીતે સમજી ગયો. તેણે દાદાને કહ્યું, “સાહેબ આમ જુઓ તો તેનો ખાસ રોલ નથી. પણ જ્યારે મારી દુકાન બરાબર ચાલી રહી નથી તેવી ખબર સલીમને પડી; ત્યારે બે મહિના પહેલાં તે મને મળવા પાલનપુર આવ્યો હતો. તેણે મને કહ્યું હતુ કે, “ભાઈ આમ કંઈ પૈસા મળે નહીં. ચલ મેરે દારૂ કે ધંધેમાં આ જા. હોમ ડીલીવરી કા કામ અચ્છા હૈ.”
ગોપાલને દાદા ઉપર ભરોસો હતો, એટલે એક ક્ષણ શ્વાસ લેવા માટે રોકાઈને કહ્યું, “સાહેબ ખોટું નહીં બોલું, અમદાવાદ રહેતો હતો ત્યારે સલીમના ગ્રાહકને બોટલ આપવા હું પાંચ-સાત વખત ગયો પણ હતો. સલીમે મને તેના પૈસા પણ આપ્યા હતા. પણ સાચું કહું તો મને પોલીસનો ખૂબ ડર લાગતો. એટલે મેં તેને દારૂનો ધંધો કરવાની ના પાડી હતી.
સલીમ મને મળવા મારી દુકાને આવ્યો હતો. તેનું મગજ એટલે શેતાનનું કારખાનું. તેણે મારી દુકાનમાં રહેલા પ્રિન્ટર સામે જોતાં જ પૂછ્યું હતું કે, “આ શું છે?”
મેં કહ્યું, પ્રિન્ટર છે. સલીમ એકદમ કૂદી પડ્યો અને મને કહ્યું, “મૂરખ, તારી પાસે નોટો છાપવાનું મશીન છે. તું મૂરખની જેમ પૈસા માટે વલખા મારે છે.” સાહેબ, મને એની કોઈ વાત સમજાઈ નહીં. તેણે મને કહ્યું, “તારું નસીબ બદલાઈ જશે.” અને હું એની વાતમાં આવી ગયો. એણે મને પૈસાદાર થવાનું સ્વપ્ન બતાવ્યું હતું. હું કરન્સી છાપવા માટે તૈયાર થયો. મને કંઈ જ આવડતું નહોતું. સલીમ ક્યારેય સ્કૂલે ગયો નથી, પણ કોમ્પ્યુટરનો એક્સપર્ટ છે.
તેણે મને ગૂગલમાં કઈ રીતે પ્રિન્ટર ઉપર નોટ છાપી શકાય તેના વીડિયો બતાવ્યા. મને લાગ્યું કે, આ તો બહુ સહેલું છે.”
આખી વાત ચૂપચાપ સાંભળી રહેલા ચૌધરીએ અચાનક ગોપાલને પૂછ્યું “તું પકડાઈ ગયો છે, એની સલીમને ખબર છે?”
ગોપાલે વિચાર કર્યો અને કહ્યું, “કદાચ ખબર નહીં હોય.”
ચૌધરીએ દાદા સામે જોયું. દાદા સમજી ગયા અને એકદમ ઊભા થઈ ચેમ્બરની બહાર ગયા. ચેમ્બરમાં ચૌધરી અને ગોપાલ જ હતા. દાદા તરત પાછા આવ્યા. તેમના હાથમાં પી.એસ.ઓ. પાસે જમા કરાવેલો ગોપાલનો ફોન હતો. ફોન ઓન કર્યો અને ગોપાલ તરફ ફોન મૂકતા કહ્યું, “સલીમને ફોન લગાવ. સ્પીકર ઓન રાખજે. તેને શંકા ન જાય કે તું પોલીસ સ્ટેશનમાં છે. તેને મળવા બોલાવ.”
દાદાએ ચૌધરી સામે જોયું. ચૌધરીના ચહેરા પર સ્મિત હતું. ગોપાલે ફોન ડાયલ કર્યો. ફોન સ્પીકર પર હોવાને કારણે ચેમ્બરમાં બધા જ રિંગ સાંભળી શકતા હતા. થોડીક રિંગ પછી સલીમે ફોન ઉપાડીને પૂછ્યું, “બોલ મેરે ભાઈ, બહુત દિનો કે બાદ યાદ કીયા.”
ગોપાલે દાદા અને ચૌધરી સામે એક નજર કરતા કહ્યું, “અરે સલીમડા, તું પણ મને ક્યાં યાદ કરે!
સલીમે ઉત્તર આપ્યો, “અરે ભાઈ, અમદાવાદના પોલીસવાળાની તો તને ખબર છે. સાલા હપ્તાખાઉં…”
સલીમ પોલીસને ભાંડી રહ્યો હતો. ગોપાલને થયું કે, ફોન કાપી નાખે; પણ તેવું તે કરી શકે તેમ નહોતો. સલીમે કહ્યું, “અરે, ગયા મહિને દરિયાપુરનો વહીવટદાર હપ્તો લઈ ગયો અને ચોકીવાળાએ મારી પર કેસ કરી દીધો…” સલીમ સતત બોલ્યા કરતો હતો.
ચૌધરીએ ગોપાલને ઈશારામાં કહ્યું, “તેને પાલનપુર બોલાવ.”
ગોપાલે તેની વાત કાપતા કહ્યું, “અરે સલીમ, પેલા પ્રિન્ટરમાં કંઈક ગરબડ છે. અડધી જ નોટ પ્રિન્ટ થાય છે.”
સલીમ જાણે કોઈ કંપનીનો એન્જિનિયર હોય તેમ કહ્યું, “કોઈ ચિંતા નહીં. આવતીકાલે મારે અજમેર શરીફ જવાનું છે, તો પહેલાં તારે ત્યાં આવીને પછી અજમેર જઈશ.”
દાદાએ ગોપાલ પાસેથી ફોન લઈને તરત કટ કરી નાખ્યો. દાદા અને ચૌધરીના ચહેરા પર એક લુચ્ચું સ્મિત હતું. પણ પોલીસનું કામ જ કંઈક આવું હોય છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
૪. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા (કિંમત રૂ. ૫૦૦)
૫. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમત રૂ. ૩૦૦)
૬. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા (કિંમત રૂ. ૩૦૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.








