Monday, May 13, 2024
HomeGujarat‘એક યાત્રા બે વૃત્તાંત’: સ્વામી આનંદ અને કાકાસાહેબનાં હિમાલયનો પ્રવાસ એક સાથે…

‘એક યાત્રા બે વૃત્તાંત’: સ્વામી આનંદ અને કાકાસાહેબનાં હિમાલયનો પ્રવાસ એક સાથે…

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સ્વામી આનંદ અને કાકા કાલેલકર ગુજરાતી ભાષાના બે ગદ્યસ્વામી છે. ગુજરાતીમાં આ બંને ગદ્યસ્વામીના વિપુલ લખાણો છે. અડધી સદી પૂર્વે લખાયેલાં આ લખાણો આજેય રસપૂર્વક વંચાય છે અને તેથી નવાંનવાં સ્વરૂપે તેમનાં લખાણો મૂકાતાં રહ્યા છે. હાલમાં ‘નવજીવનNavajivan Trust દ્વારા આ બંનેનાં લખાણો સાંકળીને ‘એક યાત્રા બે વૃત્તાંત’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકના સંપાદક અપૂર્વ આશર છે અને તેમણે આ બંને મહાનુભાવોના હિમાલયના લખાણોને એક સાથે મૂકી આપ્યા છે. આવું કરવાનું કારણ એટલું કે આ બંનેએ એક સાથે હિમાલયનો પ્રવાસ કર્યો અને પછી અલગ-અલગ સમયે પોતાના પ્રવાસ અનુભવ લખ્યાં હતાં. ‘એક યાત્રા બે વૃત્તાંત’માં કાકાસાહેબ અને સ્વામીનો હિમાલય પ્રવાસ એક સાથે વાંચવા મળશે. સંપાદક અપૂર્વ આશર હિમાલયના આ બે વૃત્તાંતને એકમેકના પૂરક ગણે છે અને એટલે જ તેમણે બંનેનો પ્રવાસ એકસાથે કેવી રીતે ચાલે છે અને ક્યાં તેમના પ્રવાસ અનુભવમાં ભેદ છે ‘ક્રોસ રેફરન્સ’થી મૂકી આપ્યા છે.

કાકાસાહેબનું ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તક જાણીતું છે અને તેમણે આ પ્રવાસને અદ્વિતિય રીતે શબ્દોમાં ઉતાર્યો છે. હિમાલયનું તેઓ એક ઠેકાણે વર્ણન કરતાં લખે છે કે, “હિમાલય આર્યોનું આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીઓને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતનાં સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે, સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે, કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે.”

- Advertisement -
Swami Anand and Kakasaheb's journey to the Himalayas together
Swami Anand and Kakasaheb’s journey to the Himalayas together

કાકાનાં ગદ્યનો આ પરથી અંદાજ લગાવી શકાય. કાકાસાહેબની જેમ સ્વામી હિમાલય માટે પુસ્તકની પ્રસ્તાવનામાં આમ લખે છે : “હિમાલય – નિસર્ગદેવતાનું ક્રીડાસ્થાન, મંત્રદ્રષ્ટા ઋષિઓની એ અજરામર તપોભૂમિ, ભારતવર્ષના પ્રાચીન ગૌરવનો એ સાક્ષી– ઝળહળતા સ્ફટિકશુભ્ર બરફથી હજુ પણ એવો ને એવો છવાયેલો છે. માનવી પાદસ્પર્શના દૂષણથી નિરંતર મુક્ત રહેતાં એનાં હિમશિખરો બાલસૂર્યનાં કોમલ કિરણોમાં પ્રભાતે સોનાનાં હોય એવાં ચમકે છે અને વિશ્વના હિત ખાતર પોતાનું સ્વાતંત્ર્ય જતું કરી, યાંત્રિક આયુષ્યક્રમ સ્વીકારી આખા દિવસ દરમિયાન અર્ધખગોળનો પ્રવાસ કરી શ્રાંતચિત્તે આથમી જતા ભગવાન સવિતાનાં આરક્ત કિરણોની પ્રભામાં એ શિખરો સાંજે પણ સોનેમઢ્યાં હોય એવાં જ લાગે છે.”

સહયાત્રીઓના આ અનુભવ વિશે ‘એક યાત્રા બે વૃત્તાંત’નાં સંપાદક પુસ્તકના ઉપક્રમ વિશે લખે છે કે, “હિમાલયનો કોઈ યાત્રી એક સવારે ઊઠીને જુએ કે કાલે રાત્રે ધુમ્મસ અને વાદળોથી ઢંકાયેલું એક શિખર ધુમ્મસ હઠવાથી હવે દૃશ્યમાન થયું છે. કાલે જ્યાં શિખર દેખાતું હતું ત્યાં હવે બે શિખરોનાં દર્શન થઈ રહ્યાં છે. તો ત્યારે એ ભાગ્યશાળી બે શિખરોની તુલના કરવા બેસે કે આંખ ભરીને એ સૌંદર્યને માણવાનું પસંદ કરે? બસ આટલી જ વાત ‘આ સંયુક્ત આવૃત્તિ શા માટે?’ના કારણરૂપે…”એ પછી સંપાદકીયમાં અપૂર્વભાઈ આ સંપાદનની યાત્રા કેવી રીતે આરંભાઈ તે વિશે લખે છે કે, “1912માં થયેલી આ યાત્રા(હા, બંને યાત્રીઓએ એમનાં બયાનોમાં યાત્રા જ શબ્દ પ્રયોજ્યો છે)નું વૃત્તાંત સ્વામી આનંદે તે જ વર્ષે લખવાનું શરૂ કરી ક્રમશ: 1916 સુધીમાં પૂરું કર્યું. પણ એ જ ગ્રંથસ્વરૂપે પ્રગટ થયું 72 વર્ષ પછી 1984માં. એના સંપાદકીયમાં મૂળશંકરભાઈ લખે છે, ‘આ બંને પ્રવાસવર્ણનોને સાથે રાખીને માણવા જેવાં છે.’ એ બંને પુસ્તકોમાંથી થોડાં ઉદાહરણો પણ ટાંકે છે. બસ, ત્યાંથી શરૂ થઈ આ સંપાદનની યાત્રા. જેમ જેમ એમની સાથે આ યાત્રામાં જોડાતો ગયો એમ એમ સમજાતું ગયું કે આ બે અનન્ય ગદ્યસ્વામીઓના ગદ્યની સરખામણી માત્ર નથી, આ બે વૃત્તાંતો ઘણે અંશે એકમેકના પૂરક છે.”

હવે તે પૂરકે કેમ છે તેનાં ઉદાહરણ અહીં સંપાદક મૂકતાં લખે છે કે, “કાકાસાહેબે એક ઠેકાણે વર્ણવ્યું છે કે, સાંજ પડતાં મુકામે પહોંચવામાં સ્વામી પહેલાં હોય અને પોતે છેલ્લા. એ જ રીતે આ યાત્રાનાં કોઈ વર્ણનોમાં પણ બંને ક્યાંક ક્યાંક આગળ પાછળ થયા છે. કોઈ વર્ણન એકે છોડી દીધાં છે તે બીજાએ બહેલાવીને લખ્યાં છે. સ્વામીએ કોઈ પ્રસંગો બે-ત્રણ વાક્યોમાં નિપટાવ્યા છે જેને કાકાસાહેબે આખા પ્રકરણમાં બહેલાવ્યાં છે. ઉદા. ‘ખાખીબાવા.’ જમનોત્રીનું આખું પ્રકરણ કાકાની ‘વિસ્મૃતિના ધૂમસ પાછળ ભૂંસાઈ’ ગયું છે જે સ્વામીના વૃત્તાંતમાં વિગતે વાંચવા મળે છે.”

- Advertisement -
Swami Anand and Kakasaheb's journey to the Himalayas together
Swami Anand and Kakasaheb’s journey to the Himalayas together

સ્વામી અને કાકાસાહેબના હિમાલયના પ્રવાસને સાથે મૂકવાનો વિચાર જાણીતાં સાહિત્યકાર મૂળશંકર મો. ભટ્ટને આવ્યો હતો, તેને સાકાર અપૂર્વ આશરે કર્યો છે. સ્વામી આનંદનું ‘હિમાલયનાં તીર્થસ્થાનો’ પુસ્તક પ્રકાશિત થયું હતું ત્યારે તેની સંપાદકીયમાં મૂળશંકર મો. ભટ્ટ લખે છે કે, “હિમાલયનાં તીર્થસ્થાનો એ નામે મરાઠીમાં લખાયેલી લેખમાળા એ સ્વામીજી, કાકાસાહેબ અને તેમના મિત્ર બુવા મરઢેકરે સાથે કરેલ પ્રવાસનું વર્ણન કરતી લેખમાળા છે. આ જ પ્રવાસની કથા કાકાસાહેબે હિમાલયનો પ્રવાસ એ નામે લખેલી છે અને તે તો આજે ગુજરાતના પ્રવાસરસિક અને સાહિત્યરસિક લોકોનું પ્રિય વાચન થઈ પડ્યું છે. તેમણે આ પ્રવાસવર્ણન 1919માં સત્યાગ્રહ આશ્રમનાં બાળકોના માસિકમાં લેખમાળારૂપે લખેલું. આમાં એક સુખદ ઘટના એ છે કે ગુજરાતીમાં પોતાની પ્રવાસકથા મરાઠીમાં લખે ને એક મહારાષ્ટ્રી એ જ પ્રવાસની કથા પોતાની ઢબે ગુજરાતમાં લખે છે. આ રીતે આ બંને પ્રવાસવર્ણનોને સાથે રાખીને માણવા જેવાં છે. એ બંને કથાઓમાં બંને યાત્રાળુઓની પ્રતિભા, મિજાજ, રુચિ, ભાષાવૈભવ, અવલોકન, ચિંતનના સ્થાનોની લાક્ષણિકતાઓ ઊપસી આવે છે.”

તે પછી મૂળશંકર ભટ્ટ લખે છે કે, ‘હિમાલયનો પ્રવાસ’ અને ‘હિમાલયનાં તીર્થસ્થાનો’માં કેટલીક ઘટનાઓના ઉલ્લેખ સમાનપણે મળી આવે છે, પણ તેમના નિરૂપણમાં બંનેની સ્વતંત્ર પ્રતિભાના દર્શન થાય છે.’ કેટલાંક ઉદાહરણ મૂળશંકરભાઈ મૂકે છે, જેમાં એક ઘટના છે ‘બે પત્નીનો ધણી યાત્રિક જે રીતે પોતાની પહેલી પત્ની પર જુલમ કરે છે.’ તેનું વર્ણન છે. આ ઘટના વિશે સ્વામી લખે છે : “પતિસેવા એ સ્ત્રીનું કર્તવ્ય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, પણ પત્ની પાસેથી સેવા લેવાનો પતિનો હક્ક છે, એવો નિર્દેશ કોઈ જગ્યાએ નથી, અને ગડદાપાટુ મારી એને જોરે પત્નીને કર્તવ્યતત્પર બનાવવાનો માર્ગ તો કોઈએ પણ સૂચવેલો નથી. પુરુષનું અનુકરણ કરી એમની પદ્ધતિ સ્વીકારી પોતાના અર્ધાંગ જેવા પતિરાજને કર્તવ્યતત્પર બનાવવાનું જો અમારા સમાજની સ્ત્રીઓ યોજે, અને યોજના પ્રત્યક્ષમાં મૂકવા જેટલી શક્તિ એમને મળે, તો હિંદુસ્તાનમાં મતાભિલાષિ સ્ત્રી-આંદોલન કરતાં પણ વધારે ઉગ્ર આંદોલન જાગે”

આ ઘટનાને કાકાસાહેબ જ્યારે શબ્દમાં ઉતારે છે ત્યારે : “આર્ય કુટુંબના ઝઘડામાં બહારના માણસથી પડાય નહીં, એટલે અમે આ બધું સહન કર્યું. આજે અમારી એ કાયરતા પર તિરસ્કાર છૂટે છે. પણ તે વખતે જ મનમાં વિચાર આવ્યો, શું આ જ આપણો આર્ય ધર્મ છે? મનુએ જ્યારે ‘यत्र नार्यस्तु पूज्यन्ते’લખ્યું ત્યારે આ જ જાતની પૂજા એણે કલ્પી હશે? પતિ એ પત્નીનું દૈવત છે એ ખરું. પણ શું સ્ત્રી પતિની ગુલામ છે કે ઢોર છે? કોઈ સનાતની શાસ્ત્રીને પૂછીએ તો આને માટે પણ એ શાસ્ત્રાધાર જરૂર કાઢી આપે. માણસ એ દેવોનો પશુ છે એમ ઉપનિષદમાં લખ્યું છે. પતિ એ દેવ છે, એટલે પત્ની એનું ઢોર ખરી જ ને? ઉપનિષત્કાલીન ઋષિ આ તર્કશાસ્ત્ર સાંભળશે ત્યારે પોતાના નિર્દોષ કાવ્ય માટે અસંખ્ય વાર પસ્તાશે.”

- Advertisement -

સંપાદક અપૂર્વભાઈ સંપાદકીયમાં પુસ્તકને ‘DIPTYCH PHOTOGRAPHY’ સાથે સરખાવતાં લખે છે : ‘એમાં બે સ્વતંત્ર ફોટોગ્રાફ્સને બાજુબાજુમાં ગોઠવીને એક નવી જ કલાકૃતિ ઊભી કરવામાં આવે છે. બંને કૃતિઓ પોતપોતાની રીતે સર્વાંગસુંદર અને પૂર્ણ જ હોય છે પણ એ જોડાઈને બનતી દ્વયંગી કૃતિ અનન્ય હોય છે.’

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular