Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadનોબલ સન્માનિત વેન્કી રામક્રિષ્ણનનનું દર્શન : ‘આપણે કેમ મૃત્યુ પામીએ છીએ?’

નોબલ સન્માનિત વેન્કી રામક્રિષ્ણનનનું દર્શન : ‘આપણે કેમ મૃત્યુ પામીએ છીએ?’

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): મૂળ ભારતના વેન્કી રામાક્રિષ્નનને (Venki Ramakrishnan) 2009ના વર્ષમાં રસાયણશાસ્ત્ર ક્ષેત્રમાં નોબલ સન્માન (Nobel Prize) મળ્યું હતું. આ પુરસ્કાર તેમને અન્ય બે વિજ્ઞાનીઓ-થોમસ એ. સ્ટેઇટ્ઝ અને અદા યોનાથ- સાથે સંશોધન માટે મળ્યું હતું. પણ હાલમાં સિત્તેર વટાવી ગયેલા વેન્કી રામાક્રિષ્ણનને ‘વ્હાય વી ડાય?’ (Why We die) નામનું પુસ્તક લખ્યું છે. પુસ્તકના મથાળેથી સ્પષ્ટ થાય છે કે વેન્કી રામાક્રિષ્ણનને આ પુસ્તકમાં ‘આપણે કેમ મૃત્યુ પામીએ છીએ?’ તે વિષય પર ચર્ચા કરી છે. તેમાં પણ તેમનો વિશેષ ભાર વધતી ઉંમરના વિજ્ઞાન અને અમરત્વના શોધ વિશે છે. પુસ્તક બ્રિટનમાં પ્રકાશિત થયું છે અને આંતરરાષ્ટ્રિય સ્તરે આ પુસ્તકની ચર્ચા થઈ રહી છે. મૃત્યુની વાત આવે ત્યારે આપણે ત્યાં મૃત્યુને મહદંશે વિજ્ઞાન સાથે જોડવામાં નથી આવતી, પણ વેન્કી રામાકૃષ્ણનને તો વિજ્ઞાન સંબંધિત જ ચર્ચા પુસ્તકમાં કરી છે. પુસ્તકની ભૂમિકા બાંધતા વેન્કી લખે છે કે, “બરાબર એક સદી પહેલા એક અંગ્રેજ પુરાતત્ત્વવિદ્ હાવર્ડ કાર્ટરે ઇજિપ્તના ‘વેલી ઑફ કિંગ’ના સ્થાને ઊંડાણમાં દફન થયેલા પગથિયાં મળી આવ્યા. આ પગથિયા એક ભવ્ય દરવાજા તરફ જતા હતા – જે ઇજિપ્તના રાજાની કબરનો માર્ગ હતો. આ ભવ્ય દરવાજા અકબંધ હતા. મતલબ કે અહીંયા ત્રણ હજારથી વધુ વર્ષ સુધી કોઈએ પગ મૂક્યો નહોતો. પુરાતત્ત્વવાદી તરીકે કાર્ટર ખૂબ અનુભવી હતા, તેમ છતાં તેમણે જે કંઈ અહીંયા જોયું તેનાથી તેઓ દંગ રહી ગયા. ત્યાં ઇજિપ્તના યુવાન રાજા તુંતખમુની મમી હતી – તેના પર અંત્યેષ્ટિ વખતે પહેરાવાતું સોનાનું મુખોટુ લાગેલું હતું. આટલાં વર્ષોથી તે કબર સુંદર, કલાત્મક દાગીનાથી સુશોભિત હતી. આ કબર તૈયાર કરીને તેને બંધ કરી દેવામાં આવી હતી, જેથી તે નશ્વર દેહ નાશવંત ન થાય. ઇજિપ્તવાસી આ રીતે કોઈ અન્ય લોકો ન જોઈ શકે તેવી ચીજો તૈયાર કરવા માટે ગજા બહારનો પ્રયાસ કરતા હતા.” આ લખીને વેન્કી એવું તારણ કાઢે છે કે મનુષ્ય તેના અમરત્વને લઈને કેટલાં વર્ષો પહેલાં વિચાર કરતો આવ્યો છે. અને મૃત્યુને લઈને આજે પણ સહજતાથી સ્વીકાર થતો નથી અને તે માટે ‘ડિપાર્ટેડ’[ચાલ્યા ગયા] અથવા ‘પાસડ અવે’[પસાર થયા] એવા શબ્દોને ઉપયોગમાં લેવાય છે. તેથી જ મૃત્યુને આપણે આખરનું નથી ગણતા; બલકે તેને પરિવર્તનકાલ ગણીએ છીએ. આ અંગે વેન્કી અનેક અભ્યાસીઓના મત ટાંકે છે. તેમાં એક મત ફિલસૂફ સ્ટીફન કેવનો ટાંકે છે. સ્ટીફને લખ્યું છે કે અમરત્વ મેળવવા માટે મનુષ્ય અનેક સદીઓથી પ્રયાસ કરતો આવ્યો છે. સ્ટીફનને ટાંકીને વેન્કી લખે છે કે, મનુષ્યોએ અમરત્વ માટે આયોજન કરેલી રણનીતિના ચાર ભાગ પાડી શકાય. પ્રથમ ભાગમાં મુજબ તે શક્ય એટલું લાંબુ જીવવા પ્રયાસ કરે છે. જો તે આયોજન નિષ્ફળ જાય તો તે તેના અન્ય આયોજન મુજબ તે મૃત્યુ પછી ફરી જન્મવા માટેના પ્રયાસ કરે છે. ત્રીજા આયોજનમાં તે મૃત્યુ પામ્યા છતાં આત્મા નાશ ન પામે તે અંગેના પ્રયાસ કરે છે. અને આ કશું જ ન થાય તો તે આખરે એટલું તો કરે છે કે, તેના કાર્યો દ્વારા, સ્મારકો કે પછી આખરે તેના વંશના આધારે હયાત રહે.

મોટા ભાગના કેસમાં સૌકોઈ પ્રથમ ક્રમના આયોજનથી જ ચાલવા માંગે છે, જેમાં તે સીધું જ અમરત્વ પ્રાપ્ત કરી શકે. પણ તે કોઈ રીતે શક્ય બનતું નથી; એટલે તે અન્ય આયોજન તરફ નજર કરે છે. જુદા જુદા સંસ્કૃતિ મુજબ તેની અલગ-અલગ રીતો છે. પણ ભારતમાં હિંદુઓ અને બૌદ્ધ ધર્મ પાળનારા ત્રીજું આયોજને સ્વીકારે છે. આવી અનેક બાબતો ટાંકીને વેન્કી કહે છે કે, વિજ્ઞાનના વિકાસથી આપણી મૃત્યુ અંગેની માન્યતા બદલાઈ ચૂકી છે. તે મહદંશે અઢારમી સદીમાં થયું. જેથી હવે આપણો ઉદ્દેશ્ય લાંબુ જીવવા કરતા આપણા મૃત્યુ પછી કેવી રીતે વારસો જળવાઈ રહે તે શીખ્યા છે. જોકે તેમ છતાં માનવીય પાસાંમાં એ વિચિત્રતા છે કે આપણે મૃત્યુ પામવાના છે – તેનાથી માહિતગાર હોવા છતાં, આપણે એવું ઠોસ રીતે માનીએ છીએ કે મૃત્યુ પછી આપણો વારસો ટકી રહે. આજે કબરો કે સ્મારકો નિર્માણ કરવા કરતા સમૃદ્ધ લોકો દાતા બનીને ફાઉન્ડેશન સ્થાપીને નામ રહે તેવું કરે છે.

- Advertisement -

વધતી ઉંમર અને મૃત્યુ અંગેની આપણે જે કંઈ ધારણા છે તે અંગે છેલ્લા વર્ષોમાં ત્રણ લાખથી વધુ વિજ્ઞાની સંદર્ભ સાથેના લેખ લખાયા છે. અને તદ્ઉપરાંત સાતસોથી વધુ કંપનીઓ વધતી ઉંમરના વિષય અંગે કામ કરી રહી છે. આ પ્રકારના સંશોધનોએ અનેક સવાલો ખડા કર્યા છે. પણ ફાર્માસ્યૂટીકલ કંપનીઓ હવે દાવા કરી રહ્યા છે કે તેઓ આ સંશોધનને આગળ વધારી રહ્યા છે. આ બધા સંશોધનની સામે વેન્કી કોરોના વાઇરસનું ઉદાહરણ ટાંકે છે. તેઓ લખે છે કે જીવનનું નિયમન ઉત્ક્રાંતિના આધારે થાય છે. એક વાઇરસથી આપણે જે વિચાર્યું તે બધુ જ બદલાઈ ગયું, તેનું કારણ વાઇરસ મનુષ્ય કરતાં અનેક સદીઓ પહેલાંથી પૃથ્વી પર આવી ચૂક્યા હતા. અને એટલે આખરે વેન્કી એવો પ્રશ્નાર્થ મૂકે છે કે જો આપણે મૃત્યુને વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા પાછળ ઠેલવા માંગીએ તો છેતરામણી નહીં ગણાય? જો તેમ હોય તો આપણો ધ્યેય કયો હોવો જોઈએ?

મેં મારું જીવન પ્રોટીન કેવી રીતે સેલ્સમાં વિકસે અને આપણું શરીર તૈયાર થાય તેના અભ્યાસમાં ગાળ્યું છે. અને અભ્યાસના અંતે મેં જાણ્યું છે કે કેવી રીતે આપણું શરીર પ્રોટીનના નિર્માણ અને તેના નાશના નિયમનના આધારે વધતી ઉંમરની અસર દાખવે છે. પરંતુ કારકિર્દીની શરૂઆતમાં હું આવું કશુંય જાણતો નહોતો. પરંતુ પછી તેના અભ્યાસ દ્વારા તેઓ સેલ્સને ઓળખતો થયો અને શરીરમાં તેના મહત્ત્વ અંગે જાણ્યું. આ વિશે તેઓ લંડનની ગલિયારામાંથી પસાર થતી વેળાનો અનુભવ ટાંકે છે. એક શહેર જ્યાં લાખો લોકો એક સાથે કામ કરે છે, પ્રવાસ કરે છે, રોજબરોજનું કામ પાર પાડે છે. આ બધા વચ્ચે લંડનની અન્ડરગ્રાઉન્ડ ટ્રેન અને બસો ચાલે છે, પોસ્ટ ઓફિસ અને કુરિયર સર્વિસ તેનું કામ કરે છે, સુપર માર્કેટ ફૂડ સપ્લાય કરે છે, વીજળી કંપનીઓ વીજળીનું ઉત્પાદન કરીને તેને સર્વત્ર પહોંચાડે છે. તે સિવાય શહેરમાં ઉદ્ભવતા રોજબરોજના કચરાનો નિકાલ કરવામાં આવે છે અને શહેરને સ્વચ્છ કરવામાં આવે છે. એ રીતે જોઈએ તો એક સભ્ય સમાજ અવિશ્વનીય સમાયોજન સાધીને રહે છે. જેમ એક શહેર આટલી બધી ઉથલપાથલ સાથે સમાયોજન સાથે છે તે રીતે જ શરીરમાં સેલ્સની રચના પણ જટિલ છે. સેલ્સ આપણા જીવન માટે સૌથી પાયાની બાબત છે. અને શહેરની જેમ શરીરને ચલાવવા માટે રોજબરોજ અનેક પ્રક્રિયા આપણામાં થાય છે.

વેન્કીએ એક શહેરની અને શરીરની સરખામણી કરીને બંનેમાં રહેલી જટિલ વ્યવસ્થાને સમજાવી છે. તેઓ લખે છે કે ઇતિહાસને જોઈએ તો જેઓ શહેરમાં રહેતા હતા તેણે હંમેશા એવું માન્યું છે કે તે જ્યાં રહે છે તે કાયમી રીતે ટકવાનું છે. મોટા ભાગે આપણે આપણા જીવનથી આગળ વિચારતા નથી. પરંતુ આપણે જ્યાં રહીએ છીએ તે શહેરનું પણ એક દિવસ અસ્તિત્વ રહેવાનું નથી. શહેર, સમાજ, સામ્રાજ્ય અને સંસ્કૃતિ જન્મીને નાશ પામે છે, જે રીતે શરીરમાં સેલ્સ નિર્માણ થાય છે અને પછી તે નાશ પામે છે.

- Advertisement -

આગળ તેઓ મૃત્યુ કેવી રીતે થાય છે તે માટે વધતી ઉંમરનું કારણ આપે છે. વધતી ઉંમરના કારણે સેલ્સ દ્વારા શરીરમાં જે કંઈ પ્રક્રિયા થાય છે તે ખોટકાય છે અને તે પ્રમાણે ધીરે ધીરે શરીરમાં જે પ્રક્રિયા સરળતાથી થતી હોય છે તેમાં અવરોધ આવે છે. ત્યાર બાદ એક પછી એક સેલ્સ નાશ પામે છે અને ધીરે ધીરે શરીર કથળે છે. વેન્કી રામકૃષ્ણનના પુસ્તકનો એકેએક શબ્દ મૃત્યુની પ્રક્રિયાની રહસ્યને ઉકેલ તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે. આ પુસ્તક વાંચવાથી મૃત્યુ અને શરીર સંબંધિત કેટલીક ધારણાઓ નિર્મૂળ થાય એવી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular