કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણું એક પાડોશી રાજ્ય બીજા પાડોશી રાજ્ય પાસેથી ફિલ્મ ઉદ્યોગનો કેટલોક હિસ્સો લઈ જઈ રહ્યું છે. વાત છે મહારાષ્ટ્રમાં (Maharashtra) શૂટીંગ થતી ફિલ્મો મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) જાય છે તે વિશે. મહારાષ્ટ્રમાં મુંબઈ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું (Film Industry) કેન્દ્ર રહ્યું છે. પણ હવે બદલાઈ રહેલા ટ્રેન્ડ મુજબ ફિલ્મ મેકર્સ નવા લોકેશન શોધે છે અને તેમની અત્યારે સૌથી પસંદીદા જગ્યા મધ્ય પ્રદેશ છે. છેલ્લા વર્ષોમાં અનેક સફળ ફિલ્મોનું લોકેશન મધ્ય પ્રદેશ રહ્યું છે, જેમ કે, ‘રાજનીતિ’, ‘આરક્ષણ’, ‘સત્યાગ્રહ’, ‘લાપત્તા લેડિઝ’, ‘સ્ત્રી’, ‘સ્ત્રી 2’, ‘ભૂલ ભૂલૈયા 3’. ઉપરાંત ‘ગુલ્લક’, ‘પંચાયત’ જેવી વેબ સિરીઝનું શૂટીંગ પણ મધ્ય પ્રદેશમાં થયું છે. આ બધું એકાએક થયું નથી, ન તો ફિલ્મ માટે મધ્ય પ્રદેશમાં કોઈ મોટાં સ્ટુડિયો બન્યા છે. પણ સરકારની નીતિ અને સાથે સાથે મધ્ય પ્રદેશની ભૌગોલિક સ્થિતિ ફિલ્મ નિર્માણકર્તાઓને આકર્ષે છે. એક સમયે આપણા રાજ્યમાં ફિલ્મ ઉદ્યોગ લાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ પ્રયાસ કર્યા, પણ આજે તે તક ગુજરાત ચૂકી ગયું છે અને મધ્ય પ્રદેશે ફિલ્મ ઉદ્યોગનો લાભ લઈ રહ્યું છે.

મધ્ય પ્રદેશમાં છેલ્લા વર્ષોમાં જે હદે હિંદી ફિલ્મોના શૂટીંગ વધ્યા છે કે તેની નોંધ સર્વત્ર લેવાઈ રહી છે. પણ તે અગાઉ મધ્ય પ્રદેશ પણ અન્ય રાજ્યોની જેમ હિંદી ફિલ્મો માટે પસંદીદા ક્ષેત્ર ન રહ્યું. હિંદી ફિલ્મો 70થી 80 દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં શૂટ થતી હતી, તે પછીના દોરમાં વિદેશોમાં શૂટીંગ વધ્યું. તે સમયે સ્વિઝર્લેન્ડ અને યુરોપના શહેરો હિંદી ફિલ્મોના શૂટીંગ સ્થળો બન્યા હતા. તે પછીના સમયમાં હિંદી ફિલ્મોના શૂટીંગ લોકેશન જાણે બીબાઢાળ બની ચૂક્યા હતા. તેમાં એક જ પ્રકારના દરિયા કિનારા, પહાડ, બગીચા, રણ અને સરોવર દેખાતા હતા. પણ હવે દર્શકોને આકર્ષવા માટે નવા લોકેશન શોધાયા છે અને તેમાં મહદંશે જગ્યાઓ મધ્ય પ્રદેશની છે. એવું કહેવાય છે કે છેક 1952માં મધ્ય પ્રદેશમાં દિલીપકુમારની ‘આન’ ફિલ્મનું શૂટીંગ થયું હતું. તે પછી આ રાજ્યમાં ભાગ્યે જ કોઈ શૂટીંગ માટે આવતું હતું. અને એટલે 2008 સુધી માત્ર 32 ફિલ્મોના શૂટીંગ લોકેશન તરીકે મધ્ય પ્રદેશને પસંદ કરવામાં આવ્યું હતું. પણ દિગ્દર્શક પ્રકાશ ઝાએ 2010ની અરસામાં પોતાના ફિલ્મોનું શૂટીંગ અહીંયા કરીને અન્ય ફિલ્મનિર્માતાઓનું ધ્યાન આકર્ષ્યું. હાલમાં મધ્ય પ્રદેશમાં પાંચસો જેટલાં ફિલ્મ પ્રોજેક્ટ કાર્યરત છે.

મધ્ય પ્રદેશમાં ફિલ્મ ઉદ્યોગો આવ્યા તેનું કારણમાં એક તો અહીંયા ત્રણ યુનેસ્કો હેરિટેજ સાઇટ આવી છે; તે આપવામાં આવે છે. તેમાં એક ખજુરાહો છે, બીજું સાંચી સ્તૂપ છે અને ત્રીજી સાઇટ ભીમબેટકા છે. દેશના કેન્દ્રમાં આવેલું આ રાજ્યમાં ટ્રેન, માર્ગ અને વિમાનની સારી સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત, અહીંયા વર્ષના ત્રણસો દિવસ સાનુકૂળ વાતાવરણ હોય છે અને પૂરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ આવે છે. સરકારની નીતિ પણ પ્રોત્સાહક છે અને આ કારણે અહીંનું શૂટીંગ કિફાયતી બને છે. મધ્ય પ્રદેશ સરકારે ‘ફિલ્મ ફેસિલેશન સેલ’ પણ શરૂ કર્યો છે. આ સેલ અંતર્ગત ફિલ્મ શૂટને લગતા તમામ સમસ્યાનો ઉકેલ મળી જાય છે. મધ્ય પ્રદેશ સરકારે આ ઉદ્યોગને પોતાના ત્યાં પગભર થવા માટે પૂરતી સગવડ કરી આપી છે. નવાસવા ફિલ્મ નિર્માતાઓને સબસિડીઝ, એ સિવાય સરકારની હોટલમાં 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને સાથે સાથે ફિલ્મના શૂટ માટે સરકારે 1000 એકર જમીન ફાળવી દીધી છે. મધ્ય પ્રદેશમાં માત્ર દરિયો નથી અને રણ નથી. પણ તે સિવાય સપાટ મેદાની પ્રદેશ છે, વહેતી નદીઓ, પર્વતો, સરોવર, કોતરો અને વિશાળ જંગલોનો વિસ્તાર છે. એટલું જ નહીં, ગામડાઓ, શહેરો, ધાર્મિક સ્થળ અને હેરિટેજ સાઇટ પણ મધ્ય પ્રદેશમાં ઉપલબ્ધ છે.
આ વિશે ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પર અને અન્ય પોર્ટલ પર સારી એવી માહિતી મળે છે. તે મુજબ લખ્યું છે કે, ‘લાપત્તા લેડિઝ’ના નિર્મલપ્રદેશ દાખવવા માટે મધ્ય પ્રદેશના સિહોર જિલ્લાની પસંદગી થઈ હતી. તેના બે મુખ્ય કારણો હતા. ફિલ્મના દિગ્દર્શક કિરણ રાવ તે વિશે કહે છે કે, અમને અહીંયા ખૂબ સરસ ગામ મળી ગયું અને તેની પાસે જ નાનું નગર હતું. તે સિવાય બાજુમાં લેન્ડસ્કેપ મજાનું હતું. લોકેશનથી નજીક ક્રૂ મેમ્બર રહી શકે તેવી જગ્યા પણ ઝડપથી મળી. બીજું કારણ મધ્ય પ્રદેશમાં ફિલ્મની નીતિને લઈને પ્રોત્સાહન એટલું બધું છે કે અહીં ફિલ્મ માટેનું સાનુકૂળ વાતાવરણ મળી રહે છે. અને એવુંય નથી કે મધ્ય પ્રદેશ સરકાર પ્રોત્સાહક નીતિની જાહેરાત જ કરે છે, પણ તેનો અમલેય થાય છે. અત્યાર સુધી મધ્ય પ્રદેશ સરકારે 14 ફિલ્મના પ્રોજેક્ટને સમયસર સબસિડીઝ આપી દીધી છે. એ તો સ્વાભાવિક છે કે મુંબઈ અને દિલ્હી કરતાં મધ્ય પ્રદેશમાં ફિલ્મ નિર્માણ થવાથી ખર્ચમાં ઘણો કાપ મૂકી શકાય છે. હિંદી જ નહીં અન્ય ભાષાની ફિલ્મો મધ્ય પ્રદેશમાં બની રહી છે. દક્ષિણના ખ્યાતનામ દિગ્દર્શક મણિરત્નમે ‘પોન્નિયિન સેલ્વાન’ ફિલ્મનું શૂટિંગ ગ્વાલિયરમાં કર્યું હતું. કેટલાંક આંતરરાષ્ટ્રિય ફિલ્મ પ્રોજેક્ટ માટે મધ્ય પ્રદેશ કેન્દ્ર બન્યું છે. જેમ કે 2016માં આવેલી ઓસ્કાર નોમિનેટ થયેલી ફિલ્મ ‘લાયન’નું શૂટ અહીંયા જ થયું હતું. એ રીતે ‘અ સૂટેબલ બોય’, ‘ધ લવર્સ’ અને ‘શાંતારામ’ જેવી ફિલ્મો પણ છે.
મહારાષ્ટ્રની જેમ માત્ર મુંબઈ જ નહીં, પણ મધ્ય પ્રદેશના દરેક જિલ્લામાં મહદંશે શૂટીંગ થઈ શકે તેવાં છે. તેમાં ફેવરિટ કહી શકાય તેવા ડેસ્ટિનેશન – ભોપાલ, ગ્વાલિયર, પંચમઢી, ચંદેરી, જબલપુર, મહેશ્વર છે. આ ઉપરાંત સિહોર, નરસિંઘગાઠ, ડેટિયા, શિવપુરી અને મોરેના પણ તેમાં ઉમેરાયા છે. એક વાર કોઈ ઇન્ડસ્ટ્રીઝના પગ કોઈ જગ્યાએ જામે એટલે તેની સમાંતરે આસપાસના ક્ષેત્રોમાં કામ કરનારા ઊભા થવા લાગે. મધ્ય પ્રદેશમાં શૂટીંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવા માંડ્યું છે. ઉપરાંત પ્રોડક્શન યુનિટની સગવડ થાય તે માટેના વ્યવસાય પણ વિકસ્યા છે. તે સિવાય ફિલ્મોમાં જ્યારે પણ ભીડભાડના દૃશ્યો લેવાના હોય તો અહીંયાથી લોકો પણ આસાનીથી મળી જાય છે. એ રીતે બધું જ મધ્ય પ્રદેશના જમા પાસાંમાં જાય છે.
આ કારણે અહીંયાથી કેટલાંક સ્થાનિક પ્રતિભાશાળી અભિનેતાઓને કામ મળવા લાગ્યું છે. ‘લાપતા લેડિઝ’માં સ્ટેશનમાસ્ટરની ભૂમિકા કરનાર અભિનેતા વિવેક સાવરીકર મૂળે ભોપાલવાસી છે. ‘પંચાયત’ સિરીઝમાં પણ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટની ભૂમિકા ભજવનાર કુસુમ શાસ્ત્રી મધ્ય પ્રદેશના નિવાસી છે. હવે તો વધુ લોકોને કામ મળે તે માટે સરકારે પણ પહેલ કરીને તેમને એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે. મધ્ય પ્રદેશમાં છેલ્લા એક દાયકામાં જે રીતે ફિલ્મોના શૂટીંગ વધ્યા છે તેનાથી બિહાર સરકાર પણ જાગી છે. બિહારમાં પણ અદ્ભુત લોકેશન છે અને બિહાર સરકાર પણ ફિલ્મો માટે પ્રોત્સાહક નીતિ તૈયાર કરવા કરી છે. આ માટે ‘બિહાર સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પોરેશન’ના જનરલ મેનેજર રાહુલ કુમાર મધ્ય પ્રદેશનો પ્રવાસ કરીને ફિલ્મ સંબંધિત તમામ વિગતો સમજ્યા અને તે પછી તેમની નીતિ ઘડી છે. હવે ફિલ્મને માત્ર મનોરંજનના સાધન તરીકે જોવા આવતું નથી, બલકે ફિલ્મોને હવે એક ઉદ્યોગ તરીકે જોવામાં આવી રહ્યો છે. આપણું રાજ્ય પણ એ ભૌગોલિક રીતે વૈવિધ્ય ધરાવે છે. દરિયો, રણ અને જંગલ પણ ગુજરાત પાસે છે. મુંબઈથી નજીક છે. સુવિધાથી પણ ગુજરાત સમૃદ્ધ છે. આ બધું હોવા છતાં કોઈક કારણસર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત આવવા તૈયાર નથી. હવે તો બિહાર, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યો પણ પોતાના રાજ્યમાં ફિલ્મ ઉદ્યોગ આવે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકારના પ્રયાસ નજરે પડતા નથી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








