Friday, June 5, 2026
HomeGujaratAhmedabadધોરણ-10માં બે વિષયમાં નાપાસ થનારા નિખિલ તમંચે GPSCની પરીક્ષા પ્રથમ ક્રમાંકે કરી...

ધોરણ-10માં બે વિષયમાં નાપાસ થનારા નિખિલ તમંચે GPSCની પરીક્ષા પ્રથમ ક્રમાંકે કરી પાસ, જાણો તેમની પ્રેરણાત્મક સફર

- Advertisement -

હિતેશ બારોટ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): જીવનમાં વ્યક્તિને સફળ થવા માટે અનેક પાસાઓ કામ કરતાં હોય છે. ઘરનું પારિવારિક વાતાવરણ, આર્થિક પરિસ્થિતી, સમાજના પ્રવર્તતા રિવાજો વગેરે બાબતો વ્યક્તિના સફળ તથા નિષ્ફળ થવા પાછળ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ત્યારે જીવનના પ્રથમ પડાવમાં નિષ્ફળ થયા બાદ હતાશ થવાની જગ્યાએ એ જ નિષ્ફળતાને પોતાની સફળતાનું કારણ બનાવી દેનારા નિખિલ તમંચેની (Nikhil Tamanche) ધોરણ-10માં બે વિષયમાં નાપાસ થવાથી GPSCની આસિ.પ્રોફેસરની પરીક્ષા પ્રથમ ક્રમાંકે પાસ કરવાની યાત્રા યુવાનો માટે ઉદાહરણ બની રહે તેમ છે.

GPSC nikhil
GPSC nikhil

નિખિલ જણાવે છે કે, “ધોરણ-10માં હું બે વિષયમાં નાપાસ થયો હતો. અંગ્રેજી અને વિજ્ઞાન વિષયમાં નાપાસ થવાથી આગળનું ભવિષ્ય અંધકારમય ભાસી રહ્યું હતું. મારા પરિવારમાં ત્રણ ભાઈઓ તથા માતા છે. અમે પતરાવાળા સામાન્ય કહી શકાય તેવા ઘરમાં રહીએ છીએ. ધોરણ-10માં નાપાસ થયા બાદ આગળ શું કરી શકાય તે પરિવાર માટે ચિંતાનો વિષય બની ગયો હતો. તેનું મુખ્ય કારણ પારિવારિક અને ઘરની આર્થિક સ્થિતિ જવાબદાર હતી. માતા છૂટક મજૂરી થકી માંડ ઘરનું ગુજરાન ચલાવતા હતા. ત્રણ ભાઈઓમાંથી કોને આગળ ભણાવવા તે એક યક્ષ પ્રશ્ન બની ગયો હતો. બધા જ ભાઈઓને ભણાવવા ઘરની પરિસ્થિતિને બિલકુલ અનૂરૂપ ન હતું. આવી સ્થિતિમાં મોટા ભાઈ તથા માતાએ મને ભણાવવા દ્રઢ નિર્ધાર કર્યો. ત્યાંથી શરૂ થઈ GPSCની આસિ.પ્રોફેસરની પરીક્ષા પ્રથમ ક્રમાંકે પાસ થવાની પ્રેરણાત્મક સફર.”

- Advertisement -

આ પ્રેરણાત્મક સફર છે છારાનગરમાં રહેતા અને હાલ ગૂજરાત વિદ્યાપીઠમાં પીએચ.ડી સ્કોલર તરીકે જોડાઈને ડૉક્ટરેટનો અભ્યાસ કરી રહેલા નિખિલ તમંચેની. નિખિલ તમંચે એક ગરીબ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. પરિવાર માંડ પોતાના ચાર છેડા ભેગા કરે છે, ત્યાં નિખિલને ધોરણ-10માં બે વિષયમાં નાપાસ થયા બાદ આગળ કેવી રીતે ભણાવી શકાય તે પરિવાર માટે વિચારવા જેવી બાબત કહી શકાય. નાપાસ થયા બાદ નિખિલ આગળ ભણાવી બતાવશે તેવો દ્રઢ નિર્ધાર કરે છે અને માતા તથા ભાઈઓને પોતે ભણી બતાવશે તે બાબતે આશ્વાસ્ત કરે છે. નિખિલની માતા અને ભાઈઓ પણ નિખિલને આગળ ભણાવવા તેમનાથી બને તે કરી છૂટવાની તૈયારી બતાવે છે અને ત્યાથી જ શરૂ થાય છે GPSCની આસિ.પ્રોફેસરની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરવાની સફળ કહાની.

ધોરણ-10માં નાપાસ થયા બાદ એક વર્ષ બાદ ફરીથી નિખિલભાઈ નવા જોમ અને નવા ઉત્સાહ સાથે ધોરણ-10ની પરીક્ષા આપે છે. પરિવારે મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરતાં હોય તેમ બીજા પ્રયાસે સારા માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરે છે. દસમું ધોરણ પાસ કર્યા બાદ આગળ શું કરી શકાય તે બાબતે વિચારતા નિખિલ ધોરણ-11 અને 12 પાસ કરે છે. અત્યાર સુધીની શૈક્ષણિક યાત્રામાં નિખિલનું વિચારવિશ્વ નવી રીતે પોતાની દિશા નક્કી કરે છે. પોતે સમાજના અને દેશના જવાબદાર વ્યક્તિ છે. પોતાએ જ સમાજને કઈક આપવાનું છે, જેની ફલશ્રુતિ આવનારા સમયમાં સમાજને મળી રહે તે રીતે પોતાની યાત્રા આગળ ધપાવતા ઈકોનોમિક્સ વિષય સાથે બી. એ. કરી એમ. એ. પણ કરે છે. એમ. એ. સુધીની સફર દરમિયાન પરિવારની આર્થિક પરિસ્થિતીને અનુરૂપ અંગ્રેજી વિષયના ક્લાસ પણ કરે છે. ત્યારબાદ GPSC ની આસી.પ્રોફેસરની પરીક્ષા માટે તનતોડ મહેનત કરે છે. સમાજને કઈક આપવું છે, બીજા વિધાર્થીઓ માટે ઉદાહરણ પૂરું પાડવું છે, સમાજને એક નવી દિશા આપવી છે તો મહેમત કરવી જ પડશે. તે પ્રકારની ખંત સાથે GPSCની આસી.પ્રોફેસરની તૈયારીમાં જોતરાઈ ગયા. ગુજરાતીમાં એક કહેવત છે, “હાર્યો જુગારી બમણું રમે” નિષ્ફળ થનાર માણસ સફળ થવા પોતાના પ્રયાસો અને મહેનત બેવડાવી દે છે. પરિવાર કે જેણે પોતાના ભાઈને, દીકરાને ભણાવવા પોતાનાથી બની શકે તે બધુ જ કર્યું છે, પરિણામની આતુરતાથી રાહ જોવા લાગ્યા. છેવટે તે દિવસને ઉગવું જ પડ્યુ જેની નિખિલ સહિત આખો પરિવાર વરસાદની જેમ રાહ જોઈ રહ્યો હતો. નિખિલે GPSCની આસી.પ્રોફેસરની પરીક્ષા પાસ તો કરી જ પણ પ્રથમ ક્રમાંકે. પરિણામ સાંભળી માતા તેમજ પરિવારની આંખમાં સંતોષના અને આનંદના હર્ષાશ્રુ ઝીલાઈ રહ્યા હતા.

જ્વલંત સફળતા બાદ નિખિલ આગળ જણાવે છે કે, “હું પાતરાવાળા ઘરમાં વિષમ પરિસ્થિતિમાં રહી આ કક્ષાએ પહોંચ્યો છું. મોટાભાઈએ ઓરકેસ્ટ્રા વગાડી મને આગળ વધવામાં મદદ કરી છે. મારે પણ સમાજને, દેશને વિકાસશીલ એરામાંથી વિકસિત એરા તરફ લઈ જવાની દિશામાં આગળ વધવું છે.” સમાજને વિકસિત કરવા સૌથી વધુ શું કરી શકાય તે પ્રશ્નના જવાબમાં નિખિલ કહે છે કે, “કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણ સૌથી મહત્ત્વનું પરિબળ છે. 100 ટકા શિક્ષણ થકી જ સમાજ પ્રગતિ સાધી શકે, આગળ વધી શકે.”

- Advertisement -

નિખિલ કહે છે કે, “જરૂરી નથી જીવનના પ્રથમ પડાવમાં જ સફળતા સાંપડે. નિષ્ફળતા હતાશ થવા માટેનું કારણ ન બનવી જોઈએ. કારણ કે, સખત મહેનત અને આગળ વધવાની ધગશ જ સફળતાની પૂર્વશરત હોઈ શકે.”

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular