નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ભારતમાં 1 ઓક્ટોબરથી 5G સેવાઓ શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ’માં 5G સેવાઓ લોન્ચ કરશે. પ્રગતિ મેદાન ખાતે યોજાનારી ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ’ 4 ઓક્ટોબર સુધી ચાલશે. એશિયામાં સૌથી મોટા ટેલિકોમ, મીડિયા અને ટેક્નોલોજી ફોરમ હોવાનો દાવો કરીને, ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) નું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, સરકારે ટૂંકા સમયમાં દેશમાં 5G ટેલિકોમ સેવાઓના 80 ટકા કવરેજનું લક્ષ્ય નક્કી કર્યું છે. પ્રથમ તબક્કામાં, 5G ટેલિકોમ સેવાઓ દેશના લગભગ 13 શહેરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી શક્યતા છે.
મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, ‘5G સાથે યુઝર્સને 4G કરતાં 10 ગણી વધુ ઈન્ટરનેટ સ્પીડ મળશે.’ તે જ સમયે, વૈષ્ણવે 5Gની રેડિયેશન અસર અંગેની આશંકાઓને પણ ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, ‘5G સેવા દ્વારા પેદા થતા રેડિયેશનનું સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ભલામણ કરાયેલા સ્તરથી ઘણું ઓછું છે.’