નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અને અદાલતના અધિકારક્ષેત્રને લઈને મહત્વની ટિપ્પણી (Supreme Court Verdict) કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, આરોપીની આગોતરા જામીન અરજીને ફગાવી દેવી તે અદાલતનો અધિકાર છે. જો કે, અરજી ફગાવતી વખતે કોર્ટ આરોપીને સંબંધિત ટ્રાયલ કોર્ટ સામે આત્મસમપર્ણ કરવાનો નિર્દેશ આપી શકે નહીં. અત્રે નોંધનીય છે કે, ઝારખંડ હાઇકોર્ટ (Jharkhand High Court) ના ચુકાદાના મામલામાં અદાલતના દૃષ્ટિકોણને સુપ્રીમ કોર્ટે ખોટો ગણાવ્યો છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલા (J B Pardiwala Justice) અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે છેતરપિંડી અને બનાવટના આરોપીના કેસમાં દાખલ થયેલી સ્પેશિયલ લીવ પિટિશન (SLP)ની સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી. સુનાવણી દરમિયાન ન્યાયિક સીમાઓ વિશે વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોર્ટ આગોતરા જામીન ફગાવવા માગતી હોય, તો તે કરી શકે છે. પરંતુ કોર્ટ પાસે એ કહેવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી કે અરજદારે અનિવાર્યપણે સરન્ડર (આત્મસમર્પણ) કરવું જ પડશે.








