નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ અત્યારથી જ ગરમાઈ ગયું છે. આ વખતની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રણ પક્ષો પૂરી ક્ષમતા સાથે લડવાની તૈયારીઓ કરી રહ્યા છે, કારણ કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ભાજપ સામે મોરચો ખોલી દીધો છે. ભાજપ પણ જાણી કે અજાણી રીતે આમાં આદમી પાર્ટીને ભાવ આપી રહી છે તેવું ગુજરાતનાં રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે. તાજેતરમાં બંને પક્ષોએ એકબીજા સામે આક્ષેપ કરવાનું શરૂ કરી દીધું છે.
આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપલ ઇટલીયાએ એક પત્રકાર પરિષદ કરીને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “ભાજપની ગુંડાગીરીનો, દાદાગીરીનો વધુ એક નમૂનો આજે સામે આવ્યો છે. વડોદરામાં હમણાં અઠવાડિયા પહેલા જ્યારે અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ હતો ત્યારે 13 સ્થળો ભાજપના લોકોએ કેન્સલ કરાવ્યા હતા. કેજરીવાલના કાર્યક્રમ માટે પાર્ટી પ્લોટ, હોલ કે બેન્કવેટ ભાડે રાખીએ ત્યાં ભાજપના ધારાસભ્યો કે સાંસદ સભ્યો ભાજપના ગુંડાઓ ફોન કરી આ પાર્ટી પ્લોટ કેન્સલ કરાવતા હતા. છેલ્લે નવનીત કાકા નામના સજ્જન વ્યક્તિએ પોતાનો પાર્ટી પ્લોટ અરવિંદ કેજરીવાલને ભાડે આપ્યો, પરંતુ જ્યારે ભાડે આપ્યો ત્યારે ભાજપના લોકોએ નવનીત કાકાને પણ ફોન કર્યો અને ધમકાવવાની કોશિશ કરી હતી, આમ છતાં પણ નવનીત કાકાએ અરવિંદ કેજરીવાલના કાર્યક્રમ માટે હોલ ભાડે આપ્યો. એ કાર્યક્રમ સારી રીતે સફળ થયો પૂર્ણ થયો પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આમ આદમી પાર્ટીથી ડરેલા ભ્રષ્ટ ભાજપના કાયર અને ડરપોક લોકોએ અત્યારે વડોદરા કોર્પોરેશનની ટીમને એ હોલ તોડી નાખવા માટે મોકલી છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આજે વડોદરા કોર્પોરેશનાના 50 કરતાં પણ વધુ કર્મચારીઓ, કેટલાય બધા બુલડોઝર અને પોલીસ સંખ્યાબળ લઈને નવનીત કાકાનો હોલ તોડી નાખવા માટે ભાજપના નેતાઓ ફોજ મોકલી છે. એક તરફ ગુજરાતના અને વડોદરાના રોડ રસ્તા તૂટેલા છે. કોર્પોરેશનમાં ફરિયાદ કરીએ તો કોર્પોરેશનના ભાજપના નેતાઓ જવાબ આપે કે પૈસા નથી, સ્ટાફ નથી, સાધનો નથી પણ જ્યારે હોલ તોડી નાખવો હોય અરવિંદ કેજરીવાલના કાર્યક્રમો રોકી રાખવા હોય તો માણસો પણ છે, મશીનો પણ છે અને પૈસા પણ છે. આ દર્શાવે છે કે ભાજપની અંદર ભયંકર ડરનો માહોલ ફેલાઈ ગયો છે. એકદમ બોખલાઈ ગયેલા કાયરો ભેગા થઈ હોલ તોડી નાખવા ઉપર આવ્યા છે, પરંતુ ગુજરાતની જનતા આ બધું જોઈ રહી છે.”
ગોપાલ ઇટલીયા કહે છે કે, “તેમણે એવું કહ્યું કે તમને ના પાડવા છતાં પણ શા માટે આમ આદમી પાર્ટીને હોલ ભાડે આપ્યો? આ કારણ તેઓ મૌખિક રીતે જણાવે છે, લેખિતમાં કોઈ નોટિસ નથી આપી, લેખિતમાં કોઈ સૂચન નથી, લેખિતમાં કોઈ સરકારી આદેશ નથી, મૌખિક રીતે કોર્પોરેશનના માણસોએ એવું કીધું કે અમને ભાજપના નેતાઓનું સૂચન છે કે ના પાડ્યા પછી પણ તમે શા માટે ‘આપ’ને હોલ ભાડે આપ્યો? અમારી પાર્ટીના વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓ અત્યારે પ્રત્યુતર આપવા માટે હાજર છે, અમે નવનીત કાકાના પુરા સપોર્ટમાં છીએ, આમ આદમી પાર્ટીની લીગલ ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે. આ લડાઈમાં અમે ભાજપના ભ્રષ્ટ લોકોને પૂરેપૂરી ટક્કર આપીશું, એનાથી ડરીશું નહીં અને એમની આ નિમ્ન માનસિકતા સામે અમે લડતા રહીશું.”








