નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) નિકોલ વિસ્તારમાં ભત્રીજાએ જ કાકાની હત્યા કરી હોવાના અહેવાલ મળી સામે આવી રહ્યા છે. જમીનના ભાડા બાબતે છેલ્લા ઘણા સમયથી કાકા અને ભત્રીજા વચ્ચે બબાલ ચાલી રહી હતી. ત્યારે આજે ભત્રીજાએ કાકાને ચાકુના ઘા ઝીંકી હત્યા કરી છે. ઘટનાની જાણ નિકોલ પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે આધેડને સારવાર મળે તે પહેલા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. નિકોલ પોલીસે (Nikol Police) આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આ મામલે પોલીસે હત્યારા ભત્રીજા સામે હત્યા અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની વિગત મુજબ, નિકોલ ગામમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા વજેસિંહ ભાલાજી ઠાકોર ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નિકોલમાં જય હિન્દ સ્કૂલની બાજુમાં તેમની જમીન આવેલી છે. જે જમીનના ભાડાને લઇ વજેસિંહ ઠાકોર અને તેમના ભત્રીજા નરેન્દ્ર ઠાકોર વચ્ચે અવાર-નવાર તકરાર ચાલતી હતી. ત્યારે આજરોજ 10:00 વાગ્યાના અરસામાં વજેસિંહ ઠાકોર પોતાની બાઇક લઇ જયહિન્દ સ્કૂલની બાજુમાં આવેલી પોતાની જમીનનું ભાડું લેવા ગયા હતા. તે દરમિયાન તેમનો ભત્રીજો નરેન્દ્ર ઠાકોર પણ ત્યાં ઉભો હતો. જેમાં ભાડાના પૈસાને લઈને કાકા અને ભત્રીજા વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ હતી. ત્યાર બાદ ઉશ્કેરાયેલા ભત્રીજા નરેન્દ્રએ કાકા વજેસિંહ ઠાકોરને પેટના ભાગે ચાકુના ઝીંકયા હતા. વજેસિંહ ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ઘટના પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જેના કારણે હત્યારો ભત્રીજો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈને લોકોએ પોલીસ સહિત એમ્બ્યુલન્સ જાણ કરી હતી, પરંતુ વજેસિંહને સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાના પગલે નિકોલ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અસારવાની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
આ મામલે મૃતક વજેસિંહના પુત્રએ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે આરોપી નરેન્દ્ર ઠાકોર સામે હત્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. જ્યાં પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








