નવજીવન નવસારી: ગુજરાતમાં એ.સી.બી.એ લાંચિયા અધિકારી અને કર્મચારી વિરુધ્ધ લાલ આંખ કરી છે. રાજ્યમાં રોજબરોજ કોઇને કોઇક શહેરમાં લાંચીયા એ.સી.બી.ના હાથે લાંચ લેતા પકડાઇ જતા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે નવસારીમાં એક મહિલા કર્મચારીને એ.સી.બી.એ લાંચ લેતા ઝડપી પાડી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ફરીયાદીની વડીલોપાર્જીત જમીન આલીપોર ગામ ખાતે આવેલી છે. જે જમીનના બ્લોક તથા સર્વે નંબરોની જુના ગણોત નિકાલ કેસોની હુકમની નકલ મેળવવા માટે ફરીયાદીએ નકલ કારકુન મામલતદાર કૃષિપંચ કચેરી તાલુકા સેવા સદન ચીખલીમાં અરજી આપી હતી. જે અરજીના હુકમ આપવાના બદલામાં આરોપી શેહાના મિર્ઝાએ ફરીયાદી પાસેથી રૂ.૧,૦૦૦/-ની લાંચની માંગણી કરી હતી.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાોથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યુ હતુ. લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરીયાદી સાથે વાતચીત કરી રૂા.૧,૦૦૦/- ની લાંચની માંગણી કરીને સ્થળ ઉપર રકમ લેતા પકડાઇ ગઇ હતી. એસીબીએ આરોપીને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








