આપણી આસપાસ એવા અનેક લોકો હોય છે જેમના ચહેરા અને વ્યવાહરમાં એક પ્રકારની લાચારી હોય છે,તેઓ સતત પોતાને નબળા, વંચીત અને હારેલા માને છે, તેમને પોતાને પણ લોકો તેમને બીચારા કહે તેવુ ગમતુ હોય છે, જેઓ પોતાને બીચારા માને છે તેમને કોઈને કોઈ એક અથવા બીજા પ્રકારની મદદ કરવા પણ પહોંચી જાય છે,જેના કારણે તેમના બીચારાપણામાં વધારો થાય છે , તેઓ માનતા થઈ જાય છે કે જો પોતાને બીચારા ગણવામાં આવે અને તેના કારણે તેમને ફાયદો મળતો હોય તો બીચારા કહેવડાવામાં વાંધો નથી, માત્ર સમાજમાં જ નહીં આપણા પરિવારમાં પણ આવી વ્યકિતઓ હોય છે તેમને પણ બીચારા બની જીવવાની મઝા આવતી હોય છે. આપણે ત્યાં એક એવો મોટો વર્ગ છે કે જેઓ સામાજીક -શૈક્ષણિક અને આર્થિક રીતે આઝાદીના આટલા વર્ષો પછી પણ પછાત છે, તેમાં વાંક બંન્ને પક્ષે છે, જેઓ વંચીત અને શોષીત છે,તેમાંથી મોટા વર્ગને બીચારા બની જીવવાની ટેવ પડી ગઈ છે, બીજી તરફ સરકાર અને સમાજને પણ આ વર્ગને નાનકડા ટુકડા સમાન મદદનો રોટલો આપી પોતાની ફરજ પુરી કરે છે,એટલે જેઓ બીચારા છે તેઓ કાયમ બીચારા બની જીવતા રહે છે.
આપણા ઘરમાં પણ એક વ્યકિત એવી હોય છે જેઓ નાના મોટા કામ ઉપર આપણી ઉપર નિર્ભર રહે છે, મને નહીં આવડે, મને ખબર પડતી નથી,મને બીક લાગે છે તેવુ તે કહે છે અને આપણે તેમની આવડત,તેમની ખબર અને તેમના ડરને પોષીએ છીએ, આવુ જ મારા ઘરમાં પણ હતું, મારા માતા-પિતા બંન્ને સરકારી નોકર હતા, છતાં મારી માતાને અનેક બાબતનો ડર લાગતો હતો,ત્યારે ડીજીટલ યુગ શરૂ થયો ન્હોતો, સરકારી ઓફિસમાં પગાર પણ રોકડમાં આવતો હતો, મારી મા પગાર થાય એટલે ઓફિસમાંથી આખો પગાર મારા પપ્પાના હાથમાં મુકી દેતી હતી, મારા પિતા જો તે સંદર્ભમાં કોઈ પ્રશ્ન પુછે તો તરત કહેતી મને હિસાબમાં ખબર પડે નહીં, મારા પિતા તેને બેન્કમાં જવાનું કહેતા તો તરત કહેતી ના હો મને બેન્કમાં બહુ બીક લાગે છે આમ મારી મા જીવનની નાની મોટી તમામ બાબતમાં મારા પિતા ઉપર નિર્ભર હતી એક રાત્રે અચાનક મારા પિતાને છાતીમાં દુખાવો ઉપડયો અને હાર્ટ ફેલીયરમાં તેમનું અવસાન થયુ.
આમ ઘરમાં તમામ માટે બીચારી અને ભોળી બની જીવવાની મારા માને ટેવ પડી ગઈ હતી, પણ હવે મારા પિતા રહ્યા ન્હોતા, સવારની પહેલી ચ્હા જે મારા પિતા બનાવતા હતા ત્યાંથી લઈ હવે તમામ બાબતો અને તેનો નિર્ણય તેણે પોતાને કરવાનો હતો. મારા પિતા ગુજરી ગયા ત્યારે મારી મા પચાસ વર્ષની હતી, તેણે અમને કઈ કહ્યુ નહીં, સૌથી પહેલા તેણે પચાસ વર્ષની ઉમંરે સ્કુટર શીખવાનું શરૂ કર્યુ, અને થોડાક દિવસમાં તેઓ ઓફિસે અમદાવાદના ટ્રાફિકમાં સ્કુટર લઈ જવા લાગી,તેને જે બેન્કમાં ડર લાગતો હતો હવે તે બેન્કમાં રોજ જવા લાગી,તેને લાગતુ હતું મને નહીં આવડે, મને ખબર નહીં પડે તે બધુ જ તે શીખી ગઈ તેના મૃત્યુના અંતિમ દિવસ સુધી તે માનસીક રીતે કોઈની ઉપર નિર્ભર ન્હોતી કારણ તેને કોઈ બીચારુ કહેનાર રહ્યુ ન્હોતુ.આમ જેઓ પોતાને બીચારા સમજે છે તેઓ જીંદગીની લડાઈમાં કારણ પાછળ રહી જાય છે.
આવુ જ આપણા સમાજમાં પણ છે સમાજના એક મોટા વર્ગને બીચારો રહેવાની જ મઝા પડે છે,એક વર્ગ એવો છે કે જેમને કોઈ પોતાને બીચારા કહે તેનો ગુસ્સો આવે છે,તેમને કોઈની દયા ખપતી નથી, ભારતને આઝાદી મળી ત્યારે ભારતનું વિભાજન થશે તેવી દેશના નેતાઓ અને દેશના લોકોને અપેક્ષા ન્હોતી, વિભાજન બાદ મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત પણ થયા, આપણા દેશમાં લાખોની સંખ્યામાં સિંધી અને શીખો ભારતમાં આવ્યા,જેઓ ભારતમાં આવ્યા તેવા લાખો સિંઘીઓ અને શીખો પહેરાલા કપડે ભારતમાં આવ્યા હતા,તેઓ પોતાના ઘર,પોતાની જમીન અને જીવનભર કમાવેલી મુડી જીવવા બચાવવા છોડી ભારત આવ્યા હતા,તે તમામની સ્થિતિ એક ભીક્ષુક કરતા પણ બદત્તર હતી, પણ સિંઘી અને શીખોએ ભારતમાં આવ્યા પછી બીચારા બની જીવવાને બદલે જીંદગીની લડાઈ જાતે લડી લેવાનો નિર્ણય કર્યો,તેમણે સરકાર અને સમાજ મદદ કરશે તેવી અપેક્ષા રાખ્યા વગર રસ્તા ઉપર આવી ગયેલી પોતાની જીંદગી નવેસરથી સજાવવાનો નિર્ણય કર્યો.
મારી ઉમંર આજે પચ્ચાવન વર્ષની છે, મે અનેક ભીક્ષુકોઅને મંદિરોની બહાર રસ્તા ઉપર ભીખ માગતા જોયા છે, ભીખ માંગવા માટેની પહેલી લાયકાત ચહેરા ઉપર લાચારી અને બીચારા હોવાનો ભાવ હોવો જરૂરી છે, પણ મેં મેં આજ સુધી રસ્તા ઉપર કોઈ સિંઘી અને શીખને ભીખ માગતા જોયો નથી,તમે પણ યાદ કરજો કદાચ તમને પણ યાદ આવશે નહીં, ગુજરાતમાં શીખોની સંખ્યા ઓછી છે પરંતુ સિંઘી સમાજ મોટો છે, મેં અનેક સિંધીઓને ગરીબ જોયા છે, પરંતુ કોઈ સિંધીને ભીખ માંગતા જોયો નથી, કરોડપતિ અને લાખોપતિ સિંધીઓ અનેક છે તેની સામે સામાન્ય સિંધીઓની સંખ્યા મોટી છે, પણ દરેક સિંધી નાનો મોટો ધંધો કરે છે, સિંધીઓને બસ સ્ટેન્ડ ઉપર બે-પાંચ રૂપીયાના બીસ્કીટ અને ચોકલેટ વેંચવામાં સંકોચ થતો નથી, કારણ તેઓ મહેનતકશ પ્રજા છે તેઓ ભારત આવ્યા ત્યારે સાવ રસ્તા ઉપર હતા અને બીચારા હતા પણ તેમને બીચારાની જીંદગી મંજુર ન્હોતી.`








