દેવલ જાદવ નવજીવન: અમદાવાદના સાણંદ નજીક આવેલું નળસરોવર યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં વિશ્વના વિવિધ સ્થળોએથી મોટી સંખ્યમાં પક્ષીઓ અહીં ઉમટે છે. બસોથી વધુ જાતિના પક્ષીઓ નળસરોવરમાં ઋતુ-પ્રવાસે આવે છે. જો કે હવે આ પ્રકૃતિના ખોળામાં વસેલાં પક્ષીઓના સ્વર્ગ એવા નળસરોવરના નૈસર્ગિક વાતાવરણ સામે જોખમ ઉભું થવા જઈ રહ્યું છે. વાત એમ છે કે સાણંદથી નળસરોવર જવાનો રસ્તો પહોળો કરવાની યોજના આકાર લઈ રહી છે અને તેના કારણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સાણંદના ગોરજ ગામની આજુબાજુના વિસ્તારમાં રોડ પરના વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી છે.
આ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં ઘટાદાર વૃક્ષો આવેલા છે અને તેના કારણે આ વિસ્તાર ખૂબ શાંત અને રળિયામણો લાગે છે. વળી, આ જ કારણે અહીંની નૈસર્ગિક સુંદરતા જળવાઈ છે. સ્થાનિક પક્ષીઓ માટે આ વૃક્ષો કોઈ અભયારણથી કમ નથી! આ વિસ્તારમાં આવેલાં કેટલાંક વૃક્ષો તો 50 વર્ષથી પણ વધુ જૂના છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વૃક્ષો કાપવાનો જે નિર્ણય લેવાયો છે, તે સંદતર અયોગ્ય છે. વૃક્ષોને પક્ષીઓનું ઘર કહેવાય છે અને જે અભયારણના વિકાસનો હવાલો આપીને આ નિર્ણય લેવાયો છે, એ જ અભયારણની આસપાસનો વિસ્તાર વૃક્ષ વિહોણો બનશે, તો કેવી રીતે પક્ષીઓ અભય રહી શકશે! વળી, આ નળસરોવર અભયારણથી થોડે અંતરે થોળ અભયારણ પણ આવેલું છે અને આ બંન્ને અભયારણો વિદેશી અને સ્થાનિક પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે.
સાણંદમાં આવેલી સાધના ફાઉન્ડેશન પક્ષીઓ માટે ઘણા વખતથી કાર્ય કરી રહી છે. તેઓ વિદેશથી આવતા પક્ષીઓની સફર અંગે પણ અભ્યાસ કરે છે. સંસ્થાના ટ્રસ્ટી ગૌરવ ઠક્કરે વૃક્ષો કાપવાના આ નિર્ણય કેટલો અયોગ્ય છે તે સમજાવતા કહ્યું છે કે, “વૃક્ષો પક્ષીઓના ઘર છે. વિદેશી આવતા પક્ષીઓ હજારો કિલોમીટરની સફર ખેડીને અહીં પહોંચે છે. એ રીતે સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ આવા વૃક્ષો પર વિસામો લે છે અને અહીં માળા બનાવે છે. આવા સમયે જો તેઓ વિસામા સમા વૃક્ષો જ કાપી નાંખવામાં આવશે, તો પક્ષીઓ માટે તે ખૂબ નુકસાન કરતા બની રહેશે. આપણે વૃક્ષારોપણના કાર્યક્રમો કરવાના હોય અને તેને બદલે આવી બેવડી નીતિ અપનાવીએ છીએ.”
એટલું જ નહીં પરંતુ વૃક્ષો કાપવાથી પર્યાવરણને પણ નુકસાન પહોંચશે તેની વાત પણ ગૌરવ ઠક્કરે કરી હતી. સાણંદ એક ઔધોગિક વિસ્તાર બની રહ્યો છે અને તેના કારણે પાછલાં એક દાયકાથી અહીં આવેલાં ઘણા મોટો અને જૂના વૃક્ષોનું કાપી નાંખવામાં આવ્યાં છે. માણસજાત દ્વારા ઔધોગિકીકરણ અને વિકાસની જે રેસ શરૂ થઈ છે, તેનો ભોગ પ્રકૃતિ બની છે. આવનારા વર્ષોમાં આપણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. એમાંય જ્યારે તમે પ્રાણી-પક્ષીઓના માટે અભય કરી મૂકેલા નળસરોવર જેવા વિસ્તારમાં જ જો વૃક્ષોનું નિકંદન નીકળી જશે તો પર્યાવરણને બહું મોટું નુકસાન થશે.”
જાણીતા પર્યાવરણવિદ્ અને નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર વી. ડી. બાલાએ આ વિશે જણાવ્યું હતું કે, “એક વૃક્ષ વીસ વર્ષથી વધુ વયનું થાય છે ત્યારે જો તેને કાપવામાં આવે તો તેનું નુકસાન પચ્ચીસ લાખ સુધીનું આંકી શકાય. અહીંયા તો પચાસ વર્ષથી પણ ઊભા રહેલાં વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે. આ રીતે તો આખી ઇકો સિસ્ટમ ખોરવાશે. ઘણાં જીવજંતુઓ અને પક્ષીઓ આ વૃક્ષો પર નભે છે અને તેમના જીવન પર તેની અસર પડશે.”
આ માટે વી. ડી. બાલાએ એક સૂચન પણ કર્યું છે જેથી વૃક્ષોને બચાવી શકાય. તેઓનું માનવું છે કે એક તરફના વૃક્ષોને કાપીને માર્ગની બીજા બાજુના વૃક્ષો સુરક્ષિત રાખી શકાય. આ રીતે કમસે કમ નુકસાનને ઘટાડી શકાય. સામાન્ય રીતે વૃક્ષારોપણ કરીને આપણે હરખ કરતાં હોઈએ છીએ પણ જે વૃક્ષો પચાસ-પચાસ વર્ષથી ઊભા હોય તેનું નિકંદન માત્ર રસ્તા માટે કરવામાં આવે તે કોઈ પણ રીતે પર્યાવરણનું તો હિત તો નથી, પક્ષીઓનું પણ નથી અને માનવજાત માટે પણ નથી.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.