Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadગાંધી જેલમાં જ જીવે છે, તેવું ગોપાલ માની રહ્યો હતો તે હવે...

ગાંધી જેલમાં જ જીવે છે, તેવું ગોપાલ માની રહ્યો હતો તે હવે જે નિર્ણય લેવાનો હતો તે જીવનનો સૌથી મોટો નિર્ણય હતો

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-67): Nadaan Series : ગોપાલના મનમાં આખી રાત પત્રકાર આદેશના શબ્દો ઘુમરાયા કર્યા. આદેશે જે વાત કરી, એ વાત તેણે બુક રેકોર્ડિંગ દરમિયાન પણ વાંચી હતી. કદાચ એ સમયે ગાંધીના વિચારો તેનાં મનને પ્રભાવિત કરી શક્યા નહોતા. પણ પત્રકાર આદેશને સાંભળ્યા પછી વિચાર તેને આવ્યો કે, આજના સમયમાં પણ ગાંધીના વિચારો પ્રમાણે જીવી શકાય ખરું. ગોપાલે એ બાબતે ખૂબ વિચાર કર્યો. તેને મનમાં થયું કે, હમણાં સુધી મેં કેસમાં માત્ર જૂઠનો જ સહારો લીધો છે. જ્યારે મારી સામે કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે પણ મેં વકીલે શીખવાડ્યા પ્રમાણે જ કોર્ટને કહ્યું છે કે, હું નિદોર્ષ છું. પણ તે સાચુ નહોતું.

સવારે તૈયાર થઈને ગોપાલ સીધો ટેલીફોનબુથ પર ગયો. ત્યાં ફોન કરવા આવેલા કેદીઓની લાંબી લાઇન હતી. લાઇનમાં ઊભા રહેલા ગોપાલને ત્યારે જરા પણ વિચાર ન આવ્યો કે, લાઇન કેટલી લાંબી છે! કારણ કે તેની અંદર વિચારોની ગડમથલ ચાલી રહી હતી. તેને ખબર પડી રહી નહોતી કે, તેણે જે નિર્ણય કર્યો છે; એ સાચો છે કે ખોટો? તેનું મગજ કહી રહ્યું હતું કે, તેનો નિર્ણય મૂર્ખતા ભરેલો છે; પણ તેનું હૃદય કહી રહ્યું હતું કે, આ નિર્ણય અને આ રસ્તો જ સાચો છે.

- Advertisement -

લગભગ અડધો કલાક પછી તેનો નંબર આવ્યો. ફોન કરનારા કેદીએ ત્યાં રહેલા ડ્યૂટી પરના જમાદારને કોને ફોન કરવા માગે છે? અને ફોન નંબર. બધી વિગત નોંધાવવાની હોય છે. દરેક કેદીને અઠવાડિયામાં એક વખત પાંચ મિનિટ વાત કરવા મળે છે. પાંચ મિનિટ થાય એટલે ફોન આપોઆપ કટ થઈ જાય. તેની સાથે આ ફોન ઓટોમેટિક રેકોર્ડ થાય, એટલે કેદીએ શું વાત કરી? તેની પણ જેલ અધિકારીઓને ખબર પડે. ગોપાલે પહેલાં નંબર લખાવ્યો પછી નામ લખાવ્યું, “એડ્વોકેટ ચાંપાનેરી.”

જમાદારે નંબર જોડ્યો અને ફોન કનેક્ટ થતાં તેણે ગોપાલને આપ્યો. ગોપાલે કહ્યું, “હેલો સર.”

સામેથી કોઈ ઉત્તર મળ્યો નહીં. ગોપાલે જ વાત આગળ ચલાવતાં કહ્યું, “સર, સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ગોપાલ બોલું છું. મેં મારી અપીલ કરવાનો કેસ તમને આપ્યો છે.”

- Advertisement -

સામેથી જવાબ મળ્યો, “હા હા. અરે ગોપાલ, બોલ. શું છે?”

ગોપાલે કહ્યું, “સર, મારી એક વિનંતી છે. હાઇકોર્ટમાં તમે મારી અપીલ ચલાવો ત્યારે મારે હાઇકોર્ટને બધું જ સાચું કહેવું છે.”

થોડીક શાંતિ પછી એડ્વોકેટ ચાંપાનેરીએ પૂછ્યું, “સાચુ બોલવું છે? એટલે શું?”

- Advertisement -

ગોપાલે કહ્યું, “હું તો નિદોર્ષ નથી. મેં જાણી જોઈને ગુનો કર્યો છે. આવું મારે હાઇકોર્ટને કહેવું છે.”

એડ્વોકેટ ફરી એડ્વોકેટ વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું, “ગોપાલ, મારી કરિયરમાં કોઈપણ ગુનેગારે પોતાનો ગુનો કબુલ્યો હોય, એવું બન્યુ નથી. હું તારો વકીલ છું. તું કહીશ એ પ્રમાણે તારો કેસ લડીશ; પણ જો તું હારી જાય તો મારી જવાબદારી નહીં.”

ગોપાલ મનમાં બબડ્યો, વકીલ ક્યારે કોઈ જવાદારી લે છે? એડ્વોકેટને કોઈ જવાબ નહીં મળતાં તેમણે પૂછ્યું, “ગોપાલ, સાંભળે છેને?”

ગોપાલે કહ્યું, “જી સર, સાંભળુ છું. મેં બહુ વિચારીને આ નિર્ણય કર્યો છે. હું હાઇકોર્ટ સામે રૂબરુ આવીને કબુલાત કરવા માગું છું.”

ચાંપાનેરીએ કહ્યું, “પાર્ટી ઇન પર્સન?”

ગોપાલે કહ્યું, “જી સર. પણ તમારી હું ફી આપી દઈશ. તેની ચિંતા ન કરતા.”

ચાંપેનરીએ કહ્યું, “હું ફીની ચિંતા નથી કરતો. હું તો તારી ચિંતા કરી રહ્યો છું. મને તારો સાચું બોલવાનો નિર્ણય વ્યાજબી લાગતો નથી.”

ગોપાલે દલિલ કરતાં કહ્યું, “સાહેબ, મને દસ વર્ષની સજા થઈ છે. જો હારી જઈશ તો મારી દસ વર્ષની સજા યથાવત્ રહેશે. તેના કરતાં ખરાબ શું થઈ શકે છે? પણ હવે નક્કી કર્યું છે કે, ખોટું બોલવું નથી.”

ફોનમાં એકદમ અવાજ બંધ થઈ ગયો. ગોપાલ હેલો હેલો કરવા લાગ્યો. જમાદારે કહ્યું, “ફોન મૂકી દે. પાંચ મિનિટ થઈ ગઈ છે.”

ગોપાલ બુથની બહાર આવ્યો. કદાચ જેલમાં આવ્યા પછી તેનું મન પહેલી વખત એકદમ શાંત હતું. કદાચ તેણે સાચુ બોલવાનો નિર્ણય કર્યો એટલે તેની અંદર એક પ્રકારની શાંતિ પ્રવર્તી રહી હતી. તે ફોન કરીને લીગલ ઑફિસમાં પહોંચ્યો. નીતિન કાકાને રામ રામ કરીને પોતાના ટેબલ ઉપર બેઠો. કાકા તેની સામે જોઈ રહ્યા હતા. થોડીવાર પછી નીતિનકાકાએ પૂછ્યું, “આજે કેમ ખુશ લાગે છે?”

ગોપાલ હસ્યો. તેણે કહ્યું, “ના કાકા, હવે ખુશ થાઉં તેવા કોઈ સમાચાર આવતા નથી.”

કાકાના ચહેરા પર પણ સ્મિત આવ્યું. કેદીઓની રજાની અરજી અને કોર્ટને મોકલવાના કાગળોના ઇનવર્ડ નંબર નાખતાં ગોપાલને કંઈક યાદ આવ્યું. તેણે કહ્યું, “કાકા, તમને એક વાત કરવાની છે.”

કાકાએ કાગળો વાંચતાં વાંચતાં જ કહ્યું, “બોલ.”

ગોપાલે કહ્યું, “કાકા, મેં હાઇકોર્ટમાં મારી અપીલ ચાલે, ત્યારે બધું જ સાચું કહેવાનો નિર્ણય કર્યો છે.”

કાકાએ એકદમ ઉપર જોયું. માત્ર કાકા જ નહીં, ત્યાં કામ કરતા બધા જ કેદીઓ ગોપાલ સામે જોવા લાગ્યા. બધાએ એવી રીતે એની તરફ જોયું, જાણે ગોપાલે કોઈ મોટો ગુનો કર્યો હોય! ગોપાલે ત્યાં રહેલા કેદીઓ સામે જોયું. પછી કાકા સામે જોતાં કહ્યું, “કાકા મેં, તમે અને આ બધાએ કોર્ટમાં ટ્રાયલ દરમિયાન તો ખોટું જ કહ્યું હશે. તો પણ આપણને સજા થઈ છે. હવે મને લાગે છે કે, સાચું બોલવું જોઈએ.”

નીતિનકાકા એકદમ શાંત થઈ ગયા. પછી એકદમ હસવા લાગ્યા અને બોલ્યા, “આ તું રોજ ગાંધીયાર્ડમાં જાય છે, તેની માનસિક અસર થઈ લાગે છે.”

બધા કેદીઓ કાકાની વાત સાંભળીને હસી પડ્યા. ગોપાલને એ ગમ્યું નહીં. તેણે કહ્યું, “કદાચ તમારી વાત સાચી છે. ગાંધીયાર્ડમાં ગયા પછી જ મને આ વિચાર આવ્યો. પણ સાચું બોલવામાં ક્યાં વાંધો છે?”

કાકાએ એકદમ શાંતિથી પોતાનો પક્ષ મૂકતાં કહ્યું, “જો, અપીલનો અર્થ એવો થાય છે કે, ટ્રાયલ કોર્ટે તને સજા કરી એ ભૂલભરેલી છે. તારા બચાવના મુદ્દા નીચલી અદાલતે ધ્યાનમાં લીધા નથી. તારા હાઇકોર્ટના વકીલે સાબિત કરવાનું હોય છે કે, નીચલી અદાલતનો હુકમ ભૂલભરેલો છે.”
ગોપાલે કાકાને અટકાવતાં કહ્યું, “કાકા, મને સજા કરવાનો હુકમ ભૂલભરેલો નથી. મેં ગુનો કર્યો છે અને તેની મને સજા મળી છે.”

કાકાએ તેને સવાલ પુછ્યો, “તો તારે હાઇકોર્ટમાં શું કામ જવું છે? અરે, વકીલની પણ ક્યાં જરૂર છે? પાર્ટી ઇન પર્સન તરીકે હાઇકોર્ટમાં ઊભો રહી જા અને બધું સાચુ કહી દે.”

ગોપાલના ચહેરા પર ખુશી દોડી આવી. તેણે કહ્યું, “યસ કાકા, મેં મારા વકીલને એવું જ કહ્યું છે કે, મારે કોર્ટની રૂબરુ આવીને સાચુ કહેવું છે.”

કાકા વિચારમાં પડી ગયા. તેમને લાગ્યું કે, ગોપાલનું છટકી ગયું છે. ગોપાલની પત્નીએ તેને છોડી દેવાનો નિર્ણય કર્યો, એના કારણે તેની માનસિક સમતુલા બગડી ગઈ છે. કાકાએ કહ્યું, “ખેર, તને યોગ્ય લાગે એવું કરજે.”

ફરી કાકાએ કામની શરૂઆત કરી અને હસતાં હસતાં બોલ્યા, “ભારતમાં ગાંધીજી પછી કોઈનું નામ લેવામાં આવશે; તો ગોપાલ, એ તારું જ હશે.”

ગોપાલને સંકોચ થયો. તેણે કહ્યું, “કાકા, ગાંધી તો બહુ મોટો માણસ છે. હું ખૂબ નાનો છું. બસ, તેમના પગલે એક પગલું ચાલવું છે.”

(ક્રમશઃ)

PART 66 : પત્રકાર આદેશે કેદોઓને કહ્યું અમારા કરતા તમે ગાંધીની વધારે નજીક છો અને ગાંધીજી તમારા કારણે આજે જીવંત છે

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular