Rajkot Rape and murder case: રાજકોટમાં વૃદ્ધા પર દુષ્કર્મ બાદ હત્યાના ચકચારી કેસમાં પોલીસે રમેશ વૈધુકિયાની ધરપકડ કરી છે. 21 ઓગસ્ટે આજીડેમના કાંઠેથી 77 વર્ષીય વૃદ્ધાની શંકાસ્પદ લાશ મળી આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજના આધારે રિક્ષાચાલક સુધી પહોંચેલી પોલીસે પૂછપરછ કરતાં તેણે વૃદ્ધાને રિક્ષામાં લઈ જઈ દુષ્કર્મ બાદ હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં આરોપી અગાઉ પણ હત્યા અને દુષ્કર્મ બાદ હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.
વૃદ્ધાનો મૃતદેહ મળ્યા બાદ પોલીસ માટે સૌથી મોટો પડકાર તેમની ઓળખ અને હત્યાનું રહસ્ય ઉકેલવાનો હતો. પોલીસને 20 ઓગસ્ટે કુવાડવા પોલીસ દ્વારા કરવામાં આવેલી ગુમ નોંધ મળી હતી. ત્યારબાદ ગુમ થયેલી વૃદ્ધાના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ મૃતદેહની ઓળખ મંજુબેન તરીકે કરી હતી. પરિવારના જણાવ્યા મુજબ 19 ઓગસ્ટે બપોરે આશરે 11 વાગ્યે વૃદ્ધાને સાત હનુમાન મંદિર પાસે ભિક્ષાવૃત્તિ માટે બેસાડવામાં આવ્યા હતા. સાંજે આશરે 5:30 વાગ્યે તેઓ ત્યાં જોવા ન મળતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી અને બાદમાં પોલીસને જાણ કરી હતી.
મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તબીબે મોત અંગે શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે વૃદ્ધા જ્યાંથી ગુમ થયા હતા ત્યાંથી મૃતદેહ મળ્યો તે સ્થળ સુધીના રૂટના CCTV ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન સાત હનુમાન મંદિર પાસેથી એક શખ્સ વૃદ્ધાને રિક્ષામાં બેસાડીને લઈ જતો જોવા મળ્યો હતો.
CCTVમાં રિક્ષા સાત હનુમાન મંદિર પાસેથી બપોરે 3:53 વાગ્યે નીકળી હોવાનું સામે આવ્યું હતું. રિક્ષા માલિયાસણ ચોકડીથી પરત યુ-ટર્ન લઈ ગ્રીનલેન્ડ ચોક પહોંચી હતી અને ત્યાંથી ગોંડલ રોડ તરફ ગઈ હતી. ત્યારબાદ આજીડેમ ચોક થઈને ભાવનગર રોડ પર આવેલા મોગલ માતાજીના મંદિર પાછળ આજીડેમના કાંઠા સુધી પહોંચી હતી. રસ્તામાં રિક્ષા બે વખત રોકાઈ હોવાનું પણ CCTV તપાસમાં સામે આવ્યું હતું.
CCTVના આધારે પોલીસે રિક્ષાચાલકની શોધખોળ શરૂ કરી હતી. રિક્ષાચાલક રમેશ વૈધુકિયાની પૂછપરછ કરતાં તેણે વૃદ્ધાને મંદિર પાસેથી ઘરે પહોંચાડવાનું કહી રિક્ષામાં બેસાડ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અલગ-અલગ સ્થળે રિક્ષા ઊભી રાખી ધોકાથી હુમલો કરી વૃદ્ધાને અર્ધબેભાન કરી હતી. બાદમાં રાજકોટ-ભાવનગર હાઈવે પર મોગલ માતાજીના મંદિર પાસે આજીડેમના કાંઠે લઈ જઈ રિક્ષામાં તેમની સાથે શારીરિક સંબંધ બાંધી હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતદેહને ઠેકાણે પાડવા કપડું વીંટીને નદીના કિનારે ફેંકી દીધો હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં આરોપી રમેશ વૈધુકિયા અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. વર્ષ 2018માં રાજકોટમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવાના કેસમાં તેને 2020માં રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. જોકે, ત્રણ મહિના પહેલાં હાઈકોર્ટમાંથી તે નિર્દોષ છૂટ્યો હોવાનો અહેવાલ છે.
આરોપી સામે વર્ષ 2018માં વૃદ્ધાની લૂંટ અને હત્યાનો કેસ પણ નોંધાયો હતો. 7 ફેબ્રુઆરી 2018ના રોજ રમેશ એક વૃદ્ધાને રિક્ષામાં બેસાડી લઈ ગયો હતો. વૃદ્ધાને દૂરનું દેખાતું ન હોવાનું જાણ્યા બાદ તેણે તેમને ઘરે પહોંચાડવાને બદલે માલિયાસણ નજીક લઈ જઈ સોનાના ઘરેણાં લૂંટ્યા હતા. વૃદ્ધાએ બૂમાબૂમ કરતાં તેમના પર પથ્થરથી હુમલો કરી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ લૂંટેલા ઘરેણાં વેચીને મળેલા રૂપિયાથી મિત્રો સાથે પાર્ટી કરી હતી.
બે દિવસ બાદ 9 ફેબ્રુઆરી 2018ના રોજ આરોપીએ ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. બાળકીને ફોસલાવી ભાડાની રિક્ષામાં ભાવનગર રોડ પર આવેલા જૂના PTC મેદાન પાસે લઈ ગયો હતો. ત્યારબાદ અવાવરુ સ્થળે આવેલા ખંડેર જેવા મકાનમાં લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને પથ્થરના ઘા મારી તેની હત્યા કરી હોવાનો આરોપ છે. બાળકીના માતા-પિતા મૂળ મધ્યપ્રદેશના હતા અને રાજકોટમાં મજૂરી કામ કરતા હતા.
બાળકીની લાશ મળી આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પરથી મળેલા પુરાવાના આધારે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી અને આશરે 50 શકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PSI કે.કે. જાડેજાને એક રિક્ષામાં બાળકી છુપાવીને લઈ જતા શખ્સ પર શંકા ગઈ હતી. તેના કપડાં અને હાથમાં પહેરેલા કડાના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી. આ દરમિયાન લૂંટ સાથે હત્યાના કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા રમેશ વૈધુકિયાની પૂછપરછ કરતાં તેણે બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત વર્ષ 2010માં ચોટીલામાં કૌટુંબિક ઝઘડાને કારણે પોતાના બનેવીના ભાઈની હત્યા કરી હોવાનો પણ આરોપી સામે ગુનો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આમ, છેલ્લા 16 વર્ષ દરમિયાન રમેશ વૈધુકિયા સામે કુલ ચાર હત્યાના ગુનાઓમાં સંડોવણી સામે આવી હોવાનું પોલીસ તપાસમાં જણાવાયું છે, જેમાં બે દુષ્કર્મ બાદ હત્યાના કેસનો સમાવેશ થાય છે.
હાલ રાજકોટ પોલીસે 77 વર્ષીય વૃદ્ધાના દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં રમેશ વૈધુકિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તેની અગાઉની ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ તાજેતરની ઘટનાના સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ કરી રહી છે.








