Wednesday, August 26, 2026
HomeGujaratપોલીસની આંતરિક લડાઈમાં પોલીસવાળા જ એકબીજાને ફસાવતા | શતરંજ- 9

પોલીસની આંતરિક લડાઈમાં પોલીસવાળા જ એકબીજાને ફસાવતા | શતરંજ- 9

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-9, નવજીવન ન્યૂઝ): ક્રાઇમ-બ્રાન્ચના પોલીસ સ્ટેશન-ઑફિસરના ટેબલ ઉપર પડેલા ફોનની ઘંટડી રણકી. તેણે ફોન ઉપાડતાં કહ્યુંઃ “નમસ્કાર ક્રાઇમ-બ્રાન્ચ.” એકાદ ક્ષણ ફોન સાંભળી ફોન મૂકી, દીવાલ ઉપર રહેલી ઘડિયાળ તરફ નજર કરી. હજી દસ વાગી રહ્યા હતા. તે મનોમન બોલ્યો : આજે વહેલા આવી રહ્યા છે! સામે બેઠેલા પીએસઓ-એ કૉન્સ્ટેબલને ઉતાવળા સ્વરમાં કહ્યું “જલદી ડીસીપી સાહેબની ચેમ્બરનું એસી ચાલુ કરી દે. ગાંધીનગરથી નીકળી ગયા છે.” કૉન્સ્ટેબલ તરત ત્યાંથી એસી ચાલુ કરવા ચેમ્બર તરફ ગયો. ડીસીપી જે. કે. વછરાજાનીને એસીની એટલી આદત પડી ગઈ હતી કે, તેમને ઘરેથી અથવા ઑફિસથી બહાર જવાનું હોય તો તેના અડધો કલાક પહેલાં ડ્રાઇવર કારનું એસી ચાલુ કરી દેતો અને જો ઑફિસે આવવાના હોય તો તેમના આવતાં પહેલાં તેમનો ડ્રાઇવર ફોનથી ઑફિસમાં જાણ કરી દેતો જેથી રૂમ ચિલ્ડ થઈ જાય. વછરાજાનીને ગાંધીનગરમાં હવેલી જેવો વિશાળ બંગલો હતો. તેમની રહેણીકરણી કોઈ રાજા-મહારાજા કરતાં ઓછી ન હતી. જોકે માંસ અને મદિરાને સ્પર્શ કરતા ન હતા. બરાબર સાડા દસ વાગે તેમની કાર ક્રાઇમ-બ્રાન્ચમાં દાખલ થઈ. સામાન્ય રીતે તેઓ કોઈ દિવસ બાર-એક વાગ્યા પહેલાં ક્રાઇમ-બ્રાન્ચ આવતા ન હતા, સંત્રીને પણ આશ્ચર્ય થયું હતું. વછરાજાની ચેમ્બરમાં દાખલ થયા. થોડી મિનિટોમાં તેમની પાછળ એફ.આઈ.આર. અને સ્ટેશન-ડાયરી લઈ પીએસઓ આવ્યો. તે દાખલ થતાં તેની નજર વછરાજાની સાહેબ ઉપર પડી. તેમણે યલો શર્ટ અને વ્હાઇટ પૅન્ટ પહેર્યાં હતાં, તેમના વ્હાઇટ બૂટ, ઉતારેલા હતા. પીએસઓ તરફ તેમની પીઠ હતી. હાથમાં સળગતી અગરબત્તી હતી, જે તેઓ તેમના શ્રદ્ધેય અઘોરીબાબાની તસવીર સામે મૂકી રહ્યા. લગભગ એકાદ મિનિટ સુધી બંને હાથ જોડી શાંત મુદ્રામાં બાબાની તસવીર સામે ઊભા રહ્યા અને પાછા ફરતાં તેમની નજર પીએસઓ ઉપર પડતાં પ્રેમપૂર્વક બોલ્યા : “રાજેન્દ્રસિંહ, કેમ છો? ઘરે બધાં કેમ છે?” રાજેન્દ્રસિંહ ગદ્ગદ થઈ ગયો કારણ કે ડીસીપીએ તેના પરિવારના ખબર પૂછ્યા હતા. તેણે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો : “મોટા દીકરાએ એન્જિનિયરિંગમાં ઍડમિશન લીધું છે, નાનો હજી દસમામાં છે.” વછરાજાનીએ ખુરશીમાં બેસતાં સલાહ આપી : “જુઓ બાપુઓ તો પોલીસમાં જ આવે છે, પણ હવે આપણું ખાતું પહેલાં જેવું રહ્યું નથી. એટલે પોલીસ તો બનાવીશ નહીં. તેને ભણાવજે, કારણ કે પૈસા તો ખૂટી પડતા સમય નહીં લાગે પણ ભણેલું ક્યારેય નકામું નહીં જાય. હવેના સમયમાં પૈસા કોઈની પાસે છે તે નહીં, કોની પાસે કેટલું જ્ઞાન છે તે જોવામાં આવશે અને જ્ઞાનીને ધનવાન માનવામાં આવશે.” રાજેન્દ્રસિંહ ‘જી’ ‘જી’ કરી રહ્યા હતા. જોકે પોલીસમાં ત્રીસ વર્ષ નોકરી કરી ચૂકેલા રાજેન્દ્રસિંહ કેટલું સમજ્યા હતા, તે કહેવું મુશ્કેલ હતું. વાત બદલતાં ખુદ ડીસીપીએ પૂછ્યું : “બોલો શું લાવ્યા છો?” પીએસઓ એ પોતાના હાથમાં રહેલા વજનદાર ચોપડા ડીસીપીના ટેબલ ઉપર મૂક્યા અને ગઈ રાતથી આજ સવાર સુધી કઈ કઈ બાબતો બની તેનો ઉલ્લેખ કર્યો. હાથમાં રહેલી બંધ પેન વછરાજાની લખેલી એક-એક લાઇન ઉપર ફેરવી વાંચી રહ્યા હતા.

અરેસ્ટ-રજિસ્ટરમાં અકરમ અને મોહનનું નામ આવતાં પૂછ્યું : “આ બંનેને કોણ લાવ્યું છે?” પીએસઓ-એ કહ્યું ઃ “સાહેબ, પીએસઆઈ પંડ્યા.” વછરાજાનીએ વિચાર કરી પૂછ્યું : “બંનેને લૉકઅપમાં રાખ્યા હતા ને?” વછરાજાનીએ પીએસઓના ચહેરા સામે જોયું. જે જોવા માગતા હતા કે ચહેરો સાચું બોલે છે કે ખોટું. તેણે જવાબ આપ્યો : “સાહેબ, હું તો સવારે આઠ વાગે નોકરીએ ચઢ્યો ત્યારે બંને લૉકઅપ રૂમમાં જ હતા’. વછરાજાનીએ ચેતવણી આપતાં કહ્યુંઃ “તેમને લૉકઅપની બહાર કાઢો ત્યારે ધ્યાન રાખજો. બે વખત તે પોલીસ- કસ્ટડીમાંથી ભાગી છૂટ્યા છે.” પીએસઓ બધી બાબતોનો જવાબ ‘જી’ ‘જી’ કહીને જ આપતો હતો. બધું પતાવી પીએસઓ ચેમ્બરની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે વછરાજાનીએ કહ્યુંઃ “પીએસઆઈ પંડ્યા આવે તો મોકલજો.” પીએસઓ-એ કહ્યુંઃ “સાહેબ તો છ વાગ્યા સુધી હતા. તેમની નાઇટ હતી.” “કંઈ વાંધો નહીં. જ્યારે આવે ત્યારે મળવાનું કહેજો.”

- Advertisement -

પીએસઓ પાસે ત્રણ પ્રકારના ચોપડા હતા. જેમાં ગુનાઓ નોંધવામાં આવે તે એફઆરઆઇ રજિસ્ટર હતું; બીજી સ્ટેશન-ડાયરી હતી, જેમાં પોલીસની કામગીરીની નોંધ હતી; અને ત્રીજું લૉકઅપ-બુક હતી. જેટલા આરોપીઓની ધરપકડ થઈ હોય તેમને લૉકઅપમાં મૂકવામાં આવે અને તેની નોંધ આ ચોપડામાં થતી હતી. જોકે ક્રાઇમ-બ્રાન્ચમાં વર્ષોથી ધરપકડ કરાયેલા ગુનેગાર કરતાં ગેરકાયદે રાખવામાં આવેલા ગુનેગારોની સંખ્યા વધતી રહેતી હોય છે. આ ગુનેગારોની નોંધ લૉકઅપ-બુકમાં ના હોય. ક્રાઇમ-બ્રાન્ચમાં દાખલ થયા પછી ડાબી તરફ વળો એટલે સીડી સીધી પહેલે માળે જાય છે. ત્યાં એક લાંબો હૉલ છે, જેની શરૂઆતમાં બે એસઆરપી જવાનો બેઠા હોય. અને ડાબી તરફની દીવાલ તરફ નજર કરો તો કાયમ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ દીવાલ તરફ મોઢું કરી લાઇનસર બેઠી હોય. પહેલી વખત આવનારને તો આ બધા દીવાલ તરફ કેમ બેઠા છે તેની સમજ જ ના પડે. પણ સાચી વાત એવી હતી… દીવાલની અંદર સિમેન્ટમાં ખાસ પ્રકારની હાથકડીઓ ફિટ કરેલી હતી, એટલે જે ગુનેગાર અથવા શંકાસ્પદને કોઈ પણ પ્રકારની નોંધ વગર રાખવાનો હોય તો હાથકડી બાંધી દીવાલ તરફ મોઢું રાખી દિવસો સુધી બેસાડી રાખતા હતા.

આ એક મેન્ટલ ગેમ પણ હતી. રીઢા ગુનેગારોને પોલીસ પૂછે અને બોલવા લાગે તેવું હોતું પણ નથી. થર્ડ ડિગ્રી ઉપરાંત તેને માનસિક રીતે તોડી નાખવાની આ કવાયત હતી. કોઈની સાથે વાત કરવાની નહીં અને દીવાલ તરફ જ નજર રાખવાની. જોકે રીઢા ગુનેગારને ખબર હોય છે કે એક વખત પોલીસ ધરપકડ કરી લે પછી આપણું કંઈ બગાડી શકતી નથી, કારણ કે હવે માનવઅધિકારના કાયદાઓ તેમને જરૂર કરતા વધુ રક્ષણ આપે છે. પોલીસે ના માર્યો હોય છતાં આરોપી કોર્ટમાં ફરિયાદ કરે તો પોલીસે જવાબો આપવા પડે. એટલે પોલીસે તેનો રસ્તો શોધી કાઢ્યો હતો… દિવસો સુધી આ પ્રકારે ઉપરના માળે આરોપીઓને મારતા-પૂછતા, અને હા, બંને ટાઇમ કોઈ સારી હોટલમાં જમાડતા પણ હતા. કેટલીક વખત કોઈ આરોપીના સગાને મદદ મળી જાય તો ગુજરાત હાઇકોર્ટમાં ગેરકાયદે અટકાયત કરી હોવાની ફરિયાદ કરી દેતા. જોકે ત્યારે ક્રાઇમ-બ્રાન્ચ તરત તે આરોપીને છોડી દેતી અને કોર્ટમાં સોગંદનામું કરી દેતી કે અમે કોઈને પકડ્યો જ નથી. ક્યારેક એવું પણ બનતું કે પોલીસ-વિભાગની આંતરિક લડાઈનો એકબીજા પોલીસવાળા ફાયદો લેતા અને પરોક્ષ રીતે સાથી પોલીસ-અધિકારીને ફસાવવા માટે ખાનગી માહિતી લીક પણ કરી દેતા.

આખો દિવસ ક્રાઇમ-બ્રાન્ચમાં રૂટિન કામગીરી ચાલી રહી હતી. એસીપી પરમાર, ઇન્સ્પેક્ટર વિનય તોમર અને મહેશ રાવ આવી ગયા હતા. તેઓ ત્રણેય ડીસીપી વછરાજાનીને મળી આવ્યા હતા. ફરીથી વિનય એકલો જ ડીસીપી પાસે પહોંચી ગયો હતો. વિનય એકલો આવે ત્યારે તેની પાસે કંઈક નવું અને ખાનગી હોય છે તેવો અંદાજ આટલાં વર્ષો પછીની નોકરીને કારણે વછરાજાનીને આવી ગયો હતો. તેમણે વિનયને બેસવાનો ઇશારો કર્યો અને તે ‘થૅંક્સ’ કહેતાં ખુરશીમાં બેઠો. પહેલાં તો વછરાજાનીએ પૂછ્યું : “પેલા કામનું શું થયું?” વિનયે પૂરા વિશ્વાસથી કહ્યુંઃ “પાનસુરિયાને આપી દીધું છે… પતી જશે.” પછી વછરાજાનીએ વિનયને સાંભળવા માટે પોતાના બંને હાથની કોણી ટેબલ ઉપર ગોઠવી જેથી તે વિનયને ધ્યાનથી સાંભળી શકે. ચેમ્બરમાં હતો છતાં આજુબાજુ જોઈ ધીમા અવાજે કહ્યુંઃ “એક ઇન્ફર્મેશન છે. જુહાપુરામાં એક વ્યક્તિ સાઉદીથી આવેલો છે.” તેમ કહી વિનયે બાતમીદાર જહાંગીર તરફથી મળેલી બધી માહિતી ડીસીપીને આપી. ડીસીપી વિચારમાં પડી ગયા. ત્યારે જ વિનયે ખિસ્સામાંથી એક નંબર કાઢતાં કહ્યુંઃ “સર, તેની પાસે બે મોબાઇલ છે. એક ઇન્ડિયાનો અને એક બહારનો છે.” આ માહિતી સાંભળતાં ડીસીપીના ચહેરા ઉપર ચમક આવી. તેમણે કહ્યુંઃ “તું આજે જ આ બંને નંબરોને ઇન્ટરસેપ્શનમાં મુકાવી દે અને મારી સહી પણ લઈ લે. હજી ગ્રાઉન્ડ લેવલ ઉપર તપાસ કરાવ. કંઈ સારું મળશે.” વિનયની કામગીરીથી ડીસીપી કાયમ ખુશ રહેતા. ક્યારેક વિનયની સાથે મહેશ હોય ત્યારે તે મહેશને કહેતા પણ ખરા કે, “જો વિનય જેવું કામ લાવ.”

- Advertisement -

મહેશ કંઈ કહેતો નહીં. તેને ગુસ્સો પણ આવતો અને માઠું પણ લાગતું. ક્રાઇમ-બ્રાન્ચની સ્ટાઇલ હતી… કોઈ પણ અધિકારીએ પોતાના સ્ક્વૉર્ડમાં કઈ કામગીરી ચાલી રહી છે તેની માહિતી બીજાને આપવી નહીં અને પૂછવી પણ નહીં. તેથી તો, વિનય અને મહેશ મિત્રો હોવા છતાં તે બંને પણ ઑપરેશન પાર ના પડે ત્યાં સુધી પોતાની કામગીરી ગુપ્ત રાખતા હતા. કામગીરી તો એકબીજાએ પકડેલા આરોપીની, પણ પૂછપરછ કરવાની મંજૂરી ન હતી.

ચાર વાગવા આવ્યા હતા. પીએસઆઈ પંડ્યા ઑફિસમાં દાખલ થતાં સૂચના મળી કે ડીસીપીસાહેબ બોલાવે છે, એટલે તે તરત ડીસીપી પાસે ગયા અને ‘જયહિંદ’ કહી ઊભા રહ્યા. ડીસીપીએ પૂછ્યું : “પંડ્યા! અકરમ અને મોહનને રાત્રે લૉકઅપમાં રાખ્યા હતા?” પંડ્યાએ સાવધાન પોઝિશનમાં જ જવાબ આપ્યો : “સર“, “ધ્યાન રાખજો, તમને સસ્પેન્ડ કરાવશે. બે વખત ભાગી ચૂકેલા છે.” વછરાજાનીએ પૂછ્યું : “શેમાં લાવ્યો છે?” પંડ્યાએ કહ્યુંઃ “સર, આપણો વટવાનો ગુના-રજિસ્ટર નંબર ૫૩૫-૨૦૦૮નો લૂંટનો ગુનો હતો, જેમાં તેમની ફિંગર પ્રિન્ટ મૅચ થતી હતી. પણ પછી તે પકડાયા ન હતા. રાત્રે જ તેમણે વટવાવાળી લૂંટ કબૂલી લીધી છે.” વછરાજાનીએ કહ્યુંઃ “વટવાની લૂંટ પછી તો બેસી રહ્યા નહીં હોય. બીજી લૂંટો પણ કરી જ હશે… તે અંગે કંઈ પૂછ્યું?” “હા, સર પણ ના પાડે છે.” તેમણે પૂછ્યું : “બાંકડો લગાવ્યો હતો?” પંડ્યાએ સંકોચ સાથે ના પાડી. “પંડ્યા, પંડ્યા! ગુનેગારોને કૉલ્ડ ડ્રિંક્સ પિવડાવવાથી નહીં ચાલે. બાંકડો તો લગાડવો જ પડશે. કોર્ટ કરતાં પણ વધુ ડર તેમને બાંકડાનો લાગે છે.” છેલ્લે આદેશાત્મક ભાષામાં કહ્યુંઃ “બાંકડો લગાવો અને તેમને લૉકઅપમાંથી બહાર કાઢો.”

બાંકડો આમ તો સામાન્ય લાકડામાંથી બનેલી બેન્ચ જ હતી, જેવી ચાની લારીઓ ઉપર હોય છે, જેની ઉપર બેસી ગ્રાહકો ચા પીતા હોય છે. જોકે ક્રાઇમ-બ્રાન્ચમાં બાંકડો હતો, તેનો ઉપયોગ કંઈક જુદો હતો. થોડી વારમાં પંડ્યા, ડીસીપી પાસે આવ્યા અને કહ્યુંઃ “સર, ચાલો.” વછરાજાની ચેમ્બરની બહાર નીકળ્યા. વચ્ચે ખાલી બાંકડો હતો. પંડ્યાના કૉન્સ્ટેબલો અકરમ અને મોહનને લઈને ઊભા હતા. તેમના હાથ બાંધેલા હતા. વછરાજાની આવતાં તેમણે તેમને હાથ જોડી નમસ્કાર કર્યા. વછરાજાનીએ તેમની સામે કરડાકીથી જોયું. તેમણે ઇશારો કર્યો પણ તે પહેલાં મોહનને પકડી પોલીસે તેને બાંકડા ઉપર ઊંધો સુવડાવવાનો પ્રયત્ન કર્યો. તે પ્રતિકાર કરી રહ્યો હતો. પણ પાંચ પોલીસવાળાના બળ સામે તેનું કંઈ ચાલ્યું નહીં. તેનો છાતી અને મોઢાનો ભાગ જમીન તરફ હતો. બે કૉન્સ્ટેબલોએ આગળ તરફથી બંને હાથ પકડી રાખ્યા હતા. એક કૉન્સ્ટેબલ હળવા વજન સાથે મોહનની પીઠ ઉપર બેસી ગયો હતો. બે કૉન્સ્ટેબલોએ પગની પિંડી અને પંજાને પકડી રાખ્યા, વછરાજાનીએ હાથમાં લાકડી લીધી અને એક પછી એક લાકડી મોહનના પંજા ઉપર પડી રહી હતી. એક વખત લાકડી જે ગતિએ હવામાં ફરે તેના સુસવાટાનો અવાજ આવતો અને બીજો અવાજ લાકડી પંજા ઉપર પડે તેનો આવતો.

- Advertisement -

મોહનની ચીસો દૂર દૂર સંભળાતી હતી, “સાહેબ, મરી ગયો, નથી સહન થતું…” ત્યાં જ લાકડીઓ અટકી જતી. વછરાજાની મોહનના વાળ પકડી તેનું માથું ઊંચું કરી પૂછતા : “બોલ બીજા કયા ગુનાઓ છે?” પણ મોહનના મૌનને કારણે ફરી લાકડી પડતી અને તે કહેતો “નારણપુરા, એલિસબ્રિજ, સરખેજ…” મોહનની હાલત જોઈ અકરમને પરસેવો છૂટી ગયો હતો. તેણે ઊભા ઊભા જ બીજા છ ગુનાઓ કબૂલી લીધા. વછરાજાનીએ લાકડી પાછી આપતાં પંડ્યા સામે જોયું. પંડ્યાના ચહેરા ઉપર આભારનો ભાવ હતો. વછરાજાનીએ કહ્યુંઃ “પંડ્યા સાહેબ! તમે તો વટવાની લૂંટથી ખુશ હતા. જુઓ, બીજા નવ ગુનાઓ પણ કબૂલ્યા ને!, જાવ રિમાન્ડની તૈયારી કરો.”

બીજી તરફ લાલ દરવાજા પાસે ઇકબાલ કોઈની રાહ જોઈ રહ્યો હતો, ત્યાં જ બીએમડબ્લ્યુ કાર આવી અને સીદી સૈયદની જાળી પાસેના ત્રણ રસ્તા ઉપર ખુલ્લી જગ્યામાં કાર પાર્ક થઈ. કારમાંથી બિલ્ડર કેતન પાનસુરિયા ઊતર્યો. તેના હાથમાં એક પ્લાસ્ટિકની થેલી હતી. તેને જોતાં જ ઇકબાલ તેની તરફ ગયો અને બંનેએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. કેતને પૂછ્યું : “રિક્ષામાં જ જતા રહીશું?” ઇકબાલે કહ્યુંઃ “હા ભાઈ, વહાં પાર્કિંગ કા બડા લફડા હૈ.” ઇકબાલે રિક્ષા રોકી અને રિક્ષા લકી રેસ્ટોરન્ટ થઈ મિરઝાપુર થઈ આર. સી. ટૅક્નિકલ કૉલેજથી દરિયાપુર તરફ વળી. રસ્તામાં ઇકબાલ અને પાનસુરિયા તેમના ધંધાની જ વાત કરતા હતા. રિક્ષા તંબુચોકીથી થોડી આગળ વધી એટલે ઇકબાલે રિક્ષા રોકી ભાડું આપ્યું. ઇકબાલ આગળ ચાલતો અને પાછળ પાનસુરિયા હતો. બંને જમણી તરફ વળી એક ગલીમાં અડધો કિલોમીટર સુધી ચાલ્યા.

પાનસુરિયાના નાકને એક ખાસ પ્રકારની વાસની ટેવ નહીં હોવાને કારણે કોઈ જોઈ રહ્યું નથી તેની ખાતરી પછી થોડી થોડી વારે નાક ઉપર રૂમાલ મૂકી દેતો હતો. એક ઘર પાસે બાળકો રમી રહ્યાં હતાં. સાંકડી ગલી હતી પણ તેમને મન તો સ્ટેડિયમ હતું. ઇકબાલને જોતાં એક બાળકે પોતાના ઘર તરફ દોટ મૂકી અને બૂમો પાડતાં પાડતાં બોલ્યું : “અમ્મી, અમ્મી, ઇકબાલચાચા આયે.” તે ઘરમાંથી એક સ્ત્રીએ ઘરનો પાતળો પડદો ખસેડી બહાર નજર કરી ત્યાં સુધીમાં ઇકબાલ અને પાનસુરિયા ઘર નજીક પહોંચી ગયા હતા. તે સ્ત્રી રઝિયા હતી. પોલીસના હાથે માર્યા ગયેલા અબ્દુલની બેગમ રઝિયાએ તેમને આવકાર્યા. પડોશીઓ શંકાની નજરે જોઈ રહ્યા હતા. કદાચ ઇકબાલ સાથે પોલીસવાળો છે તેવું માનતા હતા.

પાનસુરિયાએ ઘરમાં નજર કરી. તે જ્યાં બેઠો હતો ત્યાંથી રસોડું અને ઘરની અંદરનું બાથરૂમ પણ દેખાતાં. જ્યાંથી ઘર શરૂ થતું ત્યાં જ પૂરું થઈ જતું હતું. આટલા નાના ઘરમાં માણસો કેવી રીતે રહેતા હશે તેવો વિચાર આવતો હતો. ઘરમાં એક ચોક્કસ પ્રકારની વાસ હતી. જેને કારણે પાનસુરિયાને થતું કે જલદી નીકળી જઈએ તો સારું. પણ ઇકબાલ હજી વાતો કરી રહ્યો હતો. રઝિયા રસોડામાં જઈ પાણીના બે ગ્લાસ લઈ આવી. ઇકબાલે ગ્લાસ લીધો, પણ પાનસુરિયાની હિંમત થઈ નહીં. વાતો કરતાં કરતાં ઇકબાલ ‘અબ્દુલ કેટલો સારો માણસ અને પોતાનો કેવો સારો મિત્ર હતો’ તેની વાતો કરતો હતો. ક્યારેક રઝિયા તેની વાતોને યાદ કરી રડી પડતી હતી. રઝિયાએ તેનાં બાળકોને રમવા માટે મોકલી દીધાં હતાં.

થોડી વાર શાંતિ રહ્યા પછી ઇકબાલે કહ્યુંઃ “મૈંને ઉસકો મના કિયા થા, લેકિન વો નહીં માના. ઉસકો બડા આદમી બનના થા.” રઝિયા પણ તેની વાતમાં ‘હા’ પુરાવી રહી હતી. ઇકબાલે વાત વાળતાં કહ્યુંઃ “તુમ્હેં માલૂમ હૈ અબ્દુલ કી બાત સુનને કે બાદ વછરાજાની સા’બ બહોત દુઃખી હુવે. મુઝે બુલાયા. લેકિન કુછ બોલ હી નહીં પાયે. ઉન્હોનેં કહાઃ રઝિયા કે લિયે જો ભી કરના પડે, મૈં કરૂંગા, ઇસી લિયે તો મુઝે મિલને ભેજા થા.” રઝિયા કંઈ બોલી નહીં. ઇકબાલે પાનસુરિયાને ઇશારો કર્યો. તેણે તરત પોતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલી રઝિયાની બાજુમાં મૂકી દીધી.

રઝિયાએ ત્રાંસી આંખે થેલી સામે જોયું, પણ કંઈ બોલી નહીં. ઇકબાલે પાનસુરિયાનો પરિયય કરાવતાં કહ્યુંઃ “યે કેતનભાઈ… કેતન પાનસુરિયા. સા’બ કે અચ્છે દોસ્ત… બડે બિલ્ડર હૈ. ઉન્હોંને જબ સુના તો વો ભી મેરે સાથ ચલ પડે.” રઝિયાએ કેતન સામે જોયું. પહેલી વખત બંનેની નજર એક થઈ હતી. રઝિયાએ આંખો દ્વારા કેતનનો આભાર માન્યો અને આવકાર આપ્યો હતો. પાનસુરિયાના શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ. તેને લાગ્યું આટલી સુંદરતા પગથી માથા સુધી એક જ આરસમાં કંડારેલી પ્રતિમા જેવી હતી. હવે પાનસુરિયાને લાગતું હતું કે અહીંયાં બેસવું છે. ઇકબાલ ઊભો થયો. હજી પાનસુરિયાની નજર રઝિયા ઉપર જ હતી. તેણે પર્સમાંથી વિઝિટિંગ કાર્ડ કાઢ્યું અને રઝિયાને આપતાં કહ્યુંઃ “કોઈ કામ હોય તો કહેજો.”

ત્યાંથી બંને નીકળ્યા. પાનસુરિયાએ ઇન્સ્પેક્ટર વિનય તોમરને અને ઇકબાલે ડીસીપી વછરાજાનીને કામ પૂરું થયાની જાણ કરી હતી. રઝિયાએ પ્લાસ્ટિક બૅગ ખોલીને જોયું તો તેમાં પૂરા દસ લાખ હતા.

(ક્રમશઃ)

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular