પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-63): Nadaan Series :સાંજના છ વાગ્યા. ગોપાલ બાઇક લઈને પરિમલ ગાર્ડન પહોંચ્યો. ગેટમાંથી અંદર જઈ રહ્યો હતો ત્યારે એને લાગ્યું કે, તે પહેલી વખત આહીંયા એકલો આવ્યો છે. હમણાં સુધી તો એ જ્યારે પણ આવ્યો, ત્યારે નિશી તેની સાથે હતી. એક તબ્બકે તો એને લાગ્યું કે, અહીંયાથી પાછો ફરી જાય. તેને વિચારોએ ઘેરી લીધો. તેને સમજાતું નહોતું કે, હું શું કામ અહીંયા આવ્યો છું? શું કામ મારે વેદાંતને મળવું છે? નિશી સાથે શું વાત કરવી છે? કારણ કે હવે વાત કરવાનો કોઈ અવકાશ જ નહોતો.
ગોપાલ એક ક્ષણ અટક્યો અને બગીચામાં દાખલ થયો. તેને આજે એવું લાગી રહ્યું હતું કે, બગીચાનાં વૃક્ષ, ફૂલ, છોડ અને બાંકડા તેની સામે ધારી ધારીને જોઈ રહ્યાં છે. બગીચામાં રહેલાં અનેક કપલ અને ત્યાં બેઠેલા લોકો પોતાની મસ્તીમાં હતા. તેમાંથી કોઈ જ્યારે તેની સામે જોતું, ત્યારે તેને લાગતું કે, આ લોકો મારી સામે શું કામ જુએ છે? ગોપાલ અને નિશી કાયમ જ્યાં બેસતાં હતાં એ બાંકડા તરફ ગયો. ત્યાં કોઈ બેઠું નહોતું. ગોપાલ બાકડાં પાસે પહોંચ્યો. જાણે બાંકડો તેની સામે હસી રહ્યો છે અને એની ઠેકડી ઉડાવી રહ્યો છે એવું તેને લાગ્યું. ગોપાલ હિંમત કરીને બાંકડા પર બેઠો. આજે તે પહેલી વખત ત્યાં એકલો બેઠો હતો.
તેણે આસપાસ નજર ફેરવી. તેને થયું, ક્યાંક નિશી આવીને બીજી કોઈ જગ્યાએ તો નથી બેઠીને? પણ નિશી ક્યાંય નજરે પડી નહીં. તેણે કાંડા ઘડિયાળ સામે જોયું. છ વાગીને પાંચ મિનિટ થઈ હતી. હજી તો પાંચ જ મિનિટ થઈ હતી; પણ ગોપાલને લાગી રહ્યું હતું કે, તે કલાકોથી અહીંયા બેઠો છે. તેનું ધ્યાન થોડે દૂર બેઠેલાં એક કપલ તરફ ગયું. કપલ ખૂબ ખુશ હતું. જે કપલ બેઠું હતું તેમાં છોકરીનાં માથામાં ફૂલ હતું. તે જોઈને ગોપાલના ચહેરા પર સ્મિત આવ્યું.
ગોપાલને યાદ આવ્યું કે, ઑફિસમાંથી રજા લઈને તે નિશી સાથે અહીંયા આવતો. તેણે પણ એક વખત બાજુમાં છોડ પર ઉગેલું ફૂલ તોડીને નિશીના વાળમાં નાખ્યું હતું. ફૂલ જોઈને નિશી ખડખડાટ હસી પડી હતી. ગોપાલને સમજાયું નહોતું કે, નિશી કેમ હસે છે? ગોપાલે જ્યારે તેને હસવાનું કારણ પૂછ્યું, ત્યારે નિશીએ કહ્યું હતું કે, તું સાવ નાદાન છે. કયું ફૂલ છોકરીના માથામાં નખાય, એની પણ તને ખબર નથી પડતી. ગોપાલ ભોઠની જેમ જોતો રહ્યો હતો. નિશીએ તેનો હાથ પકડીને કહ્યું હતું કે, જે ફૂલ તે મારા માથામાં નાખ્યું એ જંગલી ફૂલ છે. પણ કંઈ વાંધો નહીં મારો નાદાન મને આવી રીતે જ પ્રેમ કરતો રહે તે જરૂરી છે.
ગોપાલે ફરી કાંડા ઘડિયાળ સામે જોયું. સવા છ વાગી રહ્યા હતા. હજી નિશી આવી નહોતી. તેનું ધ્યાન વારંવાર બગીચાના દરવાજા તરફ જઈ રહ્યું હતું. ગોપાલને અકળામણ થઈ રહી હતી અને ગુસ્સો પણ આવી રહ્યો હતો. તેને થયું નિશી હજી કેમ આવી નથી? તેને એવુ પણ લાગ્યું કે, કદાચ નિશી આવે જ નહીં. તો? એક–એક મિનિટે તે ઘડિયાળ જોઈ રહ્યો હતો. સાડા છ થયા એટલે ગોપાલે જોયું કે, નિશી ગેટમાં દાખલ થઈ. તેની સાથે કોઈ છોકરો હતો. ગોપાલે વિચાર કર્યો. કોણ હશે? વેદાંત જ હશે. નિશી અને વેદાંત સાથે ચાલતાં હતાં પણ તેમની વચ્ચે એક અંતર હતું. નિશીને જોતાં જ ગોપાલના ધબકારા વધી ગયા.
તેને થયું કે, હવે તે શું વાત કરશે? નિશીને તેમની જૂની જગ્યા ખબર હતી. તેણે દૂરથી જ ગોપાલને બેઠેલો જોયો હતો. તેની ચાલ ધીમી હતી. તેનું મન પણ કહી રહ્યું હતું કે, પાછી ફરી જાય; પણ તે એવું કરી શકી નહીં. નિશી અને વેદાંત ગોપાલ પાસે પહોંચી ગયાં. ગોપાલ ઊભો થઈ ગયો. નિશીની નજર નીચી હતી. વેદાંતે ગોપાલ તરફ હાથ લાંબો કરીને કહ્યું, “હું વેદાંત.”
ગોપાલે પણ હાથ લાંબો કર્યો અને વેદાંત સાથે હાથ મીલાવ્યો. એક મિનિટ તો બધાં ઊભાં રહ્યાં. વેદાંતે પૂછ્યું, “આપણે બેસીએ?”
નિશીને બહુ સંકોચ થઈ રહ્યો હતો. ગોપાલે કહ્યું, “ચોક્કસ.”
ત્રણેય બાંકડા પર બેઠાં. અનાયસે એવું થયું કે, બાંકડા પર નિશી ગોપાલ અને વેદાંતની વચ્ચે બેઠી હતી. ગોપાલને જરા અજુગતું લાગ્યું. તે એકદમ ઊભો થયો. તેણે નિશીને કહ્યું, “આમ ખસ જરા.”
વેદાંતને કંઈ સમજાયું નહીં. તેણે વેદાંતને પણ કહ્યું, “તું પણ જરા પેલી તરફ જા.”
હવે એક છેડે નિશી, વચ્ચે વેદાંત અને બીજા છેડે ગોપાલ હતો. તેઓ બેઠાં તો ખરા, પણ કોણ વાત શરૂ કરશે? એ પ્રશ્ન હતો. ગોપાલે જ નિશીને ફોન કર્યો હતો અને તે વેદાંતને મળવા માગતો હતો. પણ હવે ગોપાલને લાગ્યું કે, તેની પાસે જ વાત કરવા જેવું કંઈ નથી. તેણે શું કામ બોલાવ્યાં છે આ બંનેને?
ત્રણે ચુપચાપ બેઠાં હતાં. એટલામાં પેલો ચણાજોરગરમ વાળો ત્યાં આવી પહોંચ્યો. તે ગોપાલ અને નિશીને ઓળખી ગયો. તેના ચહેરા પર એક સ્મિત હતું. તેણે ગોપાલને પૂછ્યું, “સા’બ, કીતને કા બનાઉં?”
ગોપાલે નિશી સામે જોયું. એ જ વખતે નિશીની નજર ગોપાલ તરફ ફરી હતી. ગોપાલે જોતાં નિશીએ માથું હલાવીને ના પાડી. ગોપાલે ચણાજોરગરમ વાળાને કહ્યું, “આજ નહીં ચાહીયે. ફિર કભી.”
આ વાક્ય બોલ્યા પછી ગોપાલને વિચાર આવ્યો કે, હવે ફિર કભી તો અહીંયા આવવાનું જ થશે નહીં. ફરી શાંતિ છવાઈ ગઈ. ચણાજોરગરમ વાળો જતો રહ્યો. ગોપાલે તેનામાં હતી એટલી હિંમત એકઠી કરી અને વાતની શરૂઆત કરતાં વેદાંતને કહ્યું, “બસ, તને મળવાની ઇચ્છા હતી. નિશીએ તને પસંદ કર્યો તો નિશીની પસંદ કેવી છે, તે એક વખત જોવી હતી.”
વેદાંતે નિશી સામે જોયું. તેની નજર નીચી જ હતી. નિશીના ચહેરા પર દોષીત હોવાનો ભાવ હતો. એક સંવાદ પછી ફરી સંવાદવિહીન સ્થિતિ નિર્માણ થઈ. થોડીવાર પછી ગોપાલે કહ્યું, “વેદાંત, હું ગઈકાલે પણ નિશીને પ્રેમ કરતો હતો, આજે પણ કરું છું અને આવતીકાલે પણ કરીશ. હું એને ભૂલી શકું એ શક્ય જ નથી. પણ કદાચ કુદરતે જ અમારો રસ્તો બદલવાનો નિર્ણય કર્યો હશે. હવે નિશી ભલે તારી થઈ, પણ તને એક જ વિનંતી છે. દોસ્ત, નિશી ક્યારેય દુઃખી ન થાય એનું ધ્યાન રાખજે.”
આટલું બોલીને ગોપાલે વેદાંતનો હાથ પકડ્યો. ગોપાલના પંજા પર વેદાંતે પોતાનો પંજો મૂક્યો. વેદાંતને લાગ્યું કે, કોઈ માણસ આટલો સારો કેવી રીતે હોઈ શકે! વેદાંત માની રહ્યો હતો કે, જ્યારે તે ગોપાલને મળશે ત્યારે ગોપાલ તેની પર ગુસ્સો કરશે. કદાચ ઝઘડો પણ કરશે. પણ એવું કંઈ જ થયું નહીં. નિશીની આંખમાંથી દડદડ આંસુ વહી રહ્યા હતા. ગોપાલને એક તબ્બકે લાગ્યું કે, ઊભો થઈને એના આંસુ લૂંછે; પણ તેને તરત યાદ આવ્યું કે, હવે એ મારો અધિકાર નથી!
ગોપાલ ઊભો થયો. તે નિશી અને વેદાંતની સામે ઊભો હતો. બંનેની તરફ એક વખત જોઈ લીધું અને કહ્યું, “તમારી નવી સફર માટે ઓલ ધી બેસ્ટ. મારી તમને જરૂર પડે ત્યારે હું તમારી સાથે જ છું.”
આટલું બોલીને તે બંનેના પ્રતિભાવ જોવા પણ ન ઊભો રહ્યો. તે ફટાફટ ઊંધો ફરીને ભીની આંખો લઈને ગેટ તરફ ચાલવા લાગ્યો.
(ક્રમશઃ)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








