પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-62): Nadaan Series : (એક અઠવાડિયા પછી…) નીતિનકાકાની વગને કારણે એક અઠવાડિયામાં ગોપાલની રજા મંજૂર થઈને આવી ગઈ. એક અઠવાડીયા સુધીમાં ગોપાલનાં મનમાં ચાલી રહેલું ધમસાણ પણ ધીમું પડ્યું હતું. ગોપાલે હવે સ્વીકારી લીધું હતું કે, નિશી તેની રહી નથી. વિરાંગની કહાની સાંભળીને કદાચ તેનો મત પણ હવે બદલાઈ રહ્યો હતો; પણ હજી તેની નિરાશા ઓછી થઈ નહોતી. તે રોજ ઑફિસમાં જતી વખતે બેરેકના મંદિર તરફ જોતો; પણ હવે તેનું માથું નમતું નહોતું. તે જ્યારે પણ મેલડીમાતાનાં મંદિર પાસેથી પસાર થતો, ત્યારે મનોમન માતાને પૂછતો કે, “મા, મારી સાથે આવું કેમ કર્યું?
રજાનો ઓર્ડર આવ્યા પછી ગોપાલે રાકેશને ફોન કર્યો. રાકેશ તેને લેવા આવ્યો. તેણે તેના જામીન પણ આપ્યા હતા. પોતાની રજા થઈ છે, એવી જાણ ગોપાલે મમ્મી પપ્પાને કરી નહોતી. ગોપાલ જેલની બહાર નીકળ્યો ત્યારે તેની રાહ જોતો રાકેશ ઊભો હતો. રાકેશ કંઈ બોલ્યો નહીં. તેણે ગોપાલના ખભા પર હાથ મૂકીને ખભો થોડો દબાવ્યો. જાણે તે કહી રહ્યો હતો કે, હું તારી સાથે જ છું.
રાકેશ બાઇક લઈને આવ્યો હતો. ગોપાલ તેનાં બાઇક પર બેસી ગયો. રાકેશ અને ગોપાલ ઘર તરફ જવા લાગ્યા. તેમની વચ્ચે કોઈ સંવાદ નહોતો. આજે ગોપાલને લાગી રહ્યું હતું કે, તેનું અમદાવાદ હવે તેના માટે અજાણ્યું બની ગયું છે. ગાંધી આશ્રમ, જૂનાવાડજ થઈ રાકેશનું બાઇક રામાપીરના ટેકરે અને ત્યાંથી ન્યૂરાણીપ તરફ જવા વળ્યું. રાકેશ અને ગોપાલ ભલે વાત કરતા નહોતા; પણ ગોપાલનું મન તો સતત બડબડાટ કરી રહ્યું હતું.
ગોપાલ અને રાકેશ ઘરે પહોંચ્યા. રાકેશે ડોરબેલ વગાડ્યો. મમ્મીએ દરવાજો ખોલ્યો એટલે પહેલાં રાકેશને જોયો અને પછી પાછળ ઊભા રહેલા ગોપાલ તરફ તેનું ધ્યાન ગયું. મમ્મીને આશ્ચર્ય થયું. ગોપાલ અચાનક કેવી રીતે આવ્યો? પહેલાં તો ગોપાલને જોતાં તેના ચહેરા ઉપર આનંદ દોડી આવ્યો. પણ પછી, કેમ આવ્યો હશે? તેવો વિચાર આવતાં જ તેનો ચહેરો પડી ગયો. રાકેશ અને ગોપાલ ઘરમાં દાખલ થયા.
મમ્મી પાણીના બે ગ્લાસ લઈ આવી. ગોપાલે પાણી પીધું. તે મમ્મી સાથે આંખ મીલાવી શકતો નહોતો. કારણ, તેને હજી ખબર નહોતી કે, મમ્મી નિશી વિશે શું જાણે છે? આવી જ સ્થિતિ મમ્મીની પણ હતી. મમ્મી એવું વિચારી રહી હતી કે, કઈ રીતે તે ગોપાલને વાત કરશે? કારણ, તેને ડર લાગી રહ્યો હતો કે, જો ગોપાલને ખબર પડશે તો તે દિકરો ભાંગી પડશે. મમ્મી કંઈપણ બોલ્યા વગર રસોડામાં ગઈ અને ચા બનાવવા લાગી.
મમ્મી ચા બનાવતાં બનાવતાં વિચારી રહી હતી કે, ગોપાલ સાથે કેવી રીતે વાત કરશે? મમ્મીને વિચાર આવ્યો કે, ગોપાલે ઘરમાં આવ્યા પછી હજી સુધી નિશી ક્યાં છે? એવું પૂછ્યું નથી. તરત પાછો બીજો વિચાર પણ આવ્યો, કેમ નથી પૂછ્યું? બહાર બેઠેલા રાકેશ અને ગોપાલ પાસે પણ વાત કરી શકે એવો કોઈ વિષય જ નહોતો. રાકેશે ટીપોઈ પર પડેલું ન્યૂઝપેપર હાથમાં લીધું. એ કારણ વગર તેનાં પાનાં ઉથલાવી રહ્યો હતો.
મમ્મી ચા લઈને આવી. રાકેશ અને ગોપાલે ચા પીધી પછી મમ્મીએ રાકેશને પૂછ્યું, “કેમ? ગોપાલને એકદમ રજા પર લઈ આવ્યો? અમને ખબર પણ આપી નહીં.”
રાકેશને લાગ્યું કે, મમ્મી તેને સવાલ પૂછી રહી છે. રાકેશે ગોપાલ સામે જોયું. ગોપાલે મમ્મી સામે જોતાં કહ્યું, “મમ્મી, એક કામ કરવું જરૂરી છે એટલે આવ્યો છું.”
મમ્મીએ કંઈક વિચાર કર્યો પછી પૂછ્યું, “ગોપાલ, કયું કામ?”
ગોપાલ નીચે જોઈ ગયો. થોડીવાર રહીને તેણે મમ્મી સામે જોતાં કહ્યું, “નિશીનું એક કામ છે.”
થોડીવાર મમ્મી કંઈ બોલી નહીં. અચાનક મમ્મીએ પૂછ્યું, “નિશીના પપ્પા આવ્યા હતા જેલ ઉપર?”
ગોપાલે માથું હલાવીને ના પાડી. ઘરનું વાતાવરણ એકદમ તંગ હતું. મમ્મીએ હિંમત કરીને કહ્યું, “બેટા, નિશીના પપ્પા આવ્યા હતા.”
પછી થોડું રોકાઈને કહ્યું, “તારા પપ્પા અને નિશીના પપ્પા વચ્ચે ઝઘડો પણ થયો હતો.”
ગોપાલે પૂછ્યું જ નહીં કે, કેમ ઝઘડો થયો હતો? બધા જ શાંત હતા. રાકેશનું ધ્યાન મમ્મી તરફ ગયું. તેણે પૂછ્યું, “અરે, તમે કેમ રડો છો?”
ગોપાલે મમ્મી તરફ જોયું. તે ઊભો થયો અને મમ્મીના પગ પાસે બેસી ગયો. મમ્મીના આંસુ લૂંછતાં કહ્યું, “મમ્મી રડીશ નહીં.”
આટલું બોલતાં બોલતાં ગોપાલ પણ પોતાના આંસુ રોકી શક્યો નહીં. મમ્મીએ તેનું માથું ખોળામાં લીધું. મમ્મી અને ગોપાલ એક સાથે ખૂબ રડ્યાં. ઘરમાં માહોલ જ એવો ઊભો થયો હતો ક, રાકેશનું પણ હૈયું ભરાઈ આવ્યું. તેની આંખો પણ ભીની થઈ ગઈ. તેને લાગ્યું કે, મમ્મી અને ગોપાલ રડી લે તો સારું. થોડીવાર પછી રાકેશ ઊભો થયો અને પાણીના ગ્લાસ લઈ મમ્મી અને ગોપાલને આપ્યા. બંનેએ એક–એક ઘુંટડો પાણી પીને ગ્લાસ બાજુ પર મૂક્યા.
મમ્મી વારેઘડીએ ગોપાલનાં માથા પર હાથ ફેરવી રહી હતી. તેને સમજાતું નહોતું કે, કયા શબ્દોમાં તે પોતાના ગોપાલને સમજાવે? બીજી બાજુ ગોપાલને લાગી રહ્યું હતું કે, તેની મમ્મી એકલી પડી ગઈ છે. પહેલાં તો પપ્પા કામે જાય ત્યારે નિશી મમ્મી સાથે ઘરે રહેતી. હવે તો ઘરે મમ્મી એકલી જ રહેતી હશે. મમ્મી આખો દિવસ શું કરતી હશે? કદાચ એકલી એકલી રડી લેતી હશે.
ગોપાલ ઊભો થયો અને બાથરૂમમાં જઈને મોઢું ધોઈ આવ્યો. પાછો મમ્મી પાસે આવ્યો અને મમ્મીના પગમાં બેસતાં કહ્યું, “મમ્મી, ચિંતા કરીશ નહીં. હું આવી ગયો છું. કદાચ નિશીનું આપણી સાથેનું ઋણાનુબંધન આટલું જ હશે, જે હવે પૂરું થયું છે.”
મમ્મીને છાની રાખવા જતાં ગોપાલને પણ ડુમો ભરાઈ ગયો. એની આંખ ફરી ભરાઈ આવી. મમ્મી ગોપાલનાં માથા પર હાથ ફેરવી રહી હતી અને ગોપાલ મમ્મીનાં માથા પર. કોણ કોને આશ્વાસન આપી રહ્યું છે, તેની જ ખબર પડતી નહોતી.
મમ્મી ઊભી થઈ. તેણે કહ્યું, “રસોઈ તૈયાર જ છે. થોડી વધારે બનાવી દઉં તમે બંને જમી લો.”
તેમ કહી મમ્મી રડોસામાં ગઈ. કદાચ મમ્મી ગોપાલ સામે બેસવા માગતી નહોતી. ગોપાલ પાછો ખુરશીમાં જઈને બેઠો. કંઈક વિચાર કર્યો અને રાકેશને કહ્યું, “તારો ફોન આપને.”
રાકેશે ફોન આપ્યો. ગોપાલે ફોન જોડ્યો. થોડીક રિંગ પછી ફોન ઉપડ્યો એટલે તેણે કહ્યું, “હેલ્લો… રાકેશ નહીં, ગોપાલ બોલું છું.”
પછી થોડી સેકન્ડ એકદમ શાંતિ છવાયેલી રહી. ગોપાલે કહ્યું, “રજા પર આવ્યો છું.”
સામેથી માત્ર “હમ્મ.” એટલો જ ઉત્તર આવ્યો.
ગોપાલે કહ્યું, “આપણે આજે મળીશું.”
ફરી “હમ્મ.”
ગોપાલે નિશીને ફોન કર્યો હતો. નિશી માટે આ પ્રકારે ગોપાલનો ફોન આવવો અનઅપેક્ષિત હતું. અચાનક ફોન આવતાં એ કંઈ બોલી શકી નહીં. ગોપાલ તરત રજા પર આવશે, તેવી તેને કલ્પના પણ નહોતી.
ગોપાલે થોડો વિચાર કરીને કહ્યું, “આપણે જ્યાં મળતાં હતાં તે પરિમલ ગાર્ડનમાં.”
નિશીએ હા પાડી. એક સમય એવો હતો કે, નિશી અને ગોપાલની વાતો ખૂટતી નહોતી; પણ આજે તેમની પાસે વાત કરવા જેવું કંઈ જ નહોતું. ગોપાલે કહ્યું, “મારે વેદાંતને પણ મળવું છે. એને પણ સાથે લેતી આવજે.”
નિશીએ એમાં પણ ખાલી “હા” જ કહ્યું.
ગોપાલે ફોન કટ કર્યો. ફોન રાકેશને પાછો આપ્યો. રાકેશ તેને જોઈ રહ્યો હતો. રાકેશ વિચારી રહ્યો હતો કે, ગોપાલ વેદાંતને શું કામ મળવા માગે છે?
(ક્રમશઃ)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








