પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-6): ગોપાલ પોતાના વિચારમાં જ હતો. એવામાં એક પોલીસવાળાએ લોકઅપના સળિયાને ડંડો મારીને કહ્યું, “અલ્યા… જવું છે કોઈને?”
બે દિવસમાં ગોપાલ પોલીસ સ્ટેશનમાં બોલાતા શબ્દોનો અર્થ સમજી ગયો હતો. પોલીસવાળો લોકઅપમાં રહેલા આરોપીઓમાંથી કોઈને ટોયલેટમાં જવું છે? તેવું પૂછી રહ્યો હતો. કારણ લોકઅપમાં ટોયલેટ હોતા નથી. ગોપાલ સહિત પેલા ત્રણે સ્નેચર્સ ઊભા થઈ ગયા. પોલીસવાળાએ એક તરફ ઇશારો કરતા કહ્યું, “અલ્યા તારે દર કલાકે જવું પડે છે. હજી હમણાં તો ગયો હતો.”
પેલાએ દયામણા ચહેરે કહ્યું, “સાહેબ બહુ લાગી છે.”
“સારુ સારુ.” તેમ કહેતાં તેણે લોકઅપનો દરવાજો ખોલ્યો અને બહાર કાઢી બાથરૂમ તરફ લઈ ગયો. પોલીસવાળો બહાર ઊભો રહ્યો હતો. ત્રણે પાછા ફર્યા એટલે પેલા પોલીસવાળાએ રોજ પ્રમાણે કહ્યું, “હાથ તો ધોયા છેને?”
ત્રણેયે પોલીસવાળા સામે પોતાના ભીના હાથ બતાવ્યા. પેલા પોલીસવાળાએ ગોપાલના ખભે હાથ મૂકી ઊભો રાખ્યો અને બીજા બે આરોપીઓને બરાડીને કહ્યું, “એ ચોરટાઓ, જાઓ લોકઅપમાં જતા રહો.”
પેલા બે સ્નેચર્સ જાતે જ લોકઅપમાં જતા રહ્યા અને જાતે જ લોકઅપનો દરવાજો આડો કર્યો. પોલીસવાળાએ ગોપાલ સામે જોયું. બાકડા તરફ ઇશારો કરતા કહ્યું, “બેસ.”
ગોપાલ વિચારમાં પડી ગયો. કારણ કે પોલીસ સ્ટેશન આવ્યા પછી કોઈએ પહેલી વખત તેને ઉપર બેસવાનું કહ્યું હતું. આ પોલીસવાળાએ પહેલી વખત ગોપાલને મસાલો ખવડાવ્યો હતો. ગોપાલને આ પહેલેથી ભલો માણસ લાગ્યો હતો. હજી ગોપાલ વિચારમાં જ ઊભો હતો ત્યાં પેલા પોલીસવાળાનું ધ્યાન ગયું કે, ગોપાલને બેસવા માટે કહ્યું હોવા છતાં તે ઊભો છે. તેણે ગોપાલને પૂછ્યું “નામ શું છે?”
ગોપાલ ઝબકી ગયો. કારણકે તે આ પોલીસવાળાનો જ વિચાર કરતો હતો. તેણે કહ્યું “ગોપાલ.”
પોલીસવાળાએ કહ્યું, “ગોપાલ બેસ.”
તેના અવાજમાં હવે આદેશ હતો. ગોપાલ તરત બાકડા પર બેસી ગયો, પોલીસવાળો પણ બાજુમાં મસાલો મસળતા બેઠો. ગોપાલ ક્યારેક પોલીસ તરફ તો ક્યારેક લોકઅપ તરફ જોતો હતો. પેલા સ્નેચર્સ પણ ગોપાલ સામે જોઈ રહ્યા હતા. તેઓ પણ વિચારી રહ્યા હતા કે, ગોપાલને કેમ બહાર બેસાડયો છે? ગોપાલનું મન વ્યાકુળ થઈ રહ્યું હતું. પોલીસવાળાએ મસાલો બનાવી પહેલાં પોતાના ગલોફામાં દબાવ્યો અને પછી અડધો મસાલો ગોપાલ તરફ ધર્યો. ગોપાલે મસાલો ખાધો તેની ખાતરી થયા પછી પોલીસવાળાએ ગોપાલના પગ ઉપર હાથ મૂકતા કહ્યું, “ગોપાલ, તારા ઘરેથી તારા મમ્મી-પપ્પા આવ્યાં હતાં.”
પછી એક ક્ષણ રોકાઈને બીજો પ્રશ્ન પૂછ્યો, “તેમની સાથે છોકરી હતી, તે કોણ હતી?”
ગોપાલ સમજી ગયો, તે કોના અંગે પૂછી રહ્યો છે. તે નિશીની વાત પૂછી રહ્યો હતો. ગોપાલ એક ક્ષણ શાંત થઈ ગયો. ત્યારે તેની નજર પોલીસની નેમ પ્લેટ ઉપર પડી. ‘વિક્રમસિંહ પરમાર’ ગોપાલને અંદાજ આવ્યો કે, પોલીસવાળો દરબાર છે. ગોપાલે ઊંડો શ્વાસ લેતા કહ્યું, “બાપુ, તે મારી પત્ની છે. નિશી.”
વિક્રમસિંહ વિચારમાં પડી ગયો. ગોપાલ કંઈ બોલ્યો નહીં. વિક્રમસિંહે ક્ષણ માટે આંખ બંધ કરી અને પછી આંખો ખોલતા કહ્યું, “ગોપાલ, તને આ કામ કરતાં પહેલાં તારી પત્નીનો પણ વિચાર આવ્યો નહીં! કેટલી નાની અને ભોળી છોકરી છે.”
ગોપાલની નજર નીચી થઈ ગઈ. પછી ગોપાલ અને વિક્રમસિંહ વચ્ચે શૂન્ય અવકાશ સર્જાયો. ગોપાલના ખભે હાથ મૂકતા વિક્રમસિંહે કહ્યું, “તારી માએ તો તને જન્મ આપ્યો, તેની આંખમાં આંસુ આવવા તો મને સમજાય છે. પણ જે છોકરીએ તને પ્રેમ કર્યો, તારી સાથે લગ્ન કર્યા… આજે મેં તેની સ્થિતિ જોઈ એટલે મને લાગ્યું કે તારી સાથે વાત કરવી જોઈએ.”
ગોપાલે ઉપર જોયું ત્યારે તેની આંખો ભરાઈ આવી હતી. ગોપાલે આંખો લૂછતાં કહ્યું, “બાપુ, અમારા લવ મેરેજ થયા છે.”
ગોપાલની આંખો ફરી ભરાઈ આવી. વિક્રમસિંહે ગોપાલના ખભા ઉપર રહેલા પંજા વડે તેનો ખભો દબાવી તેને હિંમત આપવાનો પ્રયત્ન કર્યો. વિક્રમસિંહ ભલે પોલીસવાળો હતો; કપડું ખાખી પહેરતો હતો; પોલીસની નોકરીને કારણે સ્વભાવ અને અવાજમાં રૂક્ષતા આવી હતી, પણ વિક્રમસિંહની અંદરનો માણસ હજી જીવતો હતો. પોલીસની લાંબી નોકરીને કારણે કોણ રીઢો ગુનેગાર છે અને કોણ સંજોગોનો શિકાર છે; તેની સમજ સારી રીતે આવી ગઈ હતી. ગોપાલની આ જિંદગીની પહેલી ભૂલ હોવી જોઈએ તેવો તેને અંદાજ આવી રહ્યો હતો.
જોકે આ શૂન્યાવકાશ દરમિયાન ગોપાલના માનસમાં ભૂતકાળનાં એ દૃશ્ય ફરવાં લાગ્યાં, જ્યારે તેના મમ્મી પપ્પા પાલનપુર આવી ગયાં હતાં. પછી ગોપાલ તો અમદાવાદમાં રહેતો હતો. ગોપાલને શેરબજારની સારી કહી શકાય તેવી સમજ હતી. એક શેર દલાલની ઑફિસમાં તેની નોકરી હતી. શેર દલાલની ઑફિસની બાજુમાં જ એક સી.એ.ની ઑફિસ પણ હતી. નિશી ત્યાં જ નોકરી કરતી. એક જ માળ ઉપર ઑફિસ હોવાને કારણે નિશી અને ગોપાલની આંખો અનેક વખત મળી હતી, પણ સંવાદ થયો નહોતો.
ચોમાસામાં તેમની પહેલી મુલાકાત થઈ હતી. તે દિવસે નિશી ઑફિસમાંથી નીકળી વરસાદમાં છત્રી લઈને ઊભી હતી. મોટાભાગની બસો આગળના સ્ટોપથી જ ભરાયેલી આવતી. એવામાં નિશી ઘરે કેવી રીતે પહોંચીશ! તેની ચિંતામાં હતી ત્યારે જ ગોપાલ ત્યાંથી બાઇક લઈને નીકળ્યો.
ગોપાલ અને નિશીની આંખ ફરી એક થઈ. અનાયસે ગોપાલની બાઇક અટકી ગઈ. ગોપાલે પૂછ્યુ, “ક્યાં રહે છે? હું છોડી દઉં.”
નિશીએ વિચાર કર્યો. પછી અંદાજ આવ્યો કે, આજે બસ મળવાનો અણસાર નથી. નિશી બાઇક ઉપર ગોઠવાઈ ગઈ. આ મુલાકાતો આગળ ચાલી. પહેલાં નામની આપ–લે અને પછી વિચારોની આપ–લે શરૂ થઈ. ગોપાલને નિશી ગમવા લાગી હતી, પણ તેનો એકરાર કરવાની હિંમત થતી નહોતી. ગોપાલને ખ્યાલ આવી ગયો ગયો હતો કે, નિશી પણ તેને પસંદ કરે છે. પરંતુ પહેલી વાત કોણ કરશે! તેની બંને તરફથી રાહ જોવાઈ રહી હતી.
ગોપાલની ધીરજનો અંત આવ્યો. તે દિવસે નિશીને તેનાં ઘરે ઉતારવા ગયો, ત્યારે તેણે નિશીને રોકતાં કહ્યું, “નિશી, મારી સાથે લગ્ન કરીશ?”
નિશીએ પોતાની નજર ફેરવી લેતાં કહ્યું, “પપ્પાને પૂછીને કહીશ.”
એટલું બોલી તેણે ઘર તરફ ડગ માંડ્યાં. તરત ગોપાલે તેનો હાથ પકડી, તેને રોકતાં કહ્યું, “લગ્ન તારી સાથે કરવું છે, તારા પપ્પા સાથે નહીં.”
નિશી હસી પડી અને શરમાઈને ગોપાલે પકડેલો હાથ છોડાવી ત્યાંથી ચાલી નીકળી.
ગોપાલના મનનો કબજો હવે નિશીએ લઈ લીધો હતો. તેને ઊઠતાં, બેસતાં, સૂતાં અને ખાતાં માત્ર નિશીના જ વિચાર આવતા હતા. નિશીને પણ ગોપાલ ગમતો હતો. તે પોતાની ઑફિસમાં હોય ત્યારે, ‘ઑફિસમાં નેટવર્ક પકડાતું નથી’ તેવું બહાનું કરીને ઑફિસની બહાર નિકળી જતી. લોબીમાં ચાલતાં ચાલતાં વાત કરતી. તે વાત ભલે કોઈની પણ સાથે કરતી હોય, પણ તેની નજર તો ગોપાલની ઑફિસ તરફ જ રહેતી.
ગોપાલનું કામ શેરબજારનું હોવાને કારણે બપોર પછી બજાર બંધ થાય એટલે તે નવરો થઈ જતો. પણ નિશીને મળવા માટે તે ક્યારેક ઑફિસમાં મોડા સુધી બેસી રહેતો તો ક્યારેક ઑફિસની આસપાસ ચક્કર મારી પોતાનો સમય પસાર કરતો. સાંજ પડે એટલે તે નિશીના બસ સ્ટેન્ડ પાસે બાઇક પાર્ક કરી બેસતો હતો. નિશી પણ જ્યારે બસ સ્ટેન્ડ ઉપર ગોપાલને જોતી ત્યારે તેની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક આવી જતી. પછી ગોપાલ અને નિશી સાથે ઘર તરફ જવા રવાના થતાં.
ગોપાલ પોલીસ સ્ટેશનમાં હતો, પણ નિશી સાથેની પ્રેમ કહાની યાદ આવતા; જાણે તેના શરીરમાં લોહીનો નવો સંચાર શરૂ થયો હોય એવું તેને લાગ્યું. ગોપાલ નિશીના જ વિચારમાં હતો ત્યારે એક પોલીસવાળો સિવિલ ડ્રેસમાં પોલીસ સ્ટેશનમાં દાખલ થયો. તેણે પી.એસ.ઓ.ને આવી પૂછ્યું “પેલા ગોપાલને કયાં રાખ્યો છે?”
પી.એસ.ઓ.એ સામેના બાકડા ઉપર પોલીસવાળા સાથે બેઠેલા ગોપાલ તરફ ઇશારો કર્યો. પેલા પોલીસવાળાએ ગોપાલ સામે જોયું. તેને આશ્ચર્ય થયું કે, એક આરોપીને આવી રીતે બાકડા ઉપર કેમ બેસાડયો હશે! તેમને થયું, આરોપી તો લોકઅપમાં હોવો જોઈએ. પણ પોલીસવાળો હજી નોકરીમાં નવો હતો. તે ભલે સર્વેલન્સ સ્કવૉડમાં નોકરી કરતો હતો, પણ પી.એસ.ઓ. તેના સિનિયર હતા.
ગોપાલ જે પોલીસવાળા સાથે બેઠો હતો, તે પણ હેડકોન્સટેબલ હતા. એટલે પેલા પોલીસવાળાની પૂછવાની હિંમત ન થઈ કે, આરોપીની આવી સરભરા કેમ થઈ રહી છે? પેલા પોલીસવાળાએ ગોપાલને જોતા જ આદેશના સ્વરમાં કહ્યું, “ચાલ, ચૌધરી સાહેબ બોલાવે છે.”
ગોપાલ ઊભો થયો અને પોલીસવાળા સાથે જવા નીકળ્યો. ત્યારે જ જેની સાથે તે બાકડે બેઠો હતો, તે પોલીસવાળાએ કહ્યું, “ગોપા, મસાલો થૂંકીને સાહેબ પાસે જજે.”
ગોપાલને ગોપા શબ્દ સારો લાગ્યો. કોઈ તેની સાથે પ્રેમથી વાત કરી રહ્યું હતું. ગોપાલ જેવો પોલીસ સ્ટેશનનાં પગથિયાં ઉતર્યો, તેની સાથે પેલા નવા પોલીસવાળાએ પેન્ટના પાછળના ભાગેથી કમરમાંથી ગોપાલને પકડ્યો. ગોપાલને તે સારું લાગ્યું નહીં. ગોપાલ તેને કહેવા ઇચ્છતો હતો કે, સાહેબ, હું ભાગીશ નહીં. પણ તેની એટલી હિંમત થઈ નહીં. જોકે આજે સર્વેલન્સ સ્કવૉડમાં જતી વખતે તેને ડર નહોતો લાગી રહ્યો. કારણ કે પેલા પોલીસવાળા દાદા સાથે વાત થઈ હતી કે, મારે સાહેબને બધું જ સાચું કહી દેવું છે.
ગઈ સાંજે જ્યાં ગોપાલને ભરપૂર માર પડ્યો હતો, ત્યાં જ તેને ફરીથી લાવ્યા. જોકે કાલે તો સાહેબ ઑફિસની બહાર ખુરશી નાખીને બેઠા હતા. ગોપાલે ઑફિસમાં દાખલ થતાં પહેલાં આગલી સાંજે જે લીમડાનું થડ પકડ્યું હતું, તેની તરફ જોયુ. જાણે તે લીમડાને ફરિયાદ કરતો હોય કે, તારા કારણે મને માર પડ્યો. પોલીસે પકડ્યા પછી ગોપાલ આ રીતે પોતાની સાથે એકલામાં વાત કરવા લાગ્યો હતો.
ચૌધરી સાહેબ ફાઇલ વાંચી રહ્યા હતા. પોલીસવાળો જેવો ચેમ્બરમાં દાખલ થયો, તરત તેમણે ફાઇલમાંથી નજર ઊંચી કરીને દરવાજા તરફ જોયું. ગોપાલને જોતા જમણા હાથની પહેલી આંગળીથી નીચે બેસી જવાનો ઇશારો કર્યો. પેલા પોલીસવાળાએ સાહેબના ટેબલની સામે જમીન ઉપર ગોપાલને બેસાડયો. પોલીસવાળો હજી ત્યાં જ ઊભો હતો. સાહેબ ફાઇલ વાંચી રહ્યા હતા. તેમણે થોડીવાર પછી પોલીસવાળા સામે જોયુ. સાહેબની નજર વાંચી ગયેલો પોલીસવાળો સમજી ગયો કે, સાહેબ બહાર જવાની સૂચના આપે છે.
પોલીસવાળો બહાર ગયો એટલે પોલીસ સ્ટેશનની સામે આવેલી ચાની કીટલીવાળો ચા લઈને અંદર આવ્યો. તેણે પી.એસ.આઈ.. ચૌધરીના ટેબલ ઉપર પ્યાલી મૂકી. ચૌધરીએ ઉપર જોયા વગર સૂચના આપી કે, “પેલાને પણ આપજે.”
ચાવાળાએ તીરસ્કારની નજરે ગોપાલ સામે જોયું. તે ચેમ્બરની બહાર નીકળ્યો અને એક જ મિનિટમાં ચાની પ્યાલી લઈને અંદર આવ્યો. તે ગોપાલ પાસે ચા મૂકી રહ્યો હતો; ત્યારે ગોપાલે મોઢું હલાવી તેને ના પાડવાનો પ્રયત્ન કર્યો, પણ ચાવાળાએ તેની સામે જોયું જ નહીં. કદાચ જોયું પણ હતું, તો એના માટે ચૌધરી સાહેબનો આદેશ જ મહત્ત્વનો હતો.
ચાવાળો ગોપાલના પગ પાસે પ્યાલી મૂકી રવાના થયો. ચૌધરી સાહેબ ચાની ચૂસકી મારતા મારતા ફાઇલ વાંચી રહ્યા હતા. ક્યારેક ફાઇલમાંથી નજર બહાર કાઢીને બારીની બહાર જોઈ લેતા, વિચારી લેતા અને ફરી ફાઇલમાં ખોવાઈ જતાં. વચ્ચે વચ્ચે કાગળ ઉપર કોઈ મુદ્દા પણ ટપકાવતા હતા. ગોપાલને લાગ્યું કે, રાત્રે ચૌધરી સાહેબનું જે રૌદ્ર સ્વરૂપ હતું, તેના કરતાં આજે તે ફ્રેશ અને સૌમ્ય લાગતા હતા. અચાનક ચૌધરી સાહેબે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું. તેમની આંખો ચાર થઈ. તેમણે બેલ મારી અને પ્યાલીમાં રહેલી બધી ચા એક જ ઘૂંટડે પી ગયા.
બેલ સાંભળતા જ એક પોલીસવાળો અંદર આવ્યો. ચૌધરી સાહેબે તેની સામે જોતા પૂછ્યું, “ઇકબાલ આવ્યો છે?”
પોલીસાળાએ વિચાર કર્યો અને દરવાજાની બહાર જોતા કહ્યું, “જી.”
“બોલાવ એને.”
પોલીસવાળાએ બૂમ પાડી. ઇકબાલ દોડતો આવ્યો અને જય હિંદ કહીને ઊભો રહ્યો. ચૌધરી સાહેબે ફાઇલ બંધ કરતા કહ્યું, “ઇકબાલ, આ નાર્કોટિક્સ કેસના કાગળો છે. આજે સવારે મને સરકારી વકીલનો ફોન આવ્યો હતો. કેટલીક ક્વેરી હતી. મેં તેની નોંધ આ ફાઇલમાં મૂકી છે. ચાલ, તરત નીકળ અને સરકારી વકીલને આ ફાઇલ કોર્ટમાં પહોંચાડ. રિસેસ પછી કેસ બોર્ડ ઉપર આવવાનો છે. તું કોર્ટમાં હાજર રહેજે. સાંજે મને રિપોર્ટ કરજે.”
ચૌધરીએ પોતાની પાસે રહેલી ફાઇલ આગળ તરફ ધકેલી. કોન્સટેબલ ઈકબાલે ફાઇલ લીધી અને સવાધાન પોઝિશનમાં આવીને પોતાના બંને હાથ પાછળ તરફ ખેંચી સલામ કરીને ચેમ્બરની બહાર નીકળ્યો. ચૌધરી સાહેબ ઊભા થયા. બારી પાસે જઈ ઊભા રહ્યા અને બારીની બહાર જોતા હતા. અચાનક પાછા ફર્યા અને ટેબલ પર રહેલું સિગારેટનું પાકીટ લીધું. સિગારેટ સળગાવી અને ટેબલના કોર્નર પાસે આવી ટેબલ ઉપર બેસતા તેમણે કહ્યું, “ગોપાલ, ગૂડ બોય.”
ગોપાલ કંઈ સમજ્યો નહીં. પણ ગોપાલને ‘ગૂડ બોય’ શબ્દ સારો લાગ્યો એટલે તેના ચહેરા ઉપર સ્મિત આવ્યું. ચૌધરીનું ધ્યાન તેની ચાની પ્યાલી તરફ ગયું. ચા હજી તેમજ હતી. તેમણે આંખનો ઇશારો કર્યો એટલે ગોપાલે પ્યાલી મોઢે લગાડી અને એક ઝાટકે બધી ચા પી ગયો. ચૌધરીએ ટેબલ ઉપર પડેલી એશ ટ્રે પોતાની પાસે લીધી. તેની ઉપર સળગતી સિગારેટ આડી મૂકી અને પૂછ્યું, “ગોપાલ, કેટલી નોટો છાપી હતી?”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.