પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-50): ગોપાલ ને નીશીનો પ્રેમ શરૂ થયો પછી ગોપાલ પહેલી વખત નીશીને આ જ બગીચામાં લઈ આવ્યો હતો. આ તેમનું મુલાકાતનું કાયમી સરનામુ હતું. નીશી અને ગોપાલની આંખમાં જુની યાદો દોડી આવી. નીશીને કોઈ સરપ્રાઈઝ મળી હોય તેવો આનંદ તેના ચહેરા ઉપર હતો. બંન્ને બગીચામાં દાખલ થયા, નીશીને લાગી રહ્યું હતું કે એક એક ઝાડ અને ફુલના છોડ તેના પરિચીત હતા. તેમને જોઈ વૃક્ષ પણ જાણે ખુશ થયા તેવું તેમને લાગી રહ્યું હતું. ગોપાલે પુછ્યું નીશી તને યાદ છે આપણે કયા બાંકડે બેસતા હતા? નીશીએ આસપાસ નજર દોડાવી અને યાદ કરી કહ્યું પેલી કરેણના ઝાડ નીચેનો બાંકડો. ગોપાલના ચહેરા ઉપર સ્મિત હતું. બગીચામાં ઘણા યુગલો બેઠા હતા, પણ તેમના માટે જાણે બાંકડો રિર્ઝવ હોય તેમ તે વખતે તે ખાલી હતો. ગોપાલ અને નીશી પોતાના કાયમી બાંકડે જઈ બેઠા મનમાં એક જુદો જ રોમાંચ હતો.
ઘણી વખત માણસ પાસેથી ભુતકાળ વહી જાય છે ત્યારે તેને વાગોળવામાં સુખ મળતુ હોય છે. કંઈક તેવું જ આ બંન્નેના મનમાં ચાલી રહ્યું હતું. અચાનક ગોપાલનું ધ્યાન એક માણસ ઉપર પડ્યું, તેણે નીશીનો હાથ પકડતા કહ્યું નીશી જો પેલાને.. નીશીએ જોયું તો બગીચામાં ચણા જોર ગરમવાળો ફરી રહ્યો હતો. નીશીએ જાણે હિરો જોયો હોય તેવો આનંદ હતો. આ તે જ ભૈયાજી હતો, જેમની પાસેથી ગોપાલ અને નીશી જ્યારે પણ આવે ત્યારે ચણા જોર ગરમ લેતા હતા. ગોપાલે નીશી સામે જોયું, ખાઈશું? નીશીએ નાના બાળકની જેમ માથું હલાવી હા પાડી ગોપાલે બુમ પાડી ભૈયાજી. પેલો ચણા જોર ગરમવાળો તેમની પાસે આવ્યો તેણે કહ્યું બોલો સાબ ગોપાલે કહ્યું બીસકા બનાઓ, પેલા પોતાના થેલામાં રહેલી વાટકીના માપ પ્રમાણે ચણા જોર લીધા, બારીક ડુંગળી અને ટમેટા કાપવા લાગ્યો. ગોપાલે તેને પુછ્યું હમે પહેચાનતો હો? પેલાએ ગોપાલ અને નીશી સામે ધ્યાનથી જોયું,. તેનો ચહેરો કહી રહ્યો હતો ઓળખાણ પડતી નથી ગોપાલે યાદ કરીને કહ્યું ભૈયા પાંચ સાલ કે બાદ આયે હે આપ કૈસે પહેચાનોગે..? પેલાએ ડુંગળી-ટમેટા ભેગા કરેલા ચણા જોર ગરમમાં મસાલો અને લીંબુ લગાવી મીક્ષ કરવા માટે કાગળની ભુંગળી બનાવી તેને ઉપર નીચે કર્યા.
ચણા જોર ગરમ ખાવાની શરૂઆત કરી ગોપાલ વિચાર કરી રહ્યો હતો કે તે દિવસો ખુબ સારા હતા, નીશી હજી ચણાજોર ખાઈ રહી હતી, તેનો ચહેરો કહી રહ્યો હતો તેને તીખુ લાગી રહ્યું છે. ગોપાલે તેના કપાળ ઉપર બાજેલી પરસેવાની બુંદો જોઈ, ખીસ્સામાંથી રૂમાલ કાઢી તેના કપાળ ઉપર રહેલો પરેસેવો લુંછતા કહ્યું પાણી લઈ આઉ? તેમ કહી તે ઊભો થયો અને બગીચાના ગેટ ઉપર રહેલા પાણીવાળા પાસેથી પાણીના બે પાઉચ લઈ આવ્યો. સાંજ ઢળી ગઈ હતી. બગીચાની લાઈટ્સ ઝગમગવા લાગી હતી. બગીચાની વચ્ચે આવેલા ફુવારોનો અવાજ આવી રહ્યો હતો. નીશી અને ગોપાલ જુના સંસ્મરણો યાદ કરી રહ્યા હતા, ત્યારે ગોપાલને કંઈક યાદ આવ્યું તેણે નીશીનો હાથ પકડતા કહ્યું નીશી તારા પપ્પા જે વાત કરી રહ્યા છે તેનું શું કરવાનું? નીશીએ ગોપાલના હાથ ઉપર પોતાનો હાથ મુકતા કહ્યું શું કરવાનું આપણે કંઈ કરવાનું નથી. ગોપાલે કહ્યું પણ પપ્પા કહે છે કે આપણે અલગ થઈ જવું જોઈએ તેની વાત કરું છું. નીશી એકદમ શાંત થઈ ગઈ. થોડી વાર કંઈ જ બોલી નહીં. તેણે કહ્યું પપ્પાએ મારી સાથે વાત કરી હતી, તે મને પુછી રહ્યા હતા કે આવી જીંદગી ક્યાં સુધી જીવીશ? ગોપાલ જેલમાં અને તું અહિયા એકલી રહે છે મારો જીવ બળે છે, નીશી આટલુ બોલી ચુપ થઈ ગઈ. ગોપાલે પુછ્યું તો તે શું કહ્યું? નીશીએ ગોપાલની આંખમાં જોઈ પુછ્યું શું કહું, મારી પાસે કોઈ જવાબ જ નથી. પપ્પા પોતાની જગ્યાએ સાચા છે, પણ હું તને કેવી રીતે છોડી શકું. આટલુ બોલતા નીશીની આંખના ખુણા ભીના થયા. ગોપાલ કંઈ બોલી શકયો નહીં. તેમના વચ્ચે લાંબો સમય નીરવ શાંતિ થઈ ગઈ.
ગોપાલ આ દરમિયાન નીશીની જગ્યાએ પોતાને મુકી આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે ખરેખર આ વાતનો કોઈ જ જવાબ નથી, કારણ ગોપાલને પણ ખબર ન્હોતી કે હાઈકોર્ટમાં તેની અપીલ ક્યારે ચાલશે? અને ક્યારે તે જેલમાંથી છુટશે? જો હાઈકોર્ટ છોડે નહીં તો દસ વર્ષ તો જેલમાં રહેવાનું પાક્કુ જ હતું. નીશાના પપ્પા પણ તેમની જગ્યાએ સાચા હતા. એક દીકરીનો બાપ તો દીકરીની ચિંતા કરે તેમાં ખોટું શું હતું, જેલમાં રહ્યા પછી ગોપાલમાં એક પરિવર્તન આવ્યું હતું પહેલા તેને પોતે જ સાચો લાગતો હતો પણ હવે તે સામેની વ્યકિત પણ સાચી હોઈ શકે તેવો વિચાર કરતો થયો હતો. લગભગ બંન્ને અડધો કલાક એકબીજાનો હાથ પકડી બેસી રહ્યા હતા પણ તેમની વચ્ચે કોઈ વાત થઈ રહી ન્હોતી. ગોપાલ અને નીશીના મનમાં ગડમથલ ચાલી રહી હતી. નીશીએ વાતને આગળ વધારતા કહ્યું તું ઘરે નથી તો મને ગમતુ નથી. દિવસો તો કેમ કરી નીકળી જાય છે પણ રાત જાણે મને ખાવા દોડતી હોય તેવું લાગે છે. ગોપાલને નીશીની વાત સમજાતી હતી. તે કહેવા માગતો હતો કે જેલમાં પણ મારી આવી જ સ્થિતિ છે પણ તે કહી શકયો નહીં કારણ ગોપાલ પોતાની સ્થિતિ માટે પોતે જ જવાબદાર હતો પણ નીશી તો ગોપાલની સજા ભોગવી રહી હતી. ગોપાલને જેલમાં રહી સમજાયું કે કોર્ટ કોઈ ગુના માટે એક જ વ્યકિતને સજા કરે છે, પણ ખરેખર તો જેલમાં જનારના પરિવારને પણ જેલની બહાર સજા જેવી જ જીંદગી જીવવી પડતી હોય છે.
નીશીએ કહ્યું મારા પપ્પા કહેતા કે થોડા દિવસ ઘરે આવી જા આટલુ બોલી નીશીએ ગોપાલની આંખમાં જોયું. નીશીએ કહ્યું પપ્પાના ઘરે જવું છે તો મને શું પુછવાનું તું પપ્પાના ઘરે જઈ આવ. નીશી કંઈ બોલી નહીં. ગોપાલે પુછ્યું જઈશું? નીશી અને ગોપાલ બગીચાની બહાર નીકળ્યા ત્યાંથી મહાલક્ષ્મી જતા રસ્તા ઉપર ગોપાલે સ્કુટીવાળી. નીશીએ પુછ્યું આમ ક્યાં? ગોપાલે હસતા હસતા કહ્યું મમ્મીએ જમવાનું બનાવ્યું નથી. નીશીને યાદ જ રહ્યું નહીં કે ઘરે જમવાના નથી તેવું કહીને નીકળ્યા છે પણ ગોપાલને યાદ હતું. મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે રોડ ઉપર એક ડોસાવાળો બેસે છે તેના ડોસા નીશીને ખુબ ભાવે છે. એટલે ગોપાલે સીધી ડોસાવાળાની લારી ઉપર જઈ સ્કુટી ઊભી રાખી, નીશીના ચહેરા ઉપર ચમક આવી ગઈ, કદાચ ગોપાલ જેલમાં ગયા પછી તેણે પણ ડોસા ખાધો હોવાનું તેને યાદ ન્હોતું. બન્ને ડોસા ખાવા બેઠા, ત્યાંથી નીકળતા રાતના દસ થઈ ગયા હતા. ગોપાલ અને નીશી ઘર તરફ નીકળ્યા, ગોપાલ ઘણા લાંબા સમયથી કોર્પોરેશનની લાઈટોથી ઝગમગી રહેલા પોતાના અમદાવાદ શહેરનો જોઈ રહ્યો હતો.
(ક્રમશ:)
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.