Friday, April 17, 2026
HomeGujaratAhmedabadગોપાલ મમ્મી-પપ્પા સાથે આંખ મીલાવી શકયો નહીં, નીશી લોકઅપના સળીયામાંથી ગોપાલનો હાથ...

ગોપાલ મમ્મી-પપ્પા સાથે આંખ મીલાવી શકયો નહીં, નીશી લોકઅપના સળીયામાંથી ગોપાલનો હાથ પકડી રડતી રહી

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-4): Nadaan Series : ગોપાલને પોલીસના આવા મારની કલ્પના નહોતી. લીમડાનું ઝાડ પકડાવી પોલીસે ગોપાલને થર્ડ ડિગ્રી આપી; તેના માટે ગોપાલ જરા પણ તૈયાર નહોતો. છતાં તેના શરીર કરતાં તેનું મન વધારે મજબૂત હતું. પોલીસની એક એક લાઠી વીંઝાય ત્યારે ગોપાલ પોતાની જાતને કહેતો, “તારે ચૂપ રહેવાનું છે.” લગભગ અડધો કલાક અલગ અલગ પોલીસવાળા ગોપાલને ફટકારતા રહ્યા. પણ ગોપાલ એકનો બે થયો નહીં. તેણે પોતાનું રટણ ચાલું રાખ્યું કે, તે કંઈ જ જાણતો નથી. ગોપાલને માર્યા પછી બે પોલીસવાળાએ તેનો હાથ પકડી પોલીસ સ્ટેશનની બહાર ચલાવવાની શરૂઆત કરી.

પોલીસના મારને કારણે ગોપાલની જાંઘ એવી જામ થઈ ગઈ હતી કે, જાણે તેના પગ ઉપર પાંચસો કિલોનો બાટ બાંધ્યો હોય! તે ચાલી શકતો નહોતો, પણ પોલીસ તેને પરાણે ચલાવી રહી હતી. પોલીસનું પોતાનું એક સાયન્સ હોય છે. પોલીસને ખબર હોય છે કે, કોઈને થર્ડ ડિગ્રી માર માર્યા પછી જો બેસાડી દેવામાં આવે; તો જ્યાં માર પડ્યો હોય ત્યાં લોહી જામી જાય. અને આરોપી જો મારના નિશાન મેજિસ્ટ્રેને બતાવે, તો પોલીસ સામે કાર્યવાહી થાય. એટલે પોલીસ જ્યારે જ્યારે આરોપીને મારે, એ પછી આ પ્રકારે ચલાવતી હોય છે.

- Advertisement -



પોલીસ મારીને થાકી ગઈ હતી, પણ ગોપાલ કંઈ જ બોલવા તૈયાર નહોતો. માત્ર એક પેલા આધેડ પોલીસવાળાના ચહેરા પર દયાનો ભાવ હતો. તેણે ગોપાલ ઉપર હાથ તો ઉપાડ્યો હતો; પણ જ્યારે ગોપાલને લીમડો પકડાવી માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે તેના ચહેરા પર એવો ભાવ હતો કે, જાણે પોતાને માર પડી રહ્યો છે!

- Advertisement -


થોડીવાર પછી એ આધેડ પોલીસવાળો ગોપાલની પાસે ગયો. તેણે આંખનો ઇશારો કરતા ગોપાલ સાથે રહેલા બીજા પોલીસવાળા જતા રહ્યા. આ પોલીસવાળો ગોપાલના ખભે હાથ મૂકી તેને એક તરફ લઈ ગયો. બહુ પ્રેમથી ગોપાલને કહ્યું, “છોકરા, કેમ આટલો માર ખાય છે? તારાથી ભૂલ થઈ; તો કંઈ વાંધો નહીં. હજી તારી ઉંમર નાની છે. ગુનો કબૂલ કરી લે અને જલદી આ દુનિયામાંથી નીકળી જા.”

ગોપાલે એ આધેડ પોલીસ સામે જોયું ગોપાલને લાગ્યું કે, જાણે તેના પિતા તેને સમજાવી રહ્યા છે. ગોપાલ ભાવુક થઈ ગયો. તેની આંખમાં આંસુ ધસી આવ્યાં. ગોપાલ પોતાના બધા જ પત્તા ખોલી નાખવાની તૈયારીમાં જ હતો; કે તરત તેના મને તેને ચેતવ્યો તે બોલ્યો, “દાદા સાચું કહું છું, મને અડ્ડા પરથી જ આ નોટો મળી હતી.”

- Advertisement -



ગોપાલે પહેલી વખત એ આધેડ પોલીસવાળાને દાદા કહીને સંબોધન કર્યું. કારણ, એ પોલીસવાળાને બધા જ દાદા કહેતા હતા. દાદાના ચહેરા ઉપર નિરાશા છવાઈ ગઈ. તેઓ માની રહ્યા હતા કે, ગોપાલ ઉપર તેમના શબ્દોની અસર થશે; પણ તેવું થયું નહીં. દાદાએ થાકીને, પાછા વળીને સિગારેટનો કશ ખેંચી રહેલા પોલીસ અધિકારી સામે જોયું. પોલીસ અધિકારી દાદાની નજર જોઈ સમજી ગયા. તેમણે મોટા અવાજે કહ્યું, “દાદા તમને આવા છોકરા પર દયા આવે છે! આ સાલો રીઢો છે. તેમ નહીં માને, આવતીકાલે તેના બાપને લઈ આવો, પછી જોઈએ.”

ગોપાલ ફફડી ઉઠ્યો, પપ્પાને શું કામ પોલીસ સ્ટેશન બોલાવે છે? ગુનો મેં કર્યો છે, મારા બાપનો શું વાંક? પણ પોલીસની આ રમતને ગોપાલ સમજી શક્યો નહીં. જ્યારે બળથી કામ ન ચાલે ત્યારે કળનો ઉપયોગ કરવો પડે.


પોલીસ હવે પપ્પાને પણ મારશે! આ વિચાર આવતાં જ તેના હૃદયના ધબકારા વધી ગયા. એક ક્ષણ તો તેને થયું કે, દાદાને હું બધું જ સાચું કહી દઉં. મારા પપ્પાને કંઈ કરશો નહીં. તેણે દાદા સામે જોયું. પણ કશું જ બોલવાની હિંમત થઈ નહીં.

રાત્રે એક વાગ્યે ગોપાલને ફરી લોકઅપમાં મૂકવામાં આવ્યો. તેને ચાલવામાં તકલીફ પડી રહી હતી. લોકઅપમાં રહેલા પેલા બે ચેઈન સ્નેચર્સ ઘોડા વેચીને સૂઈ ગયા હતા. ગોપાલ આડો તો પડ્યો, પણ પીઠની નીચેના ભાગમાં અને પગમાં અસહ્ય કળતર થતું હતું. તે સૂઈ જ શક્યો નહીં. તેને પડખું ફરવું હતું, પણ એટલીયે તાકાત તેનામાં રહી નહોતી. પડખું ફરવાનો પ્રયત્ન કર્યો; તો જાણે કોઈએ છરો માર્યો હોય તેવી પીડા થતી હતી! આંખો બંધ કરે તો પણ; ઊંઘ જાણે દૂર ભાગી રહી હતી!



તેણે ત્રાંસી નજરે લોકઅપ બહાર જોયું. બે-ત્રણ પોલીસવાળાએ બાકડા ઉપર લંબાવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં બરાબર વચ્ચે બેઠેલા હેડ કોન્સ્ટેબલ, જેમના ટેબલ પર ‘પી.એસ.ઓ.’નું બોર્ડ માર્યું હતું; તે દીવાલ ઉપર લાગેલા ટીવી ઉપર હિન્દીમાં ડબ કરેલી દક્ષિણ ભારતની ફિલ્મ જોઈ રહ્યા હતા. ગોપાલને ખબર જ ન પડી કે, ક્યારે આંખ મળી ગઈ. તેની આંખ ખોલવા માટે એક પોલીસવાળાએ રીતસર તેની પીઠમાં જોરથી પગ માર્યો. તેણે ઝબકીનો આંખ ખોલી. સવાર પડી ગઈ હતી.


ગોપાલે પોલીસવાળા સામે જોયું. તો તેણે જવાબમાં એક ગાળ આપી. ગોપાલને ખબર નહોતી કે, લોકઅપમાં ગૂડ મોર્નિંગ પણ આવી રીતે કહેતા હશે! પોલીસે ગાળ પૂરી થતાં જ કહ્યું, “જો, ત્યાં ચા મૂકી છે. લઈ લે.”

ગોપાલ પરાણે ઊભો થયો. પેલો પોલીસવાળો બબડી રહ્યો હતો. “સાલાઓ આપણા જમાઈ હોય તેમ આપણે ચા પાણી અને જમવાની વ્યવસ્થા કરવાની.” આટલું બબડીને તે લોકઅપની બહાર નીકળી ગયો અને લોકઅપને બહારથી લોક કર્યું. પેલા બે સ્નેચર્સ ઊઠી ગયા હતા. તેઓ બહાર કેવી રીતે નીકળવું તેની ચર્ચામાં હતા. તેમનું ધ્યાન આજે ગોપાલ તરફ નહોતું.



લગભગ સવારના દસ વાગ્યા હશે, ગોપાલ લોકઅપના સળિયા પકડીને બેઠો હતો. તે પોતાનો સમય પસાર કરવા પોલીસ સ્ટેશનમાં થઈ રહેલી પ્રવૃત્તિ જોઈ રહ્યો હતો. લોકઅપની ભૂગોળ એવી હતી કે, પોલીસ સ્ટેશનમાં દાખલ થનારને લોકઅપમાં બેઠેલી વ્યક્તિ જોઈ શકે. તેનું ધ્યાન ક્યારેક દરવાજા તરફ પણ જતું. તેણે જોયું કે, પેલો આધેડ પોલીસવાળો પોલીસ સ્ટેશનમાં દાખલ થયો. તેની પાછળ ગોપાલના પપ્પા, મમ્મી અને નિશી હતા. ગોપાલને ફાળ પડી, હવે શું થશે! તેની નજર એકદમ નીચી થઈ ગઈ. જાણે ગોપાલે તેમને જોયા જ નથી! અચાનક દાદાનો અવાજ કાને પડ્યો, “જુઓ પેલો રહ્યો, મળી લો એને.”

ગોપાલે નજર ઊંચી કરી, મમ્મી અને નિશીની આંખો ત્યારે જ ભીની થઈ ગઈ હતી. ગોપાલના પપ્પા નજીક આવ્યા નહીં. મમ્મી અને નિશીને રડતાં જોઈ ગોપાલ પોતાને રોકી શક્યો નહીં. નિશી પાસે આવીને ગોપાલ સળિયા પકડી ઊભો હતો. તેણે તેના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો. જાણે તે કહેવા માગતી હતી કે, “હું તારી સાથે છું.”


મમ્મીએ રડતાં રડતાં સળિયાની અંદર હાથ નાખી ગોપાલના ગાલે સ્પર્શ કરતાં કહ્યું, “અરે મારા ગોપુ, તે આ શું કર્યું!” ગોપાલે ગાલ પર ફરી રહેલો મમ્મીનો હાથ પકડી લીધો. મમ્મીનું રુદન આક્રમક થયું. ગોપાલ કંઈ જ બોલી શક્યો નહીં.



પેલો આધેડ પોલીસવાળો ગોપાલના પપ્પા સાથે વાત કરી રહ્યો હતો. પાંચ-સાત મિનિટ થઈ પણ હજી ગોપાલને નિશી અને મમ્મી સાથે કોઈ જ સંવાદ થયો નહોતો. એવામાં પી.એસ.ઓ.એ બૂમ પાડી, “ચાલો, મળી લીધું હોય તો નીકળો.”

ગોપાલે સળિયામાં રહેલો હાથ પાછો ખેંચી લીધો. જાણે તે નિશીને કહેવા માગતો હતો કે, “હવે તું ઘરે જા.” મમ્મી અને નિશી પાછળ જોતાં જોતાં દરવાજા તરફ ગયાં.

ગોપાલને પપ્પાનો છેલ્લો અવાજ કાને પડ્યો. “સાહેબ, તમારી સામે મારી કોઈ ફરિયાદ નથી. તમે તો તમારું કામ કર્યું છે. ભૂલ તો અમારી છે. અમે જ ખોટાં પડ્યાં.” ગોપાલ માટે પપ્પાના એક એક શબ્દ પોલીસની લાઠી કરતાં પણ વધારે પીડાદાયક હતા. ગોપાલે એ તરફ નજર કરી તો જોયું કે, પપ્પા આધેડ પોલીસવાળા સામે હાથ જોડીને ઊભા છે. ગોપાલને બહુ લાગી આવ્યું. પપ્પાએ એક પણ વખત ગોપાલ સામે ન જોયું કે લોકઅપ તરફ નજર સુધ્ધાં ન કરી. તેઓ તરત પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયા. તેમને પણ ડર હતો કે, ગોપાલ સામે જોશે તો તે પણ રડી પડશે. ગોપાલ પપ્પાને પોલીસ સ્ટેશનની બહાર નીકળતા જોઈ રહ્યો.

(ક્રમશ:)



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular